અમરેલી

ખુલ્લી તલવારની ધાર પર પત્રકારત્વ: સત્તા અને શ્રદ્ધા સામે અરીસો ધરવાની કિંમત

​અરીસો થઈને જીવવું એ 

ક્યાં સરળ છે આ જગતમાં,

કે સાચું બોલનારાના અહીં 

સમૂળગા ઘરબાર સળગે છે.

​સિતમની સામે ઝૂકે એ 

ખરા અર્થમાં પત્રકારત્વ નથી દોસ્ત ,

ખુલ્લી તલવારની ધારે જ 

તો અહીં કિરદાર મહોરે છે.

–“પાંધી સર”

​લોકશાહીમાં પત્રકારત્વને ચોથો સ્તંભ માનવામાં આવે છે, જેનું મુખ્ય કાર્ય સત્તાધીશો, ધર્માધિકારીઓ અને સમાજના સમર્થ મહાનુભાવોને જનતા વતી સવાલો પૂછીને વાસ્તવિકતાનો અરીસો બતાવવાનું છે. પરંતુ તાજેતરમાં બનેલી વૈશ્વિક અને સ્થાનિક ઘટનાઓ એક મોટો સવાલ ઊભો કરે છે: શું આજના સમયમાં નિષ્પક્ષ પત્રકારત્વ એ ખુલ્લી તલવારની ધાર પર ચાલવા જેવો વ્યવસાય બની ગયો છે?

​તાજેતરમાં એક લાઈવ ઈન્ટરવ્યૂ દરમિયાન બનેલી ઘટનાએ વૈશ્વિક સ્તરે ચર્ચા જગાવી છે. એક મહિલા પત્રકારે અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પને તેમની પસંદ ન પડે તેવો આકરો સવાલ પૂછતાં જ ટ્રમ્પ સાહેબનો મિજાજ સાતમા આસમાને પહોંચી ગયો હતો. ગુસ્સામાં લાલચોળ થઈને તેમણે અન્ય મીડિયા નેટવર્કને ‘મૂર્ખ અને અપ્રમાણિક’ ગણાવ્યા એટલું જ નહીં, પરંતુ માઈક ફેંકીને લાઈવ સ્ટુડિયોની બહાર નીકળી ગયા. આ ઘટના દર્શાવે છે કે *વૈશ્વિક નેતાઓ પણ કડવી વાસ્તવિકતાનો સામનો કરવા તૈયાર નથી હોતા.* આવી જ એક ઘટના નોર્વે ખાતે પણ જોવા મળી, જ્યાં એક મહિલા પત્રકારના અણગમતા પ્રશ્ન પર *ભારતના પ્રધાનમંત્રીએ મૌન સેવી લેવાનું મુનાસિબ માન્યું અને તેઓ નિરુત્તર રહ્યા.*

​બીજી તરફ, પત્રકારોને માત્ર રાજકીય જ નહીં પણ સામાજિક અને ધાર્મિક સ્તરે પણ ભારે આક્રોશનો સામનો કરવો પડે છે. રાજકોટ ખાતે આયોજિત પ. પૂ. ધીરેન્દ્ર બ્રહ્મચારીની કથામાં જ્યારે *એક પત્રકાર ચમત્કાર અને અંધશ્રદ્ધાનું ગ્રાઉન્ડ કવરેજ કરી રહ્યા હતા, ત્યારે ધૂણતી એક મહિલાએ પત્રકારને તમાચો મારવાનો પ્રયાસ કર્યો હતો.* આ ઘટના સ્પષ્ટ કરે છે કે *સત્ય અને વાસ્તવિકતાના અંતિમ બિંદુ સુધી પહોંચવાનો પ્રયત્ન કરનાર પત્રકારો આજે શારીરિક અને માનસિક રીતે કેટલા અસુરક્ષિત છે.*

​જ્યારે પણ કોઈ પત્રકાર નિષ્પક્ષતા અને તટસ્થતા જાળવીને કડવા કે અણગમતા સવાલો પૂછે છે, ત્યારે સવાલોના ઘેરાવમાં આવેલી વ્યક્તિ અવારનવાર લૂલો બચાવ કરે છે. પત્રકારોને કાં તો ‘મૂર્ખ’ જાહેર કરવામાં આવે છે અથવા તો તેમને ‘વિરોધી પાર્ટીના સમર્થક’ ચીતરીને તેમનું મોરલ (મનોબળ) તોડવાનો સભાન પ્રયાસ પણ થાય છે. *આ નારાજગી વહોરવાના કારણે દેશના અનેક નીડર પત્રકારોએ પોતાની ઉજ્જવળ કારકિર્દી પણ રોળી નાખવી પડી છે.*

​”પત્રકારત્વમાં જો સમર્થોની નારાજગી વહોરીને પણ સાચું અને સ્પષ્ટ પ્રતિબિંબ બતાવવાની હિંમત ન હોય, તો આ વ્યવસાયમાં ન પડવું જ બહેતર છે.”

​અહીં મૂળભૂત પ્રશ્ન એ થાય છે કે શું પત્રકારોએ માત્ર *સમર્થ મહાનુભાવોને ગમે તેવા ‘પોચા-પોચા’ અને ‘ગુલાબી અવાસ્તવિક’ વલણવાળા સવાલો જ પૂછવા જોઈએ?* પત્રકારત્વનો ધર્મ લોલીપોપ આપવાનો નથી, પરંતુ સત્યને ઉજાગર કરવાનો છે.

​જો પત્રકાર માત્ર સત્તાધીશોની પસંદગીને ધ્યાનમાં રાખીને પ્રશ્નો પૂછશે, તો લોકશાહીનો આ ચોથો સ્તંભ માત્ર એક પ્રચાર માધ્યમ બનીને રહી જશે. પત્રકારત્વ એક અરીસો છે, અને અરીસાનું કામ ચહેરો ગમે તેવો હોય, તેને સાચો જ બતાવવાનું છે. 

​આ કપરા સમયમાં સમાજની પણ એક મોટી જવાબદારી બને છે. *જે પત્રકારો પોતાનો જીવ અને કારકિર્દી જોખમમાં મૂકીને સત્તા અને શ્રદ્ધા સામે નતમસ્ત થયા વિના સત્ય સામે લાવે છે, સમાજે તેમને એકલવાયા છોડવા ન જોઈએ. જે આદર સમાજમાં એક નિષ્પક્ષ ‘ગુરુ’ને મળે છે, તેવો જ આદર અને સાથ આવા નીડર પત્રકારોને મળવો જોઈએ,* જેથી દેશમાં ચોથો સ્તંભ મજબૂત રહી શકે અને લોકશાહી જીવંત રહે.

Related Posts