જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકો ડૉ. જે.એચ. ચૌધરી અને ડૉ. વી.બી. રાઠોડના સંશોધન મુજબ, પ્રાકૃતિક કૃષિમાં બીજ સંવર્ધનની આધુનિક પદ્ધતિઓ અપનાવીને ચોમાસું મગફળીનું ગુણવત્તાયુક્ત અને જોખમમુક્ત મહત્તમ ઉત્પાદન મેળવી શકાય છે.
ચોમાસું મગફળીનું વાવેતર મુખ્યત્વે ત્રણ તબક્કામાં થાય છે, જેમાં આગોતરા વાવેતર માટે મે માસના અંતથી જૂનના પ્રથમ અઠવાડિયા સુધીમાં પિયત આપીને, સમયસરના વાવેતર માટે ૧૫ થી ૩૦ જૂન દરમિયાન વરસાદ થતાં જ ઉભડી, અર્ધ વેલડી કે વેલડી જાતોનું, અને જો વરસાદ મોડો એટલે કે જુલાઈ માસમાં થાય તો માત્ર ઉભડી જાતોનું વાવેતર કરવાની ભલામણ કરવામાં આવે છે.
વધુમાં, મગફળીના પ્રકાર મુજબ વાવણીનું અંતર અને બિયારણનો દર જાળવવો ખૂબ જ જરૂરી છે, જેમ કે ઉભડી જાતો માટે ૪૫ x ૧૦ સે.મી. અંતરે હેક્ટરદીઠ ૧૦૦ કિ.લો, અર્ધ વેલડી માટે ૬૦ x ૧૦ સે.મી. અંતરે હેક્ટરદીઠ ૧૨૦ કિ.લો, અને વેલડી જાતો માટે ૭૫ x ૧૦ સે.મી.ના અંતરે હેક્ટરદીઠ ૧૦૦થી ૧૧૦ કિ.લો બિયારણનો દર રાખવો જોઈએ.
પાકને જમીનજન્ય રોગોથી બચાવવા અને ઝડપી તેમજ સારો ઉગાવો મેળવવા માટે વાવણી પૂર્વે મગફળીના દાણાને બીજામૃતનો પટ આપી છાંયડે સુકવવા જોઈએ અને વાવેતર સમયે એકર દીઠ ૧૦૦ કિ.લો છાણીયું ખાતર તથા ૧૦૦ કિ.લો ઘન જીવામૃત જમીનમાં ભેળવવું હિતાવહ છે.
પાકના સારા વિકાસ માટે નિયમિત અંતરે પાંચ તબક્કામાં જીવામૃતનો પાણી સાથે છંટકાવ કરવો જરૂરી છે. જેમાં પ્રથમ મહિને ૫ લીટરથી શરૂ કરી ક્રમશઃ ૨૧-૨૧ દિવસના અંતરે વધારતા જઈને ચોથા છંટકાવમાં ૧૫ લીટર સુધી જીવામૃત મિશ્ર કરી છાંટવું.
વરસાદ આધારિત ખેતીમાં પાક નિષ્ફળ જવાના જોખમ સામે રક્ષણ મેળવવા માટે મગફળીની સાથે કપાસ, દિવેલા, સૂર્યમુખી કે તુવેર જેવા પાકોને ચોક્કસ અંતરે આંતરપાક તરીકે લેવાથી ખેડૂતો વધુ આવક મેળવી શકે છે.
પાકમાં આવતી વિવિધ જીવાતો અને ફૂગના કુદરતી નિયંત્રણ માટે કેમિકલ મુક્ત નીમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર કે ૩ થી ૪ દિવસ જૂની ખાટી છાશનો ૧૦૦ લીટર પાણીમાં મિશ્રિત કરી યોગ્ય માત્રામાં સમયાંતરે છંટકાવ કરવાથી પાક સુરક્ષિત રહે છે અને જમીનની ફળદ્રુપતા પણ લાંબા સમય સુધી જળવાઈ રહે છે.















Recent Comments