સેકડોની સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો વિરોધ પ્રદર્શનમાં જોડાયા
અમિત ચાવડા અને ડો. તુષાર ચૌધરીની આગેવાનીમાં રજૂઆત; પોલીસની કામગીરીની તટસ્થ તપાસની માગણી
• ગુજરાત અને દેશમાં અંગ્રેજોના શાસન જેવી સ્થિતિ, સરકાર સામે અવાજ ઉઠાવો તો દેશદ્રોહી બનાવી ખોટા કેસોમાં જેલમાં ધકેલી દેવામાં આવે છે : અમિત ચાવડા
• પોલીસ અને પ્રશાસન ભાજપના કાર્યકર હોય તેમ કામ કરી રહ્યાં છે. : અમિત ચાવડા
• ભ્રષ્ટ્ર પોલીસ અધિકારીઓની આવક કરતા અનેક ઘણી વધુ કરોડોની સંપત્તિની તપાસ કરાવો : અમિત ચાવડા
• ભાજપના કાર્યકર્તાઓને કોંગ્રેસના દરવાજા સુધી વિરોધatw છૂટો દોર અને વિપક્ષ-જનતાના અવાજ પર પ્રતિબંધ : અમિત ચાવડા
• જીગ્નેશભાઈ મેવાણી, પાટણની બહેનો સહિતના કોંગ્રેસના કાર્યકરો ઉપરના ખોટા કેસો સામે લડીશું, ભાજપ સરકારના દમન સામે સત્યનો અવાજ ક્યારેય નહી દબાય : અમિત ચાવડા
• સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ ભરતાં રોકવા, ફોર્મ પાછાં ખેંચાવવા, પ્રચારમાં અવરોધો ઊભા કરવા અને મતદારોને ડરાવવા પોલીસનો દુરુપયોગ થયો : ડૉ. તુષાર ચૌધરી
• ગુજરાતમાં પોલીસ અને પ્રશાસન ભાજપના ઈશારે કામ કરે છે,લોકશાહી અને બંધારણના અધિકારોનું હનન થઈ રહ્યું છે. : ડૉ. તુષાર ચૌધરી
• VVIP પ્રવાસોમાં વિપક્ષી નેતાઓની ગેરબંધારણીય નજરકેદ અને સોશિયલ મીડિયા પર ઈમરજન્સી જેવી સેન્સરશીપ : ડૉ. તુષાર ચોધરી
ગુજરાતમાં પોલીસ દમન, ખોટા પોલીસ કેસો અને વિપક્ષ સામે ભેદભાવપૂર્ણ કાર્યવાહીના આક્ષેપો સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આજે ગુજરાત પોલીસ ભવન, ગાંધીનગર ખાતે રાજ્યના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી)ને આવેદનપત્ર આપ્યું હતું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ડો. તુષાર ચૌધરીની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. વિધાનસભા વિરોધ પક્ષના ઉપનેતા શ્રી શૈલેષ પરમાર, પૂર્વ સાંસદ અને પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શ્રી જીગ્નેશ મેવાણી, ધારાસભ્ય શ્રી દિનેશજી ઠાકોર, શ્રી કાંતિ ખરાડી, શ્રી ઇમરાન ખેડાવાલા, શ્રી અમરતજી ઠાકોર, ઓડિસ્સાના પ્રભારીશ્રી લાલજી દેસાઈ, પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખશ્રી ગીતાબેન પટેલ, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી સોનલબેન પટેલ, ગાંધીનગર શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી શક્તિકુમાર પટેલ, સહિતના કોંગ્રેસના આગેવાનો, શહેર જિલ્લા પ્રમુખ, કોર્પોરેટરો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં પોલીસ તંત્ર નિષ્પક્ષ રીતે કામગીરી કરતું નથી. વિપક્ષના નેતાઓ, કાર્યકરો અને સરકારની નીતિઓનો વિરોધ કરતા નાગરિકોને નિશાન બનાવવામાં આવે છે.
આવેદનપત્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. દારૂ, ચરસ, ગાંજો અને ડ્રગ્સના ગેરકાયદે વેપાર સામે અસરકારક કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી હતી. હવાલા રેકેટ, હત્યા, બળાત્કાર અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર પણ યોગ્ય પગલાં ભરવા રજૂઆત કરવામાં આવી હતી.
ગાંધીનગરની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને નિશાન બનાવ્યાનો આક્ષેપ
કોંગ્રેસે તાજેતરની ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. આવેદનપત્ર મુજબ, વોર્ડ નંબર-૪ના કોંગ્રેસના ઉમેદવાર યુનુસ પરમારને ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે અટકમાં લેવામાં આવ્યા હતા. તેમના સમર્થકોને પણ એલસીબી દ્વારા સેક્ટર-૭ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો હતો.
કોંગ્રેસના ઉમેદવારને ખોટી રીતે પોલીસ સ્ટેશનને લઈ ગયા હતા તેમને છોડાવવા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, સૂર્યસિંહ ડાભી સહિતના આગેવાનો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અને ત્યારબાદ આ આગેવાનો સામે પણ ગુના નોંધવામાં આવ્યા હતા. કોંગ્રેસે આ કાર્યવાહીની તપાસ કરવાની માગણી કરી હતી.
વિરોધ પ્રદર્શનોની મંજૂરીમાં ભેદભાવનો આક્ષેપ
કોંગ્રેસે જણાવ્યું હતું કે વિપક્ષ અને નાગરિક સંગઠનોને વિરોધ પ્રદર્શન માટે મંજૂરી મેળવવામાં મુશ્કેલી પડે છે. બીજી તરફ, ભાજપના નેતાઓને કાર્યક્રમો માટે મંજૂરી આપવામાં આવતી હોવાનો આક્ષેપ કરાયો હતો.
કોંગ્રેસ કાર્યાલયની બહાર થયેલા વિરોધ પ્રદર્શનો અને પૂતળાદહનના બનાવોમાં પોલીસની ભૂમિકા સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.
વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન કોંગ્રેસના નેતાઓને અટકાયતમાં લેવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. આવા કિસ્સાઓમાં બંધારણીય અધિકારોનું રક્ષણ કરવાની માગણી કરવામાં આવી હતી.
પાટણની ઘટના અંગે રજૂઆત
પાટણમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે બનેલી ઘટનાનો મુદ્દો પણ આવેદનપત્રમાં ઉઠાવવામાં આવ્યો હતો.
કોંગ્રેસના આક્ષેપ મુજબ, રાહુલ ગાંધીની તસવીર પર શાહી છાંટવાના પ્રયાસને લઈને વિવાદ થયો હતો. આ મામલે મહિલા આગેવાનો જમાબેન ઠાકોર અને ભૂમિકાબેન પટેલ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
કોંગ્રેસે આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માગણી કરી હતી.
કેટલાક યુટ્યુબર અને સોશિયલ મીડિયા પર સક્રિય યુવાનોના એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. આ કાર્યવાહી કયા કાયદાકીય આધારે કરવામાં આવી તેની તપાસ કરવાની માગણી કરાઈ હતી.
ખોરજ જમીન પ્રકરણમાં નિષ્પક્ષ તપાસની માગણી
ગાંધીનગર જિલ્લાના ખોરજ ગામમાં ઠાકોર પરિવારની જમીન અંગેના વિવાદનો પણ આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો હતો.
કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે આશરે રૂ. ૧૫૦ કરોડની કિંમતની જમીન રૂ. ૧ કરોડમાં લખાવી લેવાનો પ્રયાસ થયો હતો. આ મામલે ગાંધીનગર રેન્જના આઈજી વિરેન્દ્ર યાદવ, અડાલજ પોલીસ સ્ટેશનના પી.આઈ. દેસાઈ અને અન્ય સંબંધિત અધિકારીઓની ભૂમિકાની તપાસ કરવાની માગણી કરવામાં આવી હતી.
કોંગ્રેસના જણાવ્યા મુજબ, જમીનમાલિક પરિવાર પર દબાણ કરવામાં આવ્યું હતું. પૂર્વ સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરનું નામ પણ ફરિયાદમાં ઉલ્લેખીને તેમને બદનામ કરવાનો પ્રયાસ થયો હોવાનો આક્ષેપ કરાયો હતો. કોંગ્રેસે આ સમગ્ર પ્રકરણની તટસ્થ તપાસ કરવાની માગણી કરી હતી.
ધવલ દવે સામે ફરિયાદ નોંધવાની માગણી
કોંગ્રેસે ભાજપના બનાસકાંઠા જિલ્લાના પ્રભારી ધવલ દવે સામે પણ આક્ષેપો કર્યા હતા.
આવેદનપત્ર મુજબ, વડગામના કોંગ્રેસના ધારાસભ્યનાં બહેન વિશે સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે આ મામલે હજુ સુધી એફઆઈઆર નોંધવામાં આવી નથી.
આ પ્રકારની ઘટનાઓથી બે સમાજો વચ્ચે વૈમનસ્ય ફેલાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. કોંગ્રેસે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરી હતી.
તટસ્થ તપાસ સમિતિ રચવાની માગણી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ રાજ્યમાં પોલીસની કામગીરી અંગેની ફરિયાદોની તપાસ માટે તટસ્થ સમિતિ રચવાની માગણી કરી હતી.
કોંગ્રેસે નીચેના મુદ્દાઓની તપાસ કરવાની માગણી કરી હતી:
- વિપક્ષના નેતાઓ અને કાર્યકરો સામે નોંધાયેલા કથિત ખોટા કેસો સામે તપાસ કરી રદ કરો
- વિરોધ પ્રદર્શનોની મંજૂરીમાં થતો કથિત ભેદભાવ
- નાગરિકોની ફરિયાદો નોંધવામાં થતી બેદરકારી.
- જમીન અને મિલકતના વિવાદોમાં પોલીસ અધિકારીઓની કથિત સંડોવણી.
- રાજકીય કાર્યક્રમો દરમિયાન થતી અટકાયત અને ધરપકડો.
- પોલીસ અધિકારીઓની મિલકતો અને ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદો.
પોલીસ તંત્રની વિશ્વસનીયતા જાળવવા નિષ્પક્ષ કામગીરી જરૂરી છે. કાયદો દરેક માટે સમાન હોવો જોઈએ.
આવેદનપત્રમાં રજૂ કરાયેલા આક્ષેપોની તટસ્થ તપાસ કરવા અને દોષિત જણાતા અધિકારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી હતી.