સ્થાનિક નગરપાલિકા તંત્ર દ્વારા પ્રજા પાસેથી નિયમિત સફાઈ વેરો વસૂલવામાં આવતો હોવા છતાં, શહેરના મોટાભાગના વિસ્તારોમાં ગંદકી યથાવત રહેતી હોવાનો ગંભીર મુદ્દો પાલિકા સદસ્ય શ્રી ધર્મેન્દ્ર મહેતાએ ઉઠાવ્યો છે. તંત્રની ઢીલી નીતિ અને અણઘડ વહીવટ સામે સવાલો ઉઠાવતા સમગ્ર શહેરમાં આ બાબત ચર્ચાનો વિષય બની છે.
વેરો લેવાય છે તો સુવિધા કેમ નહીં?
સાવરકુંડલાના જાગૃત નાગરિકો નિયમિતપણે પોતાના કરવેરા ભરે છે, તેમ છતાં શહેરીજનોને ગંદકીના સામ્રાજ્ય વચ્ચે જીવવા મજબૂર થવું પડે છે. પાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, “જો પાલિકા તંત્ર નિયમિત સફાઈ કરાવવામાં નિષ્ફળ નીવડતું હોય, તો જનતા પાસેથી સફાઈ વેરો લેવાનો કોઈ અધિકાર નથી. કાં તો તંત્ર સફાઈ સુનિશ્ચિત કરે, કાં તો આ સફાઈ વેરો તાત્કાલિક ધોરણે માફ કરવામાં આવે.”
શહેરમાં સફાઈની કથળેલી સ્થિતિ પાછળ વહીવટી ગેરરીતિ જવાબદાર હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. મહેતાએ ખુલ્લું પડકાર ફેંકતા જણાવ્યું છે કે, પાલિકાની જુદી જુદી શાખાઓમાં અને મસ્ટર રોલ પર અનેક ખોટા નામો ચાલી રહ્યા છે. એક તરફ તંત્ર પારદર્શક વહીવટના મોટા-મોટા દાવા કરે છે, તો બીજી તરફ વાસ્તવિકતા કંઈક જુદી જ છે. જો સફાઈ કામદારોની ઘટ હોય, તો નવી ભરતી કેમ કરવામાં આવતી નથી? ખોટા નામો પાછળ વહીવટી તંત્ર કોને છાવરી રહ્યું છે, તેની વિગતો પ્રજા સમક્ષ જાહેર થવી જોઈએ.
હાલની પરિસ્થિતિની પોલ ખોલતા સદસ્યે ઉમેર્યું કે, ચોક્કસ ફાળવેલા વિસ્તારોને બાદ કરતાં બાકીના આખા શહેરમાં મહિનામાં માત્ર એક કે બે વાર જ માંડ ૪ થી ૫ માણસો મોકલીને સફાઈ કરાવી લેવાય છે. આ પ્રકારે માત્ર કાગળ પર કે ટૂંકી હાજરી બતાવીને પાલિકા સંતોષ માની રહી છે, જેના કારણે રોગચાળો ફેલાવવાનો ભય પણ વધી રહ્યો છે.
’સ્વચ્છ સાવરકુંડલા, વિકસિત સાવરકુંડલા’ માત્ર કાગળ પર?
પાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતાએ તંત્ર સમક્ષ ન્યાયિક અને કડક માંગણીઓ કરતા જણાવ્યું છે કે:
સફાઈ કામદારોની ઘટ તાત્કાલિક નવી ભરતી કરીને પુરી કરવામાં આવે.
જુદી જુદી શાખાઓમાં ચાલતા ખોટા નામોની તટસ્થ તપાસ કરી સત્ય પ્રજા સામે લાવવામાં આવે.
વસૂલાતા વેરા સામે પ્રજાને રોજબરોજની નિયમિત સફાઈની સુવિધા મળવી જ જોઈએ.
અંતમાં તેમણે સવાલ કર્યો હતો કે, જો તંત્ર આટલી પાયાની સુવિધા પણ ન આપી શકતું હોય, તો સરકારના “સ્વચ્છ સાવરકુંડલા, વિકસિત સાવરકુંડલા” ના નારાઓ કેવી રીતે સાકાર થશે? નગરપાલિકાના શાસકો આ બાબતે વહેલી તકે જાગે અને નક્કર પગલાં ભરે તેવી લોક માંગ ઉઠી છે.

















Recent Comments