માનવતાની મહેક પ્રસરાવતી આ સંસ્થા દ્વારા દર મહિને નિયમિતપણે ૧૫ જરૂરિયાતમંદ પરિવારોને અપાય છે અનાજની કીટ
————————————
જામનગર શહેરમાં પોતાની અનોખી સેવાકીય પ્રવૃત્તિઓ થકી લોકપ્રિય બનેલી અને સેવાની સુવાસ ફેલાવતી અગ્રણી સંસ્થા ‘હાશ ફાઉન્ડેશન’ દ્વારા વધુ એક વખત માનવતાવાદી કાર્ય કરીને સમાજ સમક્ષ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. પવિત્ર અમાસના શુભ અવસરે સંસ્થા દ્વારા નિરાધાર ગંગાસ્વરૂપ (વિધવા) બહેનો તેમજ માનસિક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ વ્યક્તિઓને રાશન કીટનું પ્રેમપૂર્વક વિતરણ કરવામાં આવ્યું હતું.
હાશ ફાઉન્ડેશન વર્ષોથી જામનગર અને આસપાસના વિસ્તારોમાં પીડિતો, વંચિતો અને જરૂરિયાતમંદો માટે કાર્યરત છે. સંસ્થાના હોદ્દેદારો અને સેવાભાવી સભ્યોના સહયોગથી દર મહિને નિયમિતપણે આવી ૧૫ (પંદર) રાશન કીટોનું વિતરણ કરવામાં આવે છે, જેથી કોઈ ગરીબ કે અસહાય પરિવારને ભૂખ્યા ન સૂવું પડે. આ અનાજ કીટમાં જીવનજરૂરી તમામ ખાદ્યસામગ્રીઓનો સમાવેશ કરવામાં આવે છે.
”સેવા એ જ સાચો ધર્મ” ના સૂત્રને સાર્થક કરતી હાશ ફાઉન્ડેશનની આ ભગીરથ પ્રવૃત્તિને જામનગરના પ્રબુદ્ધ નાગરિકો અને અગ્રણીઓ દ્વારા બિરદાવવામાં આવી રહી છે. કપરા સમયમાં વિધવા બહેનો અને દિવ્યાંગોની વહારે આવીને સંસ્થાએ તેમના ચહેરા પર સ્મિત લાવી ખરા અર્થમાં ‘હાશ’નો અહેસાસ કરાવ્યો છે.
અમાસના પવિત્ર દિવસે આયોજિત આ વિતરણ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના તમામ કાર્યકરો અને દાતાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. આગામી સમયમાં પણ આવી લોકઉપયોગી સેવાકીય પ્રવૃત્તિઓ અવિરતપણે ચાલુ રહેશે તેવો સંકલ્પ સંસ્થા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે
















Recent Comments