દિવાળી પર્વ નજીક આવતા જ સાવરકુંડલા સહિત રાજ્યભરના અનેક શહેરોમાં સામાજિક અને સેવાકીય સંસ્થાઓ દ્વારા 'રાહત દરે ફટાકડા'ના નામે ખાસ સ્ટોલ શરૂ કરવામાં આવે છે. આ સ્ટોલ્સ પર ફટાકડાની વિવિધ વેરાઇટીઓ આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેના કારણે નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. પરંતુ આ પ્રવૃત્તિ જોતા જ સામાન્ય જનતાના મનમાં એક સ્વાભાવિક પ્રશ્ન ઉદભવે છે કે કાપડ, કરિયાણું, દૂધ, સ્ટેશનરી, બૂટ-ચપ્પલ, કે દવાઓ જેવી પાયાની અને અત્યંત જરૂરી ચીજવસ્તુઓ માટે આવા રાહત દરના સ્ટોલ કેમ ઊભા કરવામાં આવતા નહી હોય?
દિવાળી જેવા તહેવારોમાં અનાજ, કપડાં કે દૂધ જેવી મૂળભૂત જરૂરિયાતો પર પણ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે રાહત આપવામાં આવે તો સામાજિક ઉત્થાનનો અસલી હેતુ સર થઈ શકે, જે અંગે ગંભીરતાથી વિચારવું જરૂરી બન્યું છે.
*પ્રાઈઝ કંટ્રોલ અને ભાવ નિર્ધારણ પોલિસીની વાત કરીએ તો, ફટાકડાના અમુક બોક્સ પર છાપેલા મહત્તમ રિટેલ ભાવ (MRP) અને તેની વાસ્તવિક (એક્ચ્યુઅલ) કિંમત વચ્ચે જમીન-આસમાનનો તફાવત જોવા મળે છે. જ્યારે આ ફટાકડાના અસલી માર્જિન અને ભાવ નિર્ધારણની વાસ્તવિકતા સમજાય છે, ત્યારે આંખો આશ્ચર્યથી પહોળી થઈ જાય છે. બોક્સ પર જે અધધ કિંમત અંકિત કરવામાં આવે છે, તે વાસ્તવિક ઉત્પાદન કિંમત કરતા અનેક ગણી વધારે હોય છે.*
આ સંદર્ભે વેપાર ક્ષેત્રે અનેક સવાલો ઊભા થાય છે કે આ પ્રકારના ઊંચા માર્જિન પાછળ કઈ નીતિ કામ કરે છે? જો કે, કેટલાક શહેરોમાં દિવાળી નિમિત્તે મીઠાઈ અને ફરસાણનું વિતરણ પણ રાહત દરે કરવામાં આવતું હોય છે, જે આવકારદાયક પગલું છે.
રાહત દરનો સીધો અર્થ 'ઓછો નફો' અથવા 'નો પ્રોફિટ, નો લોસ' થાય છે, પરંતુ વેપાર જગતમાં કોઈપણ વસ્તુ પર વધુમાં વધુ કેટલો નફો લઈ શકાય તે સંદર્ભે શું કોઈ સ્પષ્ટ પોલિસી ખરી? ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે બજારમાં કિંમતો પર અંકુશ રાખતી યોગ્ય વ્યવસ્થા અનિવાર્ય છે. ફટાકડાના વ્યવસાયમાં રહેલી આ અસંતુલિત કિંમત પદ્ધતિ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓની મોંઘવારી વચ્ચે સામાન્ય નાગરિકો પિસાઈ રહ્યા છે, ત્યારે આ દિશામાં વહીવટી તંત્ર અને સેવાકીય સંસ્થાઓ દ્વારા પુનર્વિચારણા થાય તે સમયની માંગ છે. સાંભળવા તો એવું પણ મળે છે કે ફટાકડા વેચાણના આ વ્યવસાયમાં ઘણા વેપારીઓ માતબર નફો પણ કમાઈ લે છે
હવે વાત કરીએ સાવરકુંડલા શહેર અને ત્યાં દિવાળી પર્વ નિમિત્તે ખેલાતા ઇંગોરિયા યુદ્ધની, તો ઇંગોરિયા એક ફળના ખાલી ખોખામાં દારૂગોળો ભરીને ફટાકડાની માફક વાટ સળગાવી એકબીજા તરફ દૂર દૂર સુધી ફેંકવાની એક નિર્દોષ રમત છે, ભલે તેને 'ઇંગોરિયા યુદ્ધ' નામ આપવામાં આવ્યું હોય.
હવે આ ઇંગોરિયા નામના ફળની ઉપલબ્ધતા ખૂબ ઓછી હોવાથી અહીંના લોકો દોરા ભરવાના કોકડાનો ઇંગોરિયા તરીકે ઉપયોગ કરે છે અને તેનાથી દિવાળી પર્વ ઉજવે છે. આ ઇંગોરિયા કે કોટડા યુદ્ધને ગ્રીન ફટાકડાનું નામાભિધાન આપીને લોકો દિવાળી પર્વ ઉજવે છે. આ રમત ખરેખર ખૂબ રોમાંચક હોય છે. ઘણી વખત કોઈ ઈજાગ્રસ્ત પણ થઈ શકે, પરંતુ મોટેભાગે એવું જવલ્લે જ બને છે.આપને જણાવી દઈએ કે આ ઈંગોરિયા કે કોટડા યુધ્ધની રમત સમગ્ર વિશ્વમાં માત્ર સાવરકુંડલા શહેરમાં જ જોવા મળે છે. રાત્રિના ગાઢ અંધકાર વચ્ચે એક બીજા જૂથ પર ફેંકાતાં આ ઈંગોરિયા કે કોટડા યુધ્ધનો રોમાંચ ખરેખર કોઈ યુધ્ધથી કમ તો નથી હોતો.