અમરેલી

જનતાની વેદનાને વાચા આપવી એ ‘શોખ’ નથી, પણ લોકશાહીમાં જાગૃત નાગરિકો અને વિપક્ષની ‘ફરજ’ છે: પાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતા

​ધારાસભ્ય દ્વારા પ્રજાના પ્રશ્નો ઉઠાવવાની બાબતને “શોખ” ગણાવી જનતાની મજાક ઉડાવાતા ભારે રોષ. તંત્ર અને શાસકોની નિષ્ક્રિયતાને કારણે જ જનતાએ અને વિપક્ષને મીડિયાનો સહારો લેવો પડે છે: પાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતા

———————————————————-

સરકારનું વહીવટી તંત્ર અને જનપ્રતિનિધિઓ પ્રજાના પ્રાણપ્રશ્નો પ્રત્યે તદ્દન નિષ્ક્રિય અને ગંભીરતાવિહોણા હોવાનો સણસણતો આક્ષેપ સાવરકુંડલા પાલિકા સદસ્ય શ્રી ધર્મેન્દ્ર મહેતાએ કર્યો છે. ધારાસભ્યશ્રી દ્વારા તાજેતરમાં કરાયેલા નિવેદનનો જડબાતોડ જવાબ આપતાં  ધર્મેન્દ્ર મહેતાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, “અમે પ્રેસનોટના નહીં, પણ પ્રગતિના શોખીન છીએ. અને પ્રગતિ ત્યારે જ આવે જ્યારે નેતાઓ ભાષણો આપવાનું બંધ કરીને જમીની સ્તરે કામ કરે!”

પાલિકા ​સદસ્ય ધર્મેન્દ્ર મહેતાએ તંત્રની પોલ ખોલતા ઉમેર્યું કે, કોઈપણ પ્રશ્ન માટે પહેલા અધિકારીઓ અને પદાધિકારીઓને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ કમનસીબે તેમને જનતાની સમસ્યાઓ ઉકેલવામાં કોઈ જ રસ નથી. ધારાસભ્યશ્રીના નિવેદન આડે હાથ લેતા તેમણે સવાલ કર્યો કે, *ધારાસભ્યશ્રી એવું કેમ નથી કહેતા કે અધિકારીઓ કે પદાધિકારીઓ સમયસર કામ નથી કરતા, એટલે જ લોકપ્રશ્નોને વાચા આપવા પ્રેસનોટ આપવી પડે છે?*

​ધર્મેન્દ્ર મહેતાએ જનતા વતી તંત્ર અને પદાધિકારીઓ સામે મુખ્ય બે ગંભીર મુદ્દાઓ ઉઠાવ્યા છે:

​૧. હાથસણી રોડની બિસ્માર હાલત: “આશ્વાસન નહીં, રોડ બનાવો”

​હાથસણી રોડ પર પડેલા કમરતોડ ખાડાઓ બાબતે અગાઉ અધિકારીઓ, પદાધિકારીઓ અને ધારાસભ્યશ્રીને અનેકવાર લેખિત-મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, જેના તમામ પુરાવાઓ મોજૂદ છે. આ સમસ્યા કેટલા વર્ષોથી પેન્ડિંગ છે તે જવાબદારો પોતાના આત્માને પૂછે. અહીં માત્ર પોકળ આશ્વાસનો જ મળે છે, વાસ્તવિક રોડ બનતો જ નથી.

​૨. ગટરની ગંભીર સમસ્યા અને તંત્રની લાપરવાહી

​શહેરના વિવિધ વિસ્તારોમાં ગટરની કુંડીઓ ઉભરાઈ રહી છે અને ગંદુ પાણી લોકોના ઘરોમાં ભરાઈ રહ્યું છે. નગરપાલિકામાં ફરિયાદ નોંધાવવા છતાં ૮ થી ૧૦ દિવસ સુધી જે.ટી.મશીન (ગટર સફાઈનું વાહન) ડોકાતું નથી. પરિણામે પ્રજા અત્યંત ગંદકી અને જીવલેણ બીમારીઓના ભય નીચે જીવવા મજબૂર બની છે.વધુમાં પાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતાએ જણાવ્યું છે કે ધારાસભ્યશ્રી અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓને કડક આદેશ કરો જેથી લોકોના કામ બીજા જ દિવસે થાય. ગટરની ફરિયાદોનો ૨૪ કલાકમાં નિકાલ લાવો અને બિસ્માર રોડ તાકીદે રિપેર કરો. જો તંત્ર પ્રજાના પ્રશ્નો પ્રાથમિકતાના ધોરણે ઉકેલશે, તો કોઈને પણ પ્રેસનોટ આપવાની જરૂર જ નહીં પડે; પ્રેસનોટ આપોઆપ બંધ થઈ જશે.

આપને જણાવી દઈએ કે પાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતા સાવરકુંડલા નગરપાલિકામાં છેલ્લા ચાર ટર્મથી નગરપાલિકા સદસ્ય તરીકે ચૂંટાય આવે છે પછી તે શાસક પક્ષ હોય કે વિરોધ પક્ષની ભૂમિકામાં. આજ તેની લોકપ્રિયતાની પારાશીશી પણ ગણાય.

Related Posts