અમરેલી

આધુનિક અમરેલીની નવી ઓળખ : દૈનિક ૧૦ હજારથી વધુ વધુ મુસાફરોની સફરનું કેન્દ્ર બન્યું અદ્યતન બસપોર્ટ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સેવા, સુશાસન અને વિકાસના ૧૨ વર્ષ પૂર્ણ થતાં દેશભરમાં થયેલા જનકેન્દ્રિત વિકાસકાર્યો આજે સામાન્ય નાગરિકોના જીવનમાં પરિવર્તન લાવી રહ્યા છે. આધુનિક સુવિધાઓથી સજ્જ જાહેર માળખાકીય સુવિધાઓ એ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં સાબિત થઈ રહી છે. અમરેલી શહેરમાં નિર્માણ પામેલો અત્યાધુનિક બસપોર્ટ પણ આવું જ એક વિકાસકાર્ય છે, જે આજે માત્ર પરિવહન કેન્દ્ર નહીં પરંતુ આધુનિક અમરેલીના વિકાસ અને પ્રગતિની ઓળખ બની ગયો છે.

એક સમયે પરંપરાગત બસ સ્ટેશન તરીકે ઓળખાતું અમરેલીનું પરિવહન કેન્દ્ર આજે આધુનિક બસપોર્ટના રૂપમાં પરિવર્તિત થઈ ગયું છે. આશરે ૧૭,૦૯૫  ચોરસ મીટરના વિશાળ પ્લોટ વિસ્તારમાં ૭૭૧૯ ચોરસમીટર બસ ટર્મિનલનું બાંધકામ છે. આશરે રૂ. ૪૪.૫૧ કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ બસ પોર્ટમાં મુસાફરોની સુવિધાને કેન્દ્રસ્થાને રાખીને આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યુ હતું. બસ ટર્મિનલ બિલ્ડિંગ, કોમર્શિયલ બ્લોક, કેફે, વર્કશોપ અને સ્ટાફ ક્વાર્ટર્સ સહિતની સુવિધાઓ સાથે તૈયાર થયેલો આ પ્રોજેક્ટ શહેરના આધુનિકીકરણની દિશામાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન બની રહ્યો છે.

આ અંગે ડેપો મેનેજમશ્રી દવેએ જણાવ્યું હતું કે, આધુનિક બસ પોર્ટના નિર્માણથી મુસાફરોને સ્વચ્છ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત પરિવહન સેવા ઉપલબ્ધ બની છે. વિશાળ પ્રતીક્ષાખંડ, સુનિયોજિત બસ બે, પાર્કિંગની સુવિધા અને અન્ય જરૂરી વ્યવસ્થાઓને કારણે મુસાફરોને વધુ આરામદાયક અનુભવ મળી રહ્યો છે. શહેરના મધ્યભાગમાં આવેલું આ બસપોર્ટ આજે અમરેલીની નવી ઓળખ તરીકે ઉભરી આવ્યું છે. તેમણે ઉમેર્યુ કે, અમરેલી બસપોર્ટ પર સમગ્ર રાજ્યમાંથી દૈનિક ૨૩૩ એક્સપ્રેસ અને ૩૮૪ લોકલ બસનું આગમન થાય છે. અહીં મુસાફરો માટે પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ ઉપરાંત ટેલિવિઝન પર બસના સમયનું ટ્રેકિંગ જેવી સુવિધાઓ છે.

એસ.ટી.ના વિભાગીય નિયામકશ્રી બી.ટી. પટેલે જણાવ્યું હતું કે, અમરેલી બસપોર્ટની સૌથી મહત્વપૂર્ણ સિદ્ધિ એ છે કે તે દરરોજ સરેરાશ ૧૦,૬૯૦થી વધુ મુસાફરોના પરિવહનનું કેન્દ્ર બની ચૂક્યું છે. વિવિધ જિલ્લાઓ અને શહેરો માટેની એક્સપ્રેસ તેમજ લોકલ બસોની સતત અવરજવર થતી હોવાથી હજારો નાગરિકો રોજિંદા મુસાફરી માટે આ સુવિધાનો લાભ લઈ રહ્યા છે. પરિવહન સેવાની વધતી સુલભતા અને ગુણવત્તાએ અમરેલી જિલ્લાની સામાજિક તથા આર્થિક ગતિશીલતામાં પણ નોંધપાત્ર વધારો કર્યો છે.

બસપોર્ટ માત્ર પરિવહન સુવિધા પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ શહેરના આર્થિક વિકાસનું પણ કેન્દ્ર બન્યું છે. કોમર્શિયલ સ્પેસના વિકાસથી વેપાર-ધંધાને પ્રોત્સાહન મળ્યું છે, રોજગારીની નવી તકો સર્જાઈ છે અને આસપાસના વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળ્યો છે. પરિણામે બસ પોર્ટ શહેરના વિકાસના નવા કેન્દ્ર તરીકે ઉભરી આવ્યો છે.

આ અંગે થાનગઢના મુસાફર શ્રી રમેશભાઈ જાદવ જણાવે છે કે, નવા બસ ડેપોમાં પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા, સુગમ બેઠક વ્યવસ્થા અને બસના આવનજાવનનો સમય પણ નિયમિત થયો છે. અમરેલીના યુવાન શ્રી તનવીર જાદવે જણાવ્યું કે, નવા બસ ડેપોમાં સ્વચ્છતા પણ ખૂબ જોવા મળે છે. યુરીનલની સ્વચ્છતા પણ અગાઉ કરતાં સારી છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સેવા, સુશાસન અને વિકાસના ૧૨ વર્ષ દરમિયાન દેશના નાના અને મધ્યમ શહેરોમાં પણ આધુનિક માળખાકીય સુવિધાઓના વિકાસને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અમરેલીનો અત્યાધુનિક બસપોર્ટ આ વિકાસદ્રષ્ટિનું જીવંત ઉદાહરણ છે. આજે આ બસ પોર્ટ માત્ર હજારો મુસાફરોની યાત્રાને સરળ બનાવતો નથી, પરંતુ આધુનિક, સુવિધાસભર અને વિકસિત અમરેલીના સપનાને પણ સાકાર કરી રહ્યો છે. તે અમરેલી શહેરના વિકાસના નવા યુગનું પ્રતીક બનીને આવનારી પેઢીઓને પ્રગતિ અને સુશાસનની ગાથા સંભળાવી રહ્યો છે.

Related Posts