અમરેલી

અમરેલીમાં રેલવે પ્રશ્નોને લઈ સંસદ સભ્ય ભરતભાઈ સુતરીયાની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક

આજ રોજ અમરેલી કલેકટર કચેરી ખાતે સાંસદશ્રી ભરતભાઈ સુતરીયાની અધ્યક્ષતામાં રેલવે સંબંધિત વિવિધ પ્રશ્નોને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રેલવે વિભાગના અધિકારીઓ સાથે અમરેલી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં રેલવે વ્યવસ્થા, અન્ડરપાસ સુવિધાઓ અને જનસુરક્ષા સંબંધિત મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન ખાસ કરીને અમરેલી શહેરના કેરીયા રોડ, લીલીયા રોડ અને હનુમાનપરા વિસ્તારોમાં આવેલા અન્ડરપાસમાં સ્થાનિક લોકોને પડી રહેલી અવરજવરની મુશ્કેલીઓ અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત શેડુભાર અન્ડરપાસ તથા ખીજડીયા-રાદડીયા અન્ડરપાસના કામોમાં ઉભી થયેલી સમસ્યાઓ અને વિકાસકાર્યોની હાલની સ્થિતિ અંગે અધિકારીઓ સમક્ષ વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી.
વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી જરૂરી સ્થળોએ સ્પીડ બ્રેકર યોગ્ય બનાવવાની જરૂરિયાત તેમજ ટ્રાફિક સુરક્ષા સંબંધિત અન્ય મુદ્દાઓ પર પણ બેઠકમાં વિચારણા કરવામાં આવી હતી. રેલવે વિભાગના અધિકારીઓને વિવિધ પ્રશ્નોના ઝડપી અને યોગ્ય નિરાકરણ માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
સાંસદશ્રી ભરતભાઈ સુતરીયાએ રેલવે સંબંધિત પ્રશ્નોના સમયબદ્ધ ઉકેલ માટે સંકલન સાથે કામગીરી કરવા ભાર મૂક્યો હતો. સાથે જ પ્રજાને વધુ સુવિધાસભર અને સુરક્ષિત વ્યવસ્થા ઉપલબ્ધ થાય તે માટે વિકાસલક્ષી કામોમાં ગતિ લાવવા અનુરોધ કર્યો હતો.
બેઠકમાં હાજર અધિકારીઓએ રજૂ થયેલ પ્રશ્નોને પ્રાથમિકતા આધારે તપાસી જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. જનસુવિધા વધે અને રેલવે સંબંધિત સમસ્યાઓનો સ્થાયી ઉકેલ આવે તે માટે સંકલિત પ્રયાસોની જરૂરિયાત પર પણ ભાર મુકાયો હતો.

Related Posts