અમરેલી

સાવરકુંડલામાં વસ્તી ગણતરી ૨૦૨૬-૨૭ અંગે ત્રિ-દિવસીય પ્રશિક્ષણ બેઠક સંપન્ન: કલેક્ટરના માર્ગદર્શન હેઠળ તંત્ર સજ્જ

​દેશના ભાવી તણો આ નકશો                        દોરવાનું કામ છે,

રાષ્ટ્રના ઉત્થાનમાં અર્પણ                    

અમારું નામ છે.

​એક પણ નાગરિક ના છૂટે                    ગણતરીમાંથી ક્યાંય,

દેશભક્તિ કાજ સાવરકુંડલા                   સજ્જ તમામ છે.

–“પાંધી સર”

સમગ્ર દેશમાં આગામી સમયમાં યોજાનારી વસ્તી ગણતરી ૨૦૨૬-૨૭ અંતર્ગત અમરેલી જિલ્લા કલેક્ટરના સૂચના અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વસ્તી ગણતરીની આ કામગીરી કોઈ પણ ક્ષતિ વિના અને સંપૂર્ણ સફળતાપૂર્વક પાર પડે તેવા હેતુથી એક અત્યંત મહત્વપૂર્ણ ત્રિ-દિવસીય પ્રશિક્ષણ બેઠકનું આયોજન સ્થાનિક કે. કે. હાઇસ્કૂલના સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતું.

​સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારના ચાર્જ અધિકારી અને ચીફ ઓફિસર સાવનકુમાર સતાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકના ત્રીજા અને અંતિમ દિવસે ગાંધીનગર વસ્તી ગણતરી કચેરીના નિયામક કિરણ કુમાર એન. પટેલ તેમજ જૂનાગઢ જિલ્લાના વસ્તી ગણતરી મોડેલ ઓફિસર અને નિયામક રાજ કિરણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉચ્ચ અધિકારીઓ દ્વારા વસ્તી ગણતરીની ટેકનિકલ બાબતો અંગે અત્યંત ઝીણવટભરી અને સચોટ સમજણ પૂરી પાડવામાં આવી હતી.

​રાષ્ટ્રીય મહત્વ ધરાવતા આ કાર્યને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા માટે માસ્ટર ટ્રેનર્સ દ્વારા ઉપસ્થિત તમામ ગણતરીકારો (Enumerators) અને સુપરવાઇઝરોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ફોર્મ ભરવાની પદ્ધતિ, આધુનિક ટેકનોલોજી અને ડિજિટલ માધ્યમોનો ઉપયોગ તેમજ નાગરિકો પાસેથી સચોટ વિગતો મેળવવા અંગે લાઈવ ડેમોન્સ્ટ્રેશન સાથે તાલીમ અપાઈ હતી.

​આ પ્રસંગે ચાર્જ અધિકારી સાવનકુમાર સતાણીએ ગણતરીકારોને પ્રેરિત કરતા જણાવ્યું હતું કે, “વસ્તી ગણતરી એ દેશના ભવિષ્યની યોજનાઓ ઘડવા માટેનો પાયો છે. આ કામગીરીમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ન દાખવતા, દરેક ગણતરીકાર દેશભક્તિની ભાવના સાથે રાષ્ટ્રના આ મહાઅભિયાનમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપે અને સાવરકુંડલા વિસ્તારમાં સો ટકા ચોકસાઈ સાથે કામગીરી પૂર્ણ થાય તે અનિવાર્ય છે.”

​આ પ્રશિક્ષણ બેઠકમાં નગરપાલિકાના કર્મચારીઓ, શિક્ષણ વિભાગના પ્રતિનિધિઓ તેમજ વસ્તી ગણતરીની કામગીરી સાથે જોડાયેલા તમામ ચાવીરૂપ સ્ટાફના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રીય ફરજને સફળ બનાવવાનો દ્રઢ સંકલ્પ લીધો હતો.

Related Posts