અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામે ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા ગાગડિયો નદી પર નિર્મિત બે તળાવનો લોકાર્પણ સમારોહ અને કથા મહોત્સવ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, કાયદો અને ન્યાય, સંસદીય અને વૈધાનિક બાબતોના રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા સમારોહમાં રાજ્યપાલશ્રીએ તાલુકામાં ગાગડિયો નદી પર થયેલા જળસંચયના કાર્યને બિરદાવ્યું હતું. તેમણે ગાગડિયો નદી પર રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ૫૪ કિલોમીટર લાંબી નદીને ઊંડી અને પહોળી કરવાનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે, જે અન્ય જિલ્લાઓ માટે પ્રેરણારૂપ છે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે પ્રેરક ઉદ્ધોધન કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વર્ષ ૨૦૦૦ પહેલા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ખૂબ ગંભીર હતી. ટ્રેન મારફત પીવાનું પાણી પહોંચાડવામાં આવતું હતું. ઘરની મહિલાઓને પીવાના પાણી માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે જનતાની પીવાના પાણીની સમસ્યાને દૂર કરવા માટે શ્રી નરેન્દ્રભાઈ મોદીના તત્કાલીન મુખ્યમંત્રી તરીકેના શાસનકાળમાં અસરકારક પગલાંઓ લેવામાં આવ્યા હતા. તેમના દૂરંદેશી ભર્યા નિર્ણયોને કારણે આજે સૌરાષ્ટ્ર માટે પીવાના પાણીની સમસ્યા ભૂતકાળ બની છે. લાઠીના દુધાળાની આ ધરતી પરથી પસાર થતી ગાગડિયો નદી સુકાયેલી અને નિર્જીવ હતી. આ નદીને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાએ નવપલ્લિત કરવાનું સત્કાર્ય કર્યું છે.
રાજ્યમાં પ્રાકૃતિક કૃષિની આહલેક જગાડનાર રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ખેતીમાં યુરિયા અને ડી.એ.પી સહિત જંતુનાશક દવાઓના અતિરેકથી લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું છે ત્યારે પ્રકૃતિનું સંવર્ધન અને જતન કરીને કુદરતી સંપતિના સદુપયોગ સાથે દીર્ઘાયુ જીવન જીવવાનો સંદેશો આપ્યો હતો. આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી તરીકે જવાબદારી પ્રાપ્ત કરવા બદલ અમરેલી-વડિયા-કુંકાવાવના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
રાજ્યપાલશ્રીએ ધાર્મિક સમારોહમાં ઉપસ્થિત અમરેલી જિલ્લાના નાગરિકોને દિવાળી અને નૂતન વર્ષની શુભકામના પાઠવી હતી. આ કાર્યક્રમમાં સાંસદશ્રી ભરતભાઈ સુતરિયા, લાઠી-બાબરા વિસ્તારના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા, ધોળકિયા ફાઉન્ડેશનના સંથાપક શ્રી સવજીભાઈ ધોળકિયા અને તેમના પરિવારજનો, અમરેલી જિલ્લાના નાગરિકો ઉપસ્થિતિ રહ્યા હતા.


















Recent Comments