ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્ય મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે સ્પષ્ટતા આપતા જણાવ્યું છે કે, વાવ ખાતે એક કાર્યક્રમ દરમિયાન યોજાયેલી સભામાં રાજ્યમાં વરસાદની વર્તમાન સ્થિતિને ધ્યાને લઈને મારા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. આ નિવેદનમાં અમારો મુખ્ય આશય એ હતો કે, ચાલુ વર્ષ સમગ્ર રાજ્ય માટે અલ-નિનોની અસર ધરાવતું વર્ષ હોવાથી સરેરાશ કરતાં ઓછો વરસાદ પડવાની પૂરી સંભાવના છે.
જે બાબતને ધ્યાને રાખીને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનું જળસંકટ ન સર્જાય, તે માટે અમારા વિસ્તારના ખેડૂતોને અત્યારથી જ પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા તથા પાણીનો વ્યય અટકાવતી ટપક અને ફુવારા સિંચાઈ જેવી આધુનિક કૃષિ પદ્ધતિઓ અપનાવવા જણાવાયું હતું. આ ઉપરાંત ખેડૂતોને ઓછા પાણીની જરૂરિયાત ધરાવતા પાકોનું વાવેતર કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી હતી.
તેમણે સ્પષ્ટતા કરી છે કે, ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા દર વર્ષની જેમ જ નિયત કરેલું સિંચાઈ માટે નર્મદાનું પાણી આપવામાં આવશે.
તેમણે ઉમેર્યું કે, "મારી આ રજૂઆત કે નિવેદનને નકારાત્મક રીતે લેવાને બદલે, આગામી સમયમાં પાણીની તંગી ન સર્જાય તે માટે અત્યારથી જ સકારાત્મક પગલાં લેવા હું જનસામાન્ય તથા ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી કરું છું.”