ભાવનગર જિલ્લામાં આગામી તા. ૩૦ ઓક્ટોબરના રોજ યોજાનારા પીએમ કિસાન ઉત્સવ તથા તા. ૩૧ ઓક્ટોબરના રોજ
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે યોજાનારા એકતા દિવસની ઉજવણીને સુવ્યવસ્થિત અને
લોકભાગીદારીસભર બનાવવા જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના ઊર્જા મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં
સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં મંત્રીશ્રીએ બંને દિવસના કાર્યક્રમોની તૈયારીઓની સમીક્ષા કરી સંબંધિત વિભાગોના અધિકારીઓ પાસેથી સ્થળ પસંદગી,
એલઈડી વ્યવસ્થા, સુરક્ષા, જનભાગીદારી અને રિપોર્ટિંગ સહિતની વ્યવસ્થાઓની વિગતો મેળવી હતી. તેમણે જિલ્લાના દરેક
ગામને કાર્યક્રમો સાથે સાંકળીને વધુમાં વધુ લોકો ઉત્સાહપૂર્વક સહભાગી બને તે દિશામાં આયોજન કરવા અને તમામ જરૂરી
વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ કરવા સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરીએ જિલ્લાના કાર્યક્રમોના આયોજન અને તૈયારીઓ અંગે માહિતી આપી
હતી. જયારે મહાનગરપાલિકાના કમિશનર ડૉ. એન.કે. મીના તથા પ્રાદેશિક કમિશનર શ્રી સુનિલે અનુક્રમે મહાનગરપાલિકા અને
નગરપાલિકા વિસ્તારોમાં થનારી ઉજવણીના આયોજનની વિગતો રજૂ કરી હતી.
તા. ૩૦ ઑક્ટોબરના રોજ પીએમ કિસાન ઉત્સવ અંતર્ગત ભાવનગર જિલ્લામાં એક જિલ્લા કક્ષાનો કાર્યક્રમ અને જિલ્લા
પંચાયતની દરેક બેઠક દીઠ બે કાર્યક્રમો તથા દરેક નગરપાલિકા દીઠ એક કાર્યક્રમ યોજાશે.
જ્યારે તા. ૩૧ ઑક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી જિલ્લાના દરેક ગામમાં કરવામાં આવશે. આ અંતર્ગત એકતા
રેલી, શ્રેષ્ઠ વ્યક્તિઓનું સન્માન તથા એકતાનગર ખાતે યોજાનારા કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.
બેઠકમાં કલેક્ટર કચેરી ખાતેથી મેયર શ્રીમતી ઉષાબેન તલરેજા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઈ લાધવા, ધારાસભ્ય
શ્રીમતી સેજલબેન પંડ્યા, અગ્રણીઓ કુમારભાઇ શાહ, દિગ્વિજયસિંહ ગોહિલ, નિવાસી અધિક કલેક્ટર એન. ડી. ગોવાણી સહિત
સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા કક્ષાના અધિકારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.