સાવરકુંડલાની પવિત્ર ધરા પર “ગૌ માતા – રાષ્ટ્રનો આધાર, ગૌ માતા – સંસ્કૃતિની ઓળખ” ના ગુંજતા સૂત્ર સાથે ‘ગૌ સન્માન આહ્વાન અભિયાન’નો ભવ્ય પ્રારંભ થયો હતો. ગૌ માતાને રાષ્ટ્ર સ્તરીય સન્માન અને સુરક્ષા મળે તેવા ઉમદા હેતુથી સમગ્ર ભારતવર્ષમાં છેડાયેલા આ ઐતિહાસિક જન-આંદોલને આજે સાવરકુંડલામાં વિરાટ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ અભિયાન અંતર્ગત ગત ૨૭/૦૪/૨૦૨૬ ના રોજ સમગ્ર ભારતવર્ષના ૫૭૩૩ તાલુકાઓમાં ગાય માતાની સાક્ષીમાં પ્રાર્થના પત્ર પાઠવવામાં આવ્યા હતા. આ જ શૃંખલાને આગળ ધપાવતા, તારીખ ૦૭/૦૫/૨૦૨૬ ના રોજ ગુજરાત રાજ્યના તમામ ૨૬૭ તાલુકાઓમાં મામલતદારને આવેદન પાઠવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે સાવરકુંડલા તહસીલ દ્વારા આ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત સવારે ૧૦:૩૦ કલાકે મહુવા રોડ પર આવેલા કલ્યાણેશ્વર મહાદેવ મંદિર સામે, મેદાનમાં કરવામાં આવી હતી. પૂજ્ય સાધુ-સંતોના દિવ્ય સાનિધ્યમાં ગાય માતાનું સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પૂજન કરવામાં આવ્યું હતું. ગાય માતાને સુશોભિત કરી તેમની ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ગૌ-મય બની ગયું હતું. પૂજન વિધિ સંપન્ન થયા બાદ, સાધુ-સંતો અને ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડેલા ગૌ ભક્તોની વિશાળ રેલી ‘જય ગૌ માતા, જય ગોપાલ’ના ગગનભેદી નાદ સાથે મામલતદાર કચેરીએ પહોંચી હતી. ત્યાં ગૌ સન્માન આહ્વાન અભિયાનની સાવરકુંડલા તહસીલ ટીમ સંતો મહંતો ની આગેવાની માં મામલતદારને ભાવપૂર્વક ‘પ્રાર્થના પત્ર’ (આવેદન પત્ર) સુપરત કરવામાં આવ્યું હતું. આ આંદોલન દ્વારા ભારત સરકાર સમક્ષ નીચે મુજબની પ્રબળ માંગણીઓ રજૂ કરવામાં આવી છે ભારતને સંપૂર્ણપણે *ગૌ હત્યા મુક્ત* રાષ્ટ્ર જાહેર કરવું. તેમજ ગૌ માતાને *‘રાષ્ટ્ર માતા’ (મધર ઓફ નેશન)* નો બંધારણીય દરજ્જો આપવો. અને ગૌ વંશના જતન અને સંવર્ધન માટે કેન્દ્રમાં અલગ *‘ગૌ સેવા મંત્રાલય’* ની સ્થાપના કરવી. અભિયાનના આગેવાનોએ હૃદયસ્પર્શી અપીલ કરતા જણાવ્યું હતું કે, ગૌ માતા પ્રત્યેનું ઋણ અદા કરવાનો આ શ્રેષ્ઠ અવસર છે. જે ભક્તો કોઈ કારણસર રૂબરૂ નથી આવી શક્યા, તેઓ પોતાના મોબાઈલથી *9067777323* પર માત્ર એક મિસ્ડ કોલ આપીને અથવા સંસ્થાની સત્તાવાર વેબસાઈટ *www.gausamman.cloud* પર જઈને પોતાનું સમર્થન નોંધાવી શકે છે. આ સમગ્ર આયોજન અત્યંત શિસ્તબદ્ધ અને મર્યાદાપૂર્વક સંપન્ન થયું હતું. જેમાં સ્થાનિક સામાજિક અગ્રણીઓ, યુવા સંગઠનો અને સેવાભાવી સંસ્થાઓએ મોટી સંખ્યામાં જોડાઈને ગૌ સેવા પ્રત્યેની પોતાની અતૂટ શ્રદ્ધા અને કટિબદ્ધતાના દર્શન કરાવ્યા હતા. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા ની ધરા પર ગૌ ભક્તોનું ઘોડાપૂર: ‘ગૌ માતાને રાષ્ટ્રમાતા નો દરજ્જો આપો’ના નાદ સાથે મામલતદારને પાઠવાયું આવેદન














Recent Comments