અમરેલી

મોત હાર્યું, તંત્ર જીત્યું: આપત્તિ સામે અમરેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને આપદામિત્રોની સફળ મોકડ્રીલ!

અમરેલી શહેર સ્થિત ઠેબી ડેમ ખાતે ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને પૂર અને બચાવ કામગીરી અંગેની એક વિશેષ મોકડ્રીલનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આપત્તિના સમયે વહીવટી તંત્રની સજ્જતા અને વિવિધ વિભાગો વચ્ચેના સંકલનને ચકાસવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી હતી. ઘટનાનું કાલ્પનિક દ્રશ્ય અને ત્વરિત કામગીરી માટે મોકડ્રીલના આયોજન અંતર્ગત એક કાલ્પનિક સ્થિતિ ઊભી કરવામાં આવી હતી, જેમાં ઠેબી ડેમના પાણીમાં બે યુવાનો ડૂબી રહ્યા હોવાની ઘટના આકાર પામી હતી. આ અંગે કોઈ અજાણ્યા નાગરિક દ્વારા તુરંત જ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને ફોન કરીને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને સમજીને જિલ્લા વહીવટી તંત્ર તુરંત જ હરકતમાં આવ્યું હતું અને સંબંધિત તમામ વિભાગો સહિત જિલ્લામાં તૈનાત NDRFની ટીમને તાત્કાલિક અસરથી બચાવ કાર્ય માટે ઘટના સ્થળે રવાના કરી હતી.

આ મોકડ્રીલને સફળ બનાવવા માટે વિવિધ વિભાગોના કુલ ૫૨ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓએ સ્થળ પર હાજર રહીને પ્રશંસનીય કામગીરી કરી હતી. જેમાં NDRF ટીમના ૩૦ જેટલા જાંબાઝ જવાનો આધુનિક બચાવ સાધનો સાથે જોડાયા હતા, કાયદો-વ્યવસ્થા અને ટ્રાફિક નિયમન માટે ૫ પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા, તાત્કાલિક તબીબી સારવાર માટે ૨ પેરામેડિકલ સ્ટાફ સભ્યો કાર્યરત હતા, ૧૪ જેટલા સ્થાનિક આપદામિત્રોએ બચાવ કામગીરીમાં સક્રિય સહયોગ આપ્યો હતો, ડી.પી.ઓ.શ્રીની સીધી દેખરેખ હેઠળ આખી કામગીરીનું સંચાલન કરવામાં આવ્યું હતું.

NDRF અને સ્થાનિક ટીમ દ્વારા પાણીમાં ડૂબતા યુવાનોને હેમખેમ બહાર કાઢી, ૧૦૮ની મદદથી પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડવા સુધીની તમામ પ્રક્રિયાઓ આબેહૂબ રીતે પૂર્ણ કરવામાં આવી હતી. આ સફળ મોકડ્રીલના કારણે ભવિષ્યમાં આવનારી કોઈપણ કુદરતી કે માનવસર્જિત આપત્તિ સમયે તંત્ર ખૂબ જ ટૂંકા સમયમાં અને અસરકારક રીતે કામગીરી કરી શકશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Related Posts