અમરેલી

ઓસ્ટ્રેલિયા સ્થિત બંજુલે આશ્રમશાળાના ભૂલકાંઓ સાથે ઉજવ્યો જન્મદિવસ: દાદા-પરદાદાની ભોમકા પર દોશી પરિવાર દ્વારા મિષ્ટાન ભોજન કરાવવામાં આવ્યું

સ્વ. શ્રી લલ્લુભાઈ શેઠ દ્વારા સ્થાપાયેલી વિવિધ સેવાકીય સંસ્થાઓ પૈકીની એક અનુદાનિત પ્રાથમિક આશ્રમશાળા ખાતે એક સદકાર્ય અને માનવતાસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. છેવાડાના દરિયા ખેડૂઓના ગામડાંના બાળકો, જ્યાં શિક્ષણ, ઘડતર કે સંસ્કારની પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ નથી, તેવા ભૂલકાંઓના લાલન-પાલન અને ઉછેરની જવાબદારી સંભાળતી આ આશ્રમશાળાના બાળકો સાથે જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.

​દાદી ચંદ્રિકાબેન તથા દાદા કુમુદભાઈ પાસેથી આશ્રમશાળાની સેવાકીય પ્રવૃત્તિઓ વિશે જાણીને, ઓસ્ટ્રેલિયા ખાતે સ્થિત પુત્ર બંજુલે પોતાના જન્મદિવસની ઉજવણી આ આશ્રમશાળાના ભૂલકાંઓ સાથે કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે વિડિઓ કોલ મારફતે સાવરકુંડલા સ્થિત મુકુંદ કાકાને પોતાની આ ઈચ્છા જણાવી હતી.

​પુત્ર બંજુલની આ ઉમદા ઈચ્છાને પૂર્ણ કરવા માટે તેમના પિતા નિરવ કે. દોશી (જે મલ્ટી નેશનલ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર વર્ક ફ્રોમ હોમ કાર્યરત છે), માતા એકતા નિરવ દોશી (જેઓ લબ્ધપ્રતિષ્ઠિત લેખિકા છે) અને બહેન ઈરા એન. દોશીએ હોશપૂર્વક સક્રિય યોગદાન આપ્યું હતું.

​તારીખ ૧૩/૦૮/૨૦૨૬, ગુરુવારના રોજ બપોરે આશ્રમશાળાના તમામ ભૂલકાંઓને ભાવપૂર્વક મિષ્ટાન ભોજન કરાવવામાં આવ્યું હતું. દૂરાંતર ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરવા છતાં પોતાના દાદા-પરદાદાની જન્મભોમકા પર આવી રીતે અનુકરણીય અને અનુસરણીય સદકાર્ય કરીને દોશી પરિવારે પોતાના પૂર્વજોને તૃપ્ત કર્યા હતા અને સમાજ સામે પ્રેમ અને સેવાનો સુંદર સંદેશ રજૂ કર્યો હતો.

Related Posts