અમરેલી

૪૩ ડિગ્રી ગરમીમાં પણ માનવતા મહેકી: સાવરકુંડલામાં સદ્દભાવના ગ્રુપ દ્વારા ૧૦૭મો રક્તદાન કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન

​તપી રહી છે બહાર ગરમી, ને                            અંદર આ સદ્દભાવ વહે છે,

બચાવવા કાજે કોઈનું જીવન,                        અહી રક્તનું દાન થાય છે.

​નથી પરવા એમને આ ૪૩ ડિગ્રી કે                   આ ભયંકર ઉકળાટની ‘મિત્રો ‘

જેમના દિલમાં માનવતા માટે                            નિરંતર અખૂટ પ્રેમ વહે છે.

–“પાંધી સર”

સ્થાનિક સ્તરે માનવ સેવાના કાર્યોમાં સદા અગ્રેસર રહેતા સાવરકુંડલાના પ્રતિષ્ઠિત ‘સદ્દભાવના ગ્રુપ’ દ્વારા તાજેતરમાં ૪૩ ડિગ્રી જેટલા આકરા તાપમાન વચ્ચે પણ ૧૦૭માં રક્તદાન કેમ્પનું અત્યંત સફળ આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી રેડક્રોસ સોસાયટીના વિશેષ સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં શહેરના સેવાભાવી રક્તદાતાઓએ કાળઝાળ ગરમીની પરવા કર્યા વગર ઉત્સાહભેર ભાગ લીધો હતો અને કુલ ૭૭ યુનિટ જેટલું અમૂલ્ય રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.

​છેલ્લા ૨૪ વર્ષથી સતત કાર્યરત અને ૮ જેટલી વિવિધ હેલ્પલાઇન દ્વારા સમાજસેવાના પ્રકલ્પો ચલાવતા સદ્દભાવના ગ્રુપ દ્વારા આ ૧૦૭મો રક્તદાન કેમ્પ ખૂબ જ સુંદર અને સુવ્યવસ્થિત રીતે આયોજિત કરાયો હતો. આ પ્રસંગે સંસ્થાના સભ્યો દ્વારા ઉપસ્થિત લોકોને રક્તદાનના સર્વોચ્ચ મહત્વ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા.

​”સમયસર મળેલું લોહીનું એક ટીપું પણ અનેક જરૂરિયાતમંદ દર્દીઓ માટે નવજીવન આપી શકે છે.”

​આ કેમ્પ આગામી દિવસોમાં અનેક અકસ્માતગ્રસ્ત કે ગંભીર બીમારીથી પીડાતા લોકો માટે પરોક્ષ રીતે જીવનદાતા સાબિત થશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે સદ્દભાવના ગ્રુપના તમામ સ્વયંસેવકો અને રેડક્રોસ સોસાયટીની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

Related Posts