વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જનકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે.
આ કડીના ભાગરૂપે આજરોજ વિકસિત ભારતના સંકલ્પ સાથે જનકલ્યાણના ૧૨ વર્ષની ઉજવણી હાથ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા અમરેલી આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક કૃષિ કોલેજ-અમરેલી ખાતે ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન’ જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દક્ષાબેન ચોડવડીયા, સાવરકુંડલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, ધારી-બગસરા ધારાસભ્યશ્રી જે.વી.કાકડીયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં અમરેલીના પ્રગતિશીલ ખેડૂતોના વિવિધ સ્ટોલ નિદર્શન યોજાયું હતું. મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈને પ્રાકૃતિક કૃષિ, તેના વિવિધ આયામો, ખેત પદ્ધતિ સહિતની બાબતોનું માર્ગદર્શન અને માહિતી પ્રાપ્ત કરી હતી.
પ્રગતિશીલ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ વિષયક પોતાના અનુભવો જણાવ્યા હતા. પ્રાકૃતિક કૃષિએ પ્રકૃતિના નિયમોને આધારે કરવામાં આવતી પરંપરાગત અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ છે, જેમાં કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતરો કે ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. આજે રાસાયણિક ખેતીના કારણે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે અને કેન્સર જેવા જીવલેણ રોગોનું પ્રમાણ સમાજમાં ચિંતાજનક રીતે વધી રહ્યું છે, ત્યારે પ્રાકૃતિક કૃષિ એક સંજીવની સમાન સાબિત થઈ રહી છે.
રાજ્ય સરકારના ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિ અને મૂલ્યવર્ધન થકી ખેડૂતોની સમૃદ્ધિ વધશે, કેન્સર જેવા જીવલેણ રોગો સામે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર હથિયાર છે. તેમણે ઉમેર્યું કે, રાસાયણિક ખાતરોનો ઉપયોગ આપણી જમીન અને માનવીય આરોગ્ય પરનો ખતરો સતત વધારી રહ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી તેના થકી નાના ખેડૂતોને ફાયદો થયો છે. ખેડૂતોની સમૃદ્ધિ વધે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જનકલ્યાણકારી અભિગમ થકી છેવાડાના નાગરિકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. લોકોની સુખાકારીના અભિગમ સાથે કાર્યરત કેન્દ્ર અને રાજ્ય સરકાર અનેકવિધ જનકલ્યાણલક્ષી પ્રકલ્પો અને યોજનાઓ અમલી બનાવે છે. જેનો સીધો જ લાભ છેવાડાના લાભાર્થી સુધી પહોંચી રહ્યો છે.
આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા પંચાયત હોદ્દેદારો, ડૉ. સી. કે. ટીંબડીયા, કુલપતિશ્રી ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, સ્થાનિક હોદ્દેદારો અને અગ્રણીશ્રીઓ, જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જાડેજા, પ્રાંત અધિકારીશ્રી નાકીયા, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ડો. ઝીડ, પ્રાકૃતિક કોલેજ અમરેલી આચાર્ય સહિત બહોળી સંખ્યામાં ખેડૂતો, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

















Recent Comments