સાવરકુંડલા ના બાયપાસ માર્ગ પર ધારાસભ્ય મહેશ કસવાલાના સતત પ્રયત્નો અને માર્ગદર્શનથી વિકસિત થયેલું આ સરોવર 6 કરોડના ખર્ચે પંપા સરોવરનો વિકાસ સાવરકુંડલામાં બનશે આકર્ષણનું નવું કેન્દ્ર આજે સાવરકુંડલાની નવી ઓળખ બની રહ્યું છે. સવાર-સાંજ કુદરતી વાતાવરણનો આનંદ માણવા આવતા નાગરિકો, પરિવારો અને યુવાનો માટે આ સ્થળ એક સુંદર વિરામસ્થળ બન્યું છે. સાવરકુંડલાથી આગળ વધીને આ સરોવરની સુંદરતા અને વિકાસ કાર્યની ચર્ચા હવે અમરેલી જિલ્લા બહાર પણ થવા લાગી છે. લોકોમાં આ સરોવર પ્રત્યેનો ઉત્સાહ અને આકર્ષણ તેને “ટોક ઓફ ધ ટાઉન” બનાવી રહ્યું છે.
આ સરોવરની વધતી લોકપ્રિયતા અને મુલાકાતીઓના ઉત્સાહને ધ્યાનમાં રાખીને હવે તેના બીજા તબક્કાના વિકાસની કામગીરી હાથ ધરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
બીજા તબક્કામાં ખાસ કરીને નાના બાળકો માટે આકર્ષક ચિલ્ડ્રન પાર્ક, પરિવારો માટે વધુ સુવિધાઓ, હરિયાળી અને વૃક્ષારોપણ, સૌંદર્યવર્ધક કામગીરી તેમજ મનોરંજનની નવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવશે.
આ વિકાસ પૂર્ણ થયા બાદ પંપા સરોવર માત્ર ફરવા માટેનું સ્થળ નહીં રહે, પરંતુ પરિવાર સાથે આનંદ માણવા, બાળકોને કુદરત અને ભારતીય સંસ્કૃતિ સાથે જોડવા તેમજ નવી પેઢીમાં સારા સંસ્કારોનું સિંચન કરવા માટેનું એક જીવંત અને આકર્ષક કેન્દ્ર બની રહેશે.
આ સરોવર રામાયણના પાવન પ્રસંગ સાથે જોડાશે સરોવરની નવી ઓળખ – ભારતીય સંસ્કૃતિમાં જળનું સ્થાન માત્ર જીવનદાતા તરીકે જ નહીં, પરંતુ શ્રદ્ધા, આસ્થા અને આધ્યાત્મિકતાના પ્રતીક તરીકે પણ રહ્યું છે. આ જ ભાવનાને કેન્દ્રમાં રાખીને સાવરકુંડલાના આ સરોવરને રામાયણના પવિત્ર પ્રસંગ સાથે જોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રામાયણના પ્રસંગ અનુસાર વનવાસ દરમિયાન ભગવાન શ્રીરામ અને લક્ષ્મણજી સીતાજીની શોધમાં આગળ વધતાં માતા શબરીના આશ્રમ પહોંચ્યા હતા. માતા શબરીએ અતૂટ શ્રદ્ધા, નિર્મળ પ્રેમ અને ભક્તિભાવથી ભગવાન શ્રીરામનું સ્વાગત કર્યું હતું.
ભગવાન અને ભક્તના આ પવિત્ર મિલનની ગાથા ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી શ્રદ્ધા, ભક્તિ અને પ્રેરણાનો સ્ત્રોત રહી છે. માતા શબરીની નિષ્કપટ ભક્તિ અને ભગવાન શ્રીરામ પ્રત્યેના તેમના સમર્પણનો સંદેશ આજે પણ સમાજ માટે પ્રેરણારૂપ છે.
આ પવિત્ર ભાવનાને સાવરકુંડલાની ધરતી પર જીવંત રાખવાના ઉદ્દેશ્યથી અમૃત સરોવરનું નામ હવે “પંપા સરોવર” રાખવામાં આવશે.
સરોવરના મધ્યમાં ભગવાન શ્રીરામ, લક્ષ્મણજી અને માતા શબરીની ભવ્ય પ્રતિકૃતિ પંપા સરોવરના મધ્યમાં ભગવાન શ્રીરામ, લક્ષ્મણજી અને માતા શબરીના દિવ્ય મિલનની ભવ્ય પ્રતિકૃતિ સ્થાપિત કરવામાં આવશે. આ પ્રતિકૃતિ માત્ર એક શિલ્પ કે સૌંદર્યવર્ધક રચના નહીં, પરંતુ ભક્તિ, પ્રેમ, સમર્પણ, શ્રદ્ધા અને ભારતીય સંસ્કૃતિના અમર સંદેશનું પ્રતીક બનશે. માતા શબરીની અતૂટ શ્રદ્ધા અને ભગવાન શ્રીરામ પ્રત્યેના નિષ્કપટ સમર્પણની ગાથા અહીં આવતા બાળકો, યુવાનો અને પરિવારો માટે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનો જીવંત સંદેશ આપશે. સરોવરના મધ્યમાં સ્થાપિત થનારી આ ભવ્ય પ્રતિકૃતિ સમગ્ર સ્થળને એક આગવી આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઓળખ આપશે તેમજ સાવરકુંડલામાં આવતા પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.
સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને પ્રવાસનનો સંગમ બનશે પંપા સરોવર પંપા સરોવરને ભવિષ્યમાં માત્ર પ્રવાસન સ્થળ તરીકે નહીં, પરંતુ કુદરત, સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને જનભાગીદારીના સંગમસ્થળ તરીકે વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આધુનિક સુવિધાઓ સાથેના વિકાસ અને રામાયણના પવિત્ર પ્રસંગ સાથે જોડાયેલી ભારતીય સંસ્કૃતિનો સમન્વય સાવરકુંડલાને પ્રવાસન ક્ષેત્રે નવી ઓળખ અપાવશે.
સરોવરના બીજા તબક્કાના વિકાસ બાદ અહીં બાળકો, યુવાનો અને પરિવારો માટે વિવિધ આકર્ષણો ઊભા થશે. જેના કારણે સ્થાનિક લોકો ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પણ લોકો અહીં મુલાકાતે આવે તેવી સંભાવના છે.
ધારાસભ્ય શ્રી મહેશ કસવાલાએ જણાવ્યું હતું કે “વિકાસ એ માત્ર રસ્તા અને ઇમારતોનું નિર્માણ નથી, પરંતુ પોતાની સંસ્કૃતિ, વારસા અને લોકોની ભાવનાઓને સાથે લઈને આગળ વધવાનું નામ છે. સાવરકુંડલાના અમૃત સરોવરને ‘પંપા સરોવર’ નામ આપી તેને રામાયણના પાવન પ્રસંગ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પંપા સરોવર સાવરકુંડલાના લોકોની લાગણી, ભક્તિ અને વિકાસના સંકલ્પનું પ્રતીક બનશે.”તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બીજા તબક્કાના વિકાસમાં બાળકો અને પરિવારો માટે વધુ આકર્ષણો તથા સુવિધાઓ ઊભી કરવામાં આવશે, જેથી આગામી સમયમાં પંપા સરોવર સાવરકુંડલાના મહત્વપૂર્ણ પ્રવાસન અને સાંસ્કૃતિક સ્થળ તરીકે ઉભરી શકે.
સાવરકુંડલાના વિકાસની સાથે સ્થાનિક સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાને પ્રોત્સાહન આપવાની દિશામાં પંપા સરોવર એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
“પંપા સરોવર” — જ્યાં જળમાં વિકાસની ઝલક, વાતાવરણમાં ભક્તિની સુગંધ અને હૃદયમાં રામાયણની અમર ગાથા જીવંત રહેશે. આ સરોવર સાવરકુંડલા શહેર તેમજ તાલુકાના લોકોને ફરવા માટે મહત્વનું સ્થળ બની ગયું છે સાવરકુંડલા શહેરને વધુ સુંદર અને સુવિધાસભર બનાવવાના પ્રયાસોના ભાગરૂપે પંપા સરોવર આગામી સમયમાં નગરજનોને ભેટ મળશે.


















Recent Comments