અમરેલી

સાવરકુંડલામાં ઐતિહાસિક બદલાવ: નાવલી નદીના પટમાંથી શાકમાર્કેટ અમરેલી રોડ પરની ‘ખાતરવાડી’માં શિફ્ટ કરાઈ

​​નદીના પટ્ટમાંથી ખસતાં લોકોને 

સરસ કિનારો મળશે

સમરસતાના આ ચોકને આજે

નવો સહારો મળશે.

​ભેદભાવ ભૂલી જ્યાં 

અમીર-ગરીબ એક થાય છે,

એ જ બજારને હવે સુવિધાઓનો            

સાચો પટારો મળશે 

–“પાંધી સર”

સાવરકુંડલા શહેરમાં વર્ષોથી નાવલી નદીના ગંદા પાણીની આસપાસ ભરાતી પરંપરાગત શાકમાર્કેટને આખરે આજે વહીવટી તંત્ર દ્વારા અમરેલી રોડ પર આવેલ ‘ખાતરવાડી’ ખાતે શિફ્ટ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ એ જ ખાતરવાડી છે જે ભૂતકાળમાં તત્કાલીન ડીવાય.એસ.પી. શ્રી મહેતા સાહેબના સમયમાં ખાનગી ટ્રાવેલ્સ બસોના સ્ટેન્ડ પોઈન્ટ તરીકે જાણીતી બની હતી.

​આજરોજ નગરપાલિકાની સૂચના અને માર્ગદર્શન હેઠળ અંદાજે ૨૦૦ જેટલા શાકભાજી વિક્રેતાઓ ઉત્સાહભેર આ નવી જગ્યાએ સ્થળાંતરિત થયા હતા. વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે સાવરકુંડલા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી રતાણી સાહેબે રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે આ કામચલાઉ વ્યવસ્થા સુચારુ રૂપે જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા. ખાસ કરીને પાર્કિંગ એરિયામાં કોઈ લારી-ગલ્લા કે ફેરિયાઓ દબાણ ન કરે અને ગ્રાહકોને ખરીદી માટે પૂરતો પેસેજ મળી રહે તે બાબત પર તેમણે ખાસ ભાર મૂક્યો હતો.

​શાકમાર્કેટ એ માત્ર ખરીદીનું કેન્દ્ર નથી, પરંતુ જ્યાં હિન્દુ-મુસ્લિમ, અમીર-ગરીબ કે પક્ષ-વિપક્ષના ભેદભાવ ભૂલીને તમામ લોકો એકઠા થાય છે, જેથી તે ખરા અર્થમાં ‘સામાજિક સમરસતાનું પ્રતીક’ છે. ભૂતકાળના શાસકોની ભૂલોમાંથી બોધપાઠ લઈ, તંત્ર દ્વારા યોગ્ય સર્વે કરીને અહીં પૂરતા હવા-ઉજાસવાળી એક અદ્યતન કમ્પાઉન્ડેડ ઇમારત બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. સાવરકુંડલામાં રિવરફ્રન્ટ બન્યા બાદ, જો આવી આધુનિક માર્કેટ બને તો શહેરની સુવિધા મહાનગરો સમકક્ષ થઈ શકે. સ્થાનિક નાગરિકો આશા રાખી રહ્યા છે કે સાવરકુંડલા-લીલીયા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના વર્તમાન કાર્યકાળ દરમિયાન જ શહેરને આ કાયમી અને અદ્યતન સુવિધા પ્રાપ્ત થાય..એવું આમજનતા ઈચ્છે છે. 

Related Posts