પવિત્ર રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે સાવરકુંડલા સ્થિત શ્રી કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિર સંચાલિત ‘એમ. એલ. શેઠ સ્કૂલ’ની દીકરીઓ અને બહેનો દ્વારા રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીને પવિત્ર રક્ષા સૂત્ર (રાખડી), સુંદર કાવ્ય પંક્તિઓ તેમજ સ્નેહભર્યો કૃતજ્ઞતા પત્ર પાઠવવામાં આવ્યો હતો. આ લાગણીસભર ભેટનો નાયબ મુખ્યમંત્રીશ્રીએ હૃદયપૂર્વક સ્વિકાર કરી શાળા પરિવાર અને દીકરીઓનો આભાર વ્યક્ત કર્યો છે.
શાળા પરિવાર જોગ મોકલેલા પોતાના સંદેશામાં નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “દીકરીઓ દ્વારા દર્શાવવામાં આવેલો અપ્રતિમ સ્નેહ, વિશ્વાસ અને મોકલેલું રક્ષાસૂત્ર મારા માટે અત્યંત અમૂલ્ય છે. ગુજરાતની નારીશક્તિની સુરક્ષા, સન્માન અને નિર્ભયતા એ માત્ર મારી સરકારી જવાબદારી નથી, પરંતુ એક મોટા ભાઈ તરીકેનું મારું પરમ કર્તવ્ય છે. રાજ્યની દીકરીઓ અને બહેનો રાત્રે પણ સુરક્ષિત અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં મુક્તપણે આગળ વધી શકે તે માટે રાજ્ય સરકાર સદા કટિબદ્ધ છે.”
આ ઉપરાંત, દીકરીઓએ તેમના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે કરેલી મંગલ પ્રાર્થના બદલ ઋણ સ્વીકારતા તેમણે ઉમેર્યું હતું કે, જગતજનની મા અંબા સાવરકુંડલાની તમામ દીકરીઓને ઉત્તમ શિક્ષણ, સુદ્રઢ સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્ય અર્પે તેવી અભ્યર્થના છે.
અંતમાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ સાવરકુંડલા એમ. એલ. શેઠ સ્કૂલના શાળા પરિવાર, ટ્રસ્ટીશ્રીઓ, પ્રિન્સિપાલશ્રીઓ તથા વહાલી બહેનો અને દીકરીઓને રક્ષાબંધનના પવિત્ર પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.


















Recent Comments