અમરેલી રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણીના ભાગરૂપે તા. ૨૭/૦૮/૨૦૨૬ના રોજ દેશવ્યાપી “ખેલો ઈન્ડિયા સંવાદ – ખેલ કી બાત, પ્રધાનમંત્રી મોદી કે સાથ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય પહેલ અંતર્ગત દેશભરની ૧,૫૦૦થી વધુ શૈક્ષણિક સંસ્થાઓમાં યુવાનો, ખેલાડીઓ અને શિક્ષણજગતને જોડવામાં આવ્યા હતા.
આ અંતર્ગત શ્રી અમરેલી જિલ્લા વિદ્યાસભા તથા શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ, અમરેલી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો લાઈવ સંવાદ વિદ્યાર્થીઓ તથા ઉપસ્થિત મહાનુભાવોએ નિહાળ્યો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત સૌને “નશામુક્ત ભારત”ના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા યુથ ઓફિસર શ્રી રાકેશજી તથા નેહરુ યુવા કેન્દ્ર, અમરેલીના અધિકારી શ્રી પ્રવીણભાઈ જેઠવાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
કાર્યક્રમનું સંચાલન એન.સી.સી. કેડેટ શ્રી રાહુલ ગુજરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત DLSSના નેશનલ શૂટિંગ ચેમ્પિયન ગુંજલ એ. તાવીયા તથા નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયન માર્ગી એ. નકુમ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી હતી. તેમજ રાજસ્થાનથી પધારેલા પેરા-સ્વિમિંગ ચેમ્પિયન શ્રી સંજયભાઈ સાંખળાની વિશેષ ઉપસ્થિતિએ કાર્યક્રમને ગૌરવપૂર્ણ બનાવ્યો હતો.
દેશના યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ, રમતવીરોને પ્રોત્સાહન તથા યુવા સશક્તિકરણના ઉદ્દેશ સાથે યોજાયેલા આ સંવાદથી વિદ્યાર્થીઓમાં રમતગમત ક્ષેત્રે આગળ વધવાની પ્રેરણા મળી હતી.
કાર્યક્રમનું આયોજન તથા સંચાલન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. એ. બી. ગોરવાડીયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. એ. જી. પટેલ, સિનિયર પ્રોફેસર શ્રી જે. એમ. તળાવીયા, પ્રો. વાય. એચ. ઠાકર, પ્રો. વાય. કે. કયાડા તથા ડો. જે. ડી. સાવલિયા સહિતના અધ્યાપકોએ જહેમત ઉઠાવી હતી.
સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ અને પ્રેરણાદાયી વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. “ખેલો ઈન્ડિયા સંવાદ” દ્વારા વિદ્યાર્થીઓને દેશના રમતગમત ક્ષેત્રની તકો, રમતવીરોની સિદ્ધિઓ અને યુવા શક્તિના મહત્વ અંગે પ્રેરણાદાયી અનુભવ પ્રાપ્ત થયો હતો.
આ કાર્યક્રમના સફળ આયોજન બદલ અમરેલી જિલ્લા વિદ્યાસભાના પ્રમુખશ્રી અને સર્વોત્તમ શિક્ષણના સ્વપ્ન દ્રષ્ટા શ્રી વસંતભાઈ ગજેરા, મંત્રીશ્રી મનસુખભાઈ ધાનાણી, શ્રી ચતુરભાઈ ખુંટ, અમરેલી જિલ્લા વિદ્યાસભાના ડાયરેક્ટર શ્રી અતુલભાઇ પટેલ અને કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ભારતીબેન ફીણવીયાએ શુભેચ્છાઓ પાઠવી હતી.

















Recent Comments