અમરેલી

સાવરકુંડલામાં મેઘરાજાએ ‘હાઉ’ ઊભો કર્યો: તંત્રની સાવચેતી સામે વરસાદનો ‘ધીમી ધાર’નો ખેલ

“ગર્જ્યા એવા વરસ્યા નહીં” – આ કહેવત આજે સાવરકુંડલા શહેરમાં અક્ષરશઃ સાર્થક થતી જોવા મળી હતી. હવામાન વિભાગની ગંભીર આગાહી અને તંત્ર દ્વારા દાખવવામાં આવેલી અભૂતપૂર્વ સાવચેતી વચ્ચે મેઘરાજાએ પોતાનો અસલી મિજાજ દર્શાવવાને બદલે ધીમી ધારે હાજરી પુરાવીને જ સંતોષ માન્યો હતો. કુદરતની અગોચર ગતિ અને રમત આગળ તંત્ર અને લોકોની ધારણાઓ અગમ્ય સાબિત થઈ છે.

તંત્રનો ‘હાઉ’ અને સાવચેતીનું પગલું

​અગાઉની ઘટનાઓમાં તંત્ર ઊંઘતું ઝડપાયાના અનુભવો બાદ આ વખતે કોઈ જ જોખમ કે “ચાન્સ” લેવા માંગતું ન હોય તેમ સરકારી તંત્રે ભારે સાવચેતી દાખવી હતી. તંત્ર દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે સાવરકુંડલા શહેરની તમામ શાળાઓ, મહાશાળાઓ (કોલેજો) અને આંગણવાડીઓમાં જાહેર રજા ઘોષિત કરી દેવામાં આવી હતી. તંત્રના આ નિર્ણય પરથી ચોક્કસ લાગતું હતું કે મોટી આફત ત્રાટકવાની છે, પરંતુ કુદરતે જાણે આ રજાઓની કોઈ ખાસ નોંધ જ ન લીધી હોય તેમ વાતાવરણ શાંત રહ્યું હતું.

​ધીમી ધારથી ખેડૂતોમાં આનંદ

​ગઈકાલથી શરૂ થયેલો ધીમી ધારનો વરસાદ આજે સવારથી બપોરના ૧૨ વાગ્યા સુધી વચગાળાના વિરામ સાથે ચાલુ રહ્યો હતો. જોકે, તંત્ર દ્વારા વ્યક્ત કરાયેલી ગંભીરતા મુજબ સાંજના  છ વાગ્યા સુધી કોઈ રૌદ્ર સ્વરૂપ કે મુસળધાર વરસાદ જોવા મળ્યો ન હતો. સિસ્ટમ થોડી ફંટાઈ જતાં સાવરકુંડલા ખતરો ટળી ગયો. 

​”ધીમી ગતિ, સલામત પ્રગતિ”ના ન્યાયે, આ ધીમી ધારનો વરસાદ કૃષિ ક્ષેત્ર માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. પાકને નવું જીવન મળતાં જ સાવરકુંડલા તાલુકાના ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

​સાંજ સુધીમાં વાતાવરણમાં વાદળોની જમાવટ વચ્ચે હળવો પવન ફૂંકાતાં સમગ્ર શહેરમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. હાલ વાતાવરણ સંપૂર્ણપણે સ્થિર છે.

​બીજી તરફ, વરસાદી માહોલ અને રજાના કારણે આજે સાવરકુંડલા માર્કેટ યાર્ડ ખાતે કોઈ પણ પ્રકારની જણસની આવક થવા પામી ન હતી, જેના કારણે આજનું ભાવપત્રક જાહેર થઈ શક્યું ન હતું.

​હવામાનની આગાહીઓ હંમેશાં સો ટકા સાચી નથી હોતી તે વાત આજે ફરી સાબિત થઈ છે, પરંતુ રૌદ્ર સ્વરૂપને બદલે સોના જેવો ધીમો વરસાદ વરસતાં સાવરકુંડલાવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

Related Posts