અમરેલી

દૂષિત પાણીની ગંભીર સમસ્યા અંગે તંત્ર જોગ લાલબત્તી: સાવરકુંડલાના વોર્ડ નં. ૮માં ગટરનું પાણી મિશ્રિત થવાની દહેશત, તાત્કાલિક ઉકેલ લાવવા માગણી

​સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં આવેલા વોર્ડ નં. ૮ના રહેવાસીઓ હાલ પીવાના પાણીમાં ગટરનું દૂષિત પાણી ભળવાની ગંભીર સમસ્યા અને ભયનો સામનો કરી રહ્યા છે. આ અંગે સ્થાનિક રઘુવંશી અગ્રણી હિરેન સુચક દ્વારા સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખશ્રીને એક લેખિત રજૂઆત કરી તાત્કાલિક તપાસ અને મરામતની માગ કરવામાં આવી છે.

​સ્થાનિક મહિલાઓ અને નાગરિકોના આરોગ્ય પર તોળાતા જોખમને ધ્યાને રાખીને પ્રમુખશ્રી ઉપરાંત સ્થાનિક ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, ચીફ ઓફિસર, મામલતદાર તેમજ અમરેલી કલેક્ટરશ્રીને પણ આ અંગેની નકલ રવાના કરીને ઉચ્ચ સ્તરે રજૂઆત પહોંચાડવામાં આવી છે.

​રજૂઆતમાં કરવામાં આવેલી મુખ્ય માગણીઓ આ મુજબ છે 

 વોર્ડ નં. ૮માંથી પીવાના પાણીના સેમ્પલ લઈ તાત્કાલિક લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવે.

​મૂળ કારણની  તલસ્પર્શી તપાસ કરવા માટે પાણી-ગટરની લાઈન, ટાંકી, વાલ્વ અને કનેક્શન્સ તપાસી દૂષણ ફેલાવતા સ્ત્રોતને શોધી તેની મરામત કરવામાં આવે. પ્રશ્નનો કાયમી ઉકેલ ન આવે ત્યાં સુધી નાગરિકો માટે ટેન્કર દ્વારા શુદ્ધ પાણી પૂરું પાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવે. દૂષિત પાણીથી કોઈ નાગરિક બીમાર ન પડે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી તબીબી તપાસ અને સારવાર સુનિશ્ચિત કરવામાં આવે. માત્ર આશ્વાસન આપવાને બદલે શુદ્ધ પાણી પૂરું પાડવાની ચોક્કસ તારીખ અને કાયમી યોજના જાહેર કરવામાં આવે.

​સ્વચ્છ પાણી એ નાગરિકોનો મૂળભૂત અધિકાર હોઈ, તંત્ર દ્વારા આ જાહેર આરોગ્યના સંવેદનશીલ મુદ્દાને પ્રાથમિકતા આપીને તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી ઉગ્ર માગ ઊઠી છે.

વાત જાણે એમ છે કે આ વોર્ડ નંબર ૮ એટલે નગરપાલિકા પ્રમુખશ્રીનો વિસ્તાર અને આ વિસ્તારમાં જ જો આવી પરિસ્થિતિ હશે તો એ કેવી કરુણતા ગણાય.. એવી પણ લોકમુખે ચર્ચા થઈ રહી છે

Related Posts