અમરેલી

જૂઓ એ જીર્ણશિર્ણ હાલતમાં પણ કાળને પડકારતો એ કેવો અડીખમ ઉભો છે..

સાવરકુંડલાની ધરોહર સમું ટાવર વર્ષોથી સ્તબ્ધ: નાવલી નદીના કિનારે સમય થંભી ગયો!

——————————————–

 રીવર ફ્રન્ટ પ્રોજેક્ટની સાથે જીર્ણ-શીર્ણ ઐતિહાસિક ટાવરનો પણ જિર્ણોધ્ધાર કરવા અસલ કુંડલાવાસીઓની પ્રબળ માંગ

——————————————-

​વર્ષોથી થંભી ગયા છે કાંટા,                              પણ યાદોની મહેફિલ જીવે છે,                        નાવલીના વહેતા નીર મહીં, 

આ ટાવરનો ઇતિહાસ વહે છે. 

રીવર ફ્રન્ટની ચમક સાથે, જો                          આ ધરોહર પણ જીવી ઉઠે,

તો કુંડલાની સોડમ સાચી, હર                  

શ્વાસ મહીં ફરી ધબકી ઉઠે.

–“પાંધી સર” 

 સાવરકુંડલા શહેર પોતાની આગવી ઓળખ, અસલ સંસ્કૃતિ અને કાંટા (ત્રાજવાં) ના ઉદ્યોગ માટે જગપ્રસિદ્ધ છે. પરંતુ આ ઐતિહાસિક નગરીના હૃદય સમાન અને કાળને પણ પડકાર ફેંકતા નાવલી નદીના કિનારે, મુખ્ય માર્ગ પર આવેલ સુધરાઈ માર્કેટનું ભવ્ય ઘડિયાળ ટાવર છેલ્લા કેટલાય વર્ષોથી તંત્રની ઘોર ઉપેક્ષાનું ભોગ બન્યું છે. એક સમયે આખા શહેરને સમયનો પાઠ ભણાવતા આ ટાવરના કાંટા આજે બિલકુલ થંભી ગયા છે, જેને જોઈને એવું લાગે છે કે જાણે અહીં સમય પોતે જ કેદ થઈ ગયો છે.

​અંગ્રેજોના શાસનકાળ દરમિયાન ભારતના મુખ્ય શહેરોમાં સમયપાલન અને સમયસૂચકતા જાળવવા ઊંચા ટાવરો બાંધવાની પરંપરા શરૂ થઈ હતી. તેના જ અનુસંધાને સાવરકુંડલામાં પણ સંવત ૨૦૦૮ ની આસપાસ સ્થાનિક સુધરાઈ દ્વારા આ અદ્યતન શોપિંગ માર્કેટ અને ઘડિયાળના ટાવરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એ જમાનામાં લોકો પોતાની કાંડા ઘડિયાળના કાંટા આ ટાવર સાથે મેળવીને સમય નક્કી કરતા હતા. આ ટાવરનો મધુર ઘંટનાદ સમગ્ર સાવરકુંડલાની શાન હતો, જે આજે વર્ષોથી મૂક અને મૃત અવસ્થામાં પડ્યો છે.

​હાલમાં, સાવરકુંડલાના વિકાસ માટે નાવલી નદીના કિનારે કરોડોના ખર્ચે ‘રીવર ફ્રન્ટ’ જેવો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સાકાર થવા જઈ રહ્યો છે, ત્યારે નાવલીની સોડમ ધરાવતા અસલ સાવરકુંડલાવાસીઓમાં એક નવી આશા જાગી છે. નગરજનોની તીવ્ર માંગ છે કે સુધરાઈ તંત્ર અને સરકારશ્રી દ્વારા આ જીર્ણ-શીર્ણ ટાવરની સ્થિતિ પર તાકીદે ધ્યાન આપવામાં આવે. રીવર ફ્રન્ટના સુશોભીકરણની સાથે જ આ ઐતિહાસિક ધરોહરનો પણ જિર્ણોધ્ધાર કરવામાં આવે, જેથી આ બંધ પડેલા ટાવરને પુનર્જન્મ મળી શકે અને શહેરની શાન ફરીથી આકાશ આંબી શકે..

સાવરકુંડલાથી ૩૩ કિલોમીટર દૂર આવેલ જિલ્લા મથક અમરેલી ખાતે આવેલ ટાવરનું રીનોવેશન થાય તો સાવરકુંડલા શા માટે પાછળ રહી જાય? એવો સવાલ પણ બુધ્ધિજીવોમાં ચર્ચાઈ રહ્યો છે

Related Posts