અમરેલી જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે ખેતીવાડી ખાતાની એ.જી.આર.-૫૦ યોજના હેઠળ ૨૦ હોર્સ પાવરથી વધુના મોટા ટ્રેક્ટરની ખરીદી માટે સહાય યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા ખેડૂતો માટે 'આઈ ખેડૂત ૨.૦ પોર્ટલ' પર ઓનલાઈન અરજીઓ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, જે આગામી તા. ૩૦/૧૦/૨૦૨૬ સુધી ખુલ્લું રહેશે.
તમામ ઓનલાઈન અરજીઓની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિયમોનુસાર પાત્રતા ધરાવતા ખેડૂતોને પૂર્વ મંજૂરી આપવાની કાર્યવાહી કરવામાં આવશે. પૂર્વ મંજૂરી મળ્યેથી ખેડૂતોને તેમના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર એસ.એમ.એસ. દ્વારા જાણ કરવામાં આવશે. મેસેજ અથવા પૂર્વ મંજૂરી મળ્યાના દિન-૬૦ (સાઠ દિવસ) ની અંદર ખેડૂતોએ નિયમોનુસાર માન્ય મોડેલનું ટ્રેક્ટર ખરીદવાનું રહેશે. ખરીદી કર્યા બાદ ઓરીજીનલ બિલ, જરૂરી વિગતો અને ફોટોગ્રાફ્સ આઈ ખેડૂત પોર્ટલ પર અપલોડ કરી, ૬૦ દિવસમાં સહાય દરખાસ્ત તૈયાર કરીને સંબંધિત તાલુકા મથકે ખેતીવાડી શાખામાં અથવા પોતાના ગામના ગ્રામસેવકને રૂબરૂ પહોંચાડવાની રહેશે.
આ સહાય દરખાસ્ત મુજબ સાધનની સ્થળ ચકાસણી થયા બાદ સહાય ચૂકવવાની આગળની કાર્યવાહી હાથ ધરાશે. જો નિયત સમયમર્યાદામાં ખરીદી નહિ કરવામાં આવે અથવા વિગતો અને દરખાસ્ત સમયસર સબમિટ નહિ થાય, તો અરજી આપોઆપ રદ ગણાશે જેની તમામ ખેડૂતોએ ખાસ નોંધ લેવી. આ યોજના અંગે વધુ માહિતી મેળવવા માટે ખેડૂતોએ સંબંધિત ગ્રામસેવક (ખેતી) અથવા તાલુકા પંચાયત કચેરીની ખેતીવાડી શાખાના વિસ્તરણ અધિકારી (ખેતી) નો સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.