અમરેલી

સાવરકુંડલામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ, આગામી સમયમાં આવતા તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા અપીલ…

આગામી સમયમાં આવનારા તહેવારોને અનુલક્ષીને  તા. ૨૪/૬/૨૦૨૬ ના રોજ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, સાવરકુંડલા ડી.વાય.એસ.પી. વિરલ ચંદન, ટાઉન પી.આઈ. 

કે. બી. સોલંકી તેમજ ટાઉન પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં સાવરકુંડલાના હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ, વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ રાજકીય આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.

આ બેઠકમાં આગામી મોહરમ, રથયાત્રા સહિતના તહેવારો શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બંને સમાજના આગેવાનોએ પરસ્પર ભાઈચારો, એકતા અને સામાજિક સમરસતાની ભાવના વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

પોલીસ અધિકારીઓએ ઉપસ્થિત લોકોને અપીલ કરી હતી કે તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવામાં સહયોગ આપે, અફવાઓથી દૂર રહે અને કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતર્કતા રાખે. ઉપરાંત કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કે પરિસ્થિતિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો.

બેઠકનો મુખ્ય હેતુ વિવિધ સમાજો વચ્ચે સુમેળ જળવાઈ રહે અને આવનારા તમામ તહેવારો શાંતિ, સૌહાર્દ અને ભાઈચારાના માહોલમાં ઉજવાય તે સુનિશ્ચિત કરવાનો હતો. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.

Related Posts