વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત જાપાન પ્રવાસે ગયેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ઓસાકા ખાતે જાપાનના અગ્રણી ઉદ્યોગપતિઓ અને રોકાણકારો સાથે એક ઉચ્ચ સ્તરીય 'ઇન્વેસ્ટ ઇન ગુજરાત' રાઉન્ડટેબલ બેઠક યોજી હતી. ગુજરાત અને જાપાન વચ્ચેના આર્થિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા અને પરસ્પર સમૃદ્ધિ માટે સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ વધુ સુદ્રઢ બનાવવાના ઉદ્દેશ સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાઉન્ડટેબલ કોન્ફરન્સમાં ઉપસ્થિત વૈશ્વિક ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓને સંબોધતા નાયબ મુખ્યમંત્રીએ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ ગુજરાત વતી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જાપાન ઊગતા સૂર્યનો દેશ છે અને ગુજરાત ઊગતી તકોની ભૂમિ છે. ભારત અને જાપાન માત્ર વેપાર જ નહીં, પરંતુ પરસ્પર વિશ્વાસ, આદર અને મૂલ્યોની સાથોસાથ સહિયારી સંસ્કૃતિ પણ ધરાવે છે. બંને દેશોની મિત્રતા સદીઓ જૂની છે, આજે આપણી સામે વિકાસની અસીમ નવી તકો ઉપલબ્ધ છે.જરાતની આર્થિક ક્ષમતા અને ઔદ્યોગિક ગતિશીલતાના આંકડા રજૂ કરતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દેશની માત્ર ૫ ટકા વસ્તી ધરાવતું ગુજરાત ભારતના જીડીપીમાં ૮ ટકાથી વધુનું યોગદાન આપે છે. દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો ૧૮ ટકા છે, જ્યારે ભારતની કુલ નિકાસમાંથી લગભગ એક તૃતીયાંશ (૧/૩) નિકાસ એકલા ગુજરાતમાંથી થાય છે. આ ઉપરાંત ભારતના કુલ કાર્ગો હેન્ડલિંગનો ૪૦ ટકા હિસ્સો ગુજરાતના બંદરો દ્વારા સંચાલિત થાય છે અને રાજ્યની ૬૫ ટકા ઊર્જા રિન્યુએબલ એનર્જી સ્ત્રોતોમાંથી મળે છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગુજરાત એટલે 'સ્પીડ, સ્કેલ અને સ્ટેબિલિટી'. ગુજરાતમાં નિર્ણયો ઝડપી લેવાય છે અને નીતિઓ અત્યંત પારદર્શક તથા સ્પષ્ટ છે. ગુજરાત એ સમગ્ર ભારતનું પ્રવેશદ્વાર છે અને ભારત વિશ્વ માટેનું પ્રવેશદ્વાર છે.
જાપાન અને ગુજરાત વચ્ચેના સંબંધોનો ઉલ્લેખ કરતાં તેમણે ઉમેર્યું કે, સુઝુકી, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને જાપાનીઝ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક્સ સાબિત કરે છે કે જાપાન ગુજરાતમાં પહેલેથી જ પોતાના ઘર જેવો માહોલ અનુભવે છે. ભવિષ્યના વિકાસની રૂપરેખા આપતા તેમણે કહ્યું કે સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (EV) અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ફ્યુચરિસ્ટિક સેક્ટર્સનું કેન્દ્ર આજે ગુજરાત બની રહ્યું છે. જાપાન પાસે અત્યાધુનિક ટેકનોલોજી છે અને ગુજરાત પાસે શ્રેષ્ઠ ટેલેન્ટ છે; બંને શક્તિઓ ભેગી મળીને વૈશ્વિક સ્તરે નેતૃત્વ પૂરું પાડી શકે છે.નાયબ મુખ્યમંત્રીએ જાપાનના રોકાણકારોને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવતા ‘આવો, જુઓ, રોકાણ કરો અને અમારી સાથે વિકાસ સાધો’નું આહવાન કર્યું હતું.
જાપાન ખાતે યોજાયેલી રાઉન્ડ ટેબલ બેઠકમાં ડાઇકી એલ્યુમિનિયમ ઇન્ડસ્ટ્રી કો. લિમિટેડના ડાયરેક્ટર અને સિનિયર મેનેજિંગ એક્ઝિક્યુટિવ ઓફિસર કાઝુશી ગોટો, કન્સાઈ જાપાન-ઈન્ડિયા એસોસિએશના સેક્રેટરી જનરલ સુસુમુ સાઇટો, નાકાનિશિ મેટલ વર્ક્સ કો., લિમિટેડના ઓપરેટિંગ ઓફિસર કેઇટા ઇટો, પેનાસોનિક એનર્જીના ડાયરેક્ટર દાઈસુકે તાકાહાશી, પેનાસોનિક એનર્જીના ડાયરેક્ટર, સ્ટ્રેટેજિક ઇન્ટેલિજન્સ એન્ડ એક્સટર્નલ અફેર્સ નોબુટો નાકાનિશિ અને હિગાશિયોસાકાના મેયર યોશિકાઝુ નોડા તથા આશિયા સિટીના મેયર ર્યોસુકે તાકાશિમા ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત જાપાનની વિવિધ અગ્રણી કંપનીઓના ઉદ્યોગપતિઓ અને જાપાન સરકારના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ઓસાકા ખાતેના આજના કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ ૧ હાઇ-લેવલ રાઉન્ડટેબલ કોન્ફરન્સ ઉપરાંત વિવિધ ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે ૧૧ મહત્વપૂર્ણ વન-ટુ-વન બેઠકો યોજશે અને ગુજરાતમાં મોટા પાયે રોકાણ લાવવા અને નવા ઔદ્યોગિક જોડાણો સ્થાપિત કરવા અંગે ફળદાયી ચર્ચાઓ કરશે.