અમરેલી

અમરેલી જિલ્લાના દુધાળા નજીક ગાગડિયો નદી પર નિર્મિત “ગુજરાત ગૌરવ સરોવર”નું કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે લોકાર્પણ

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામ નજીક ગાગડિયો નદી પર ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા નિર્મિત ‘ગુજરાત ગૌરવ સરોવર’નું આજરોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે લોકાર્પણ કરી તક્તી અનાવરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉદ્દબોધન કરતાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, અમરેલી પંથકમાં ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા જળસંચય ક્ષેત્રે અદ્દભુત કામગીરી કરવામાં આવી છે. સંસ્થાપક શ્રી સવજીભાઈએ નદીઓને પુનઃજીવિત અને તળાવો ઊંડા કરવા માટે લીધેલા ભગીરથ સંકલ્પ હેઠળ આજે “ગુજરાત ગૌરવ સરોવર”નું લોકાર્પણ કરીને માત્ર મારું મન આનંદિત નથી થયું પરંતુ આત્માને અદ્દભુત શાંતિ મળે તેવું પુણ્યનું કામ કર્યું છે. સવજીભાઈએ પરિવારને સાથે લઈને જળ સંરક્ષણ ક્ષેત્રે કરેલી નોંધપાત્ર કામગીરીને કારણે આ પંથકના લોકોનું જીવન પાણીદાર બન્યું છે.

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ વરસાદી પાણીને યોગ્ય વ્યવસ્થા સાથે સંરક્ષિત કરવા માટે નાગરિકોને પ્રેરણા પૂરી પાડતાં જણાવ્યું હતું કે, ભવિષ્યના આયોજન સાથે વરસાદના ટીપે ટીપાંને જમીનમાં ઉતારવામાં આવે ત્યારે ઊંડા કરેલા તળાવનું મહત્વ ખૂબ વધી જાય અને દુષ્કાળની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. તેમણે ઉમેર્યું હતું કે, મને યાદ છે કે, ગુજરાતમાં વર્ષ ૧૯૮૫ થી ૧૯૮૭ સળંગ ત્રણ વર્ષ ભારે દુષ્કાળ પડ્યો હતો. જમીનના તળ સાવ સુકાઈ ગયાની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ જ્યારે વર્ષ ૨૦૦૧માં શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે આખું સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પાણીથી તરબોળ થઈ ગયું અને દુષ્કાળ હવે ભુતકાળ બન્યો.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીના કારણે ગુજરાતમાં વર્ષ ૨૦૦૩માં એક જ વર્ષમાં દોઢ લાખ ચેકડેમોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વર્ષ ૧૯૬૪માં “નર્મદા યોજના”નું ભૂમિ પૂજન થયું હતું, જેના દરવાજા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના હસ્તે ખોલવામાં આવ્યા હતા. “સૌની યોજના” થકી વરસાદના વધારાના પાણીનો સંગ્રહ કરીને આજે સમગ્ર સૌરાષ્ટ્ર – કચ્છ અને ખાવડા સુધી નર્મદાનું પાણી પહોંચ્યું છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના દસ હજાર સરોવર નર્મદાથી ભરવામાં આવ્યા છે. આજદિન સુધી એકપણ સરકારે જળશક્તિ મંત્રાલયની રચના નથી કરી પરંતુ આપણા વડાપ્રધાનશ્રીએ જળશક્તિ મંત્રાલયની સ્થાપના કરીને દેશભરમાં જનભાગીદારીથી તળાવો ઊંડા કરાવી સિંચાઈની ક્ષમતા ૧૬૦ ટકા વધારીને જનકલ્યાણ હેતુ નકકર કામ કર્યું છે.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, સર્વપ્રથમ હું ધોળકિયા ફાઉન્ડેશનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ વિસ્તારની વર્ષો જૂની નદીઓ, જે સમય જતાં સુકાઈ ગઈ હતી અને માટીનું રણ બની ગઈ હતી, તેમને પુનર્જીવિત કરવાનું ભગીરથ કાર્ય સવજીભાઈ, તેમના પરિવારે અને ફાઉન્ડેશને પોતાના હાથમાં લીધું છે. આ કોઈ નાનો પડકાર નહોતો. ભરબપોરે, કાળઝાળ ગરમીમાં અને સૌરાષ્ટ્રના આકરા ઉનાળામાં કલાકો સુધી જે.સી.બી મશીનો પાસે ઊભા રહીને કાર્યકર્તાઓ સાથે ખભેખભા મિલાવીને કામ કર્યું, જેના પરિણામે આજે પાંચમું સરોવર પુનર્જીવિત કરવામાં સફળતા મળી છે.

તેમણે ઉમેર્યું કે, સરોવર બની ગયા પછી જોવું સૌને ગમે, પરંતુ તે બનાવવા પાછળ માત્ર રૂપિયા ખર્ચીને નહીં કે, સરકારી વ્યવસ્થાના સહારે જ નહીં, પરંતુ પોતાનો અને પરિવારનો કિંમતી સમય આપીને આ સિદ્ધિ મેળવી છે. સમગ્ર ગુજરાતમાં ૨૦૮ જેટલા સરોવરોને આ જ રીતે પુનર્જીવિત કરવાનું જે અદ્દભૂત કાર્ય થયું છે, તે ખરેખર વંદનીય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘આપણે સૌએ ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ ને એક મજબૂત નેતા તરીકે જોયા છે. પરંતુ તેમના હૃદયમાં જળસંચય, પર્યાવરણ અને સમાજ ઉત્થાન માટે જે ભાવ છે તેનાથી કદાચ ઘણા લોકો અજાણ હશે. વૃક્ષારોપણ કરીને ધરતીને લીલીછમ બનાવવી, ગામડે ગામડે લાઈબ્રેરીઓ ઊભી કરી નાના પરિવારના બાળકો શિક્ષણમાં આગળ વધે તેવા કાર્યો કરવા – આ તમામ કાર્યોમાં તેમની ઊંડી રૂચિ રહી છે. તેઓ ગુજરાત પ્રવાસે આવે ત્યારે ગામડાઓમાં તળાવોના ખાતમુહૂર્ત, પ્લાનિંગ અને લોકાર્પણમાં જાતે સમય ફાળવે છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર લોકાર્પણ પૂરતો નહીં, પરંતુ છેવાડાના ગામડાઓ સુધી પાણી બચાવવાનો સંદેશ પહોંચાડવાનો રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના સૂચનને પગલે હેતની હવેલી પરિસર જાહેર જનતા માટે દર રવિવારે ખુલ્લું મૂકવાના નિર્ણયને શ્રી સવજીભાઈ ધોળકિયાએ આવકાર્યો હતો.

ગુજરાત ગૌરવ સરોવર લગભગ ૮૦,૦૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં અંદાજે રૂ. ૪ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યું છે. હાલ સરોવરમાં આશરે ૨૩ કરોડ લિટર પાણીનો સંગ્રહ થયો છે. ચાલુ ચોમાસા દરમિયાન સારો વરસાદ થતાં સરોવરમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક થઈ છે. ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા ગાગડિયો નદી સહિતના વિસ્તારોમાં જળસંચયને પ્રોત્સાહન આપવા અનેક સરોવરોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ગાગડિયો નદી પર જુદા જુદા સ્થળોએ રાજ્યસરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનની લોકભાગીદારીથી નદી ઊંડી કરવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે. આશરે ૪૦ જેટલા સરોવરોના નિર્માણથી આસપાસના ૧૦૦થી વધુ ગામોના લોકોને તેનો સીધો લાભ મળશે. આ જળસંચયના કામોથી ભૂગર્ભજળના સ્તરમાં વધારો થવાની સાથે ખેતી અને પીવાના પાણીની ઉપલબ્ધતામાં પણ મહત્વપૂર્ણ ફાયદો થશે.

ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર ૨૦૨૪માં દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રીશ્રીના “ભારત માતા સરોવર”નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ જળસંચય કાર્યથી અમરેલી જિલ્લામાં લાઠી અને લીલીયા તાલુકામાં ભૂગર્ભ જળ સ્તરમાં વધારો થયો છે અને ખેતી-સિંચાઈ અને પીવાના પાણીની સુવિધા લોકભોગ્ય બની છે.

આ પ્રસંગે અમરેલી જિલ્લા પ્રભારી અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, ઊર્જા રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયા, રાજ્યસભા સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, લાઠી-બાબરા વિસ્તારના ધારાસભ્ય શ્રી જનક તળાવિયા, સાવરકુંડલા લીલીયા વિસ્તાર ધારાસભ્ય શ્રી મહેશ કસવાલા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દક્ષાબેન ચોડવડિયા, ધોળકિયા પરિવારના વડીલ શ્રી ધનજીદાદા, તેમના પુત્ર શ્રી તુલસીભાઈ, શ્રી ઘનશ્યામભાઈ સહિત પરિવારના સભ્યો, જિલ્લાના અગ્રણીશ્રીઓ, આગેવાનો, બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિતમાં ભગીરથ કાર્યનો ઉત્સવ યોજાયો હતો.

Related Posts