સદ્દગુરુ શ્રી કબીર સાહેબ સેવા ટ્રસ્ટ - સાવરકુંડલા, લાયન્સ ક્લબ ઓફ અમરેલી સિટી તથા સુદર્શન નેત્રાલય હોસ્પિટલ - અમરેલીના સંયુક્ત ઉપક્રમે સાવરકુંડલા સ્થિત કબીર ટેકરી ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
તારીખ ૨૨/૧૦/૨૦૨૬, ગુરુવારના રોજ યોજાયેલા આ કેમ્પમાં આંખોની વિવિધ સમસ્યાઓથી પીડાતા દર્દીનારાયણની વિનામૂલ્યે તબીબી તપાસ કરવામાં આવી હતી. આ કેમ્પની ઓ.પી.ડી.નો કુલ ૭૨ દર્દીઓએ લાભ લીધો હતો, જેમાંથી મોતિયાના ઓપરેશનની જરૂરિયાત વાળા ૧૯ દર્દીઓની પસંદગી કરી તેમના નિશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં કબીર ટેકરીના શ્રી અરુણ દાસજી સાહેબ તથા સામાજિક સેવા સંસ્થાન 'શ્રી બચુભાઈ જીવરાજભાઈ સ્મારક ટ્રસ્ટ'ના ટ્રસ્ટી વિશાલ વ્યાસ, માધવ વ્યાસ, હિતેશભાઈ મકવાણા, જગદીશભાઈ જેઠવા અને જિતેનભાઇ હેલૈયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.
આ માનવસેવાના કાર્યમાં સુદર્શન નેત્રાલયના તબીબી કર્મચારીઓ અતુલભાઈ દવે, નિલેષભાઈ ભીલ, હિંમતભાઈ કાછડીયા તથા તેમની સમગ્ર ટીમ અને કબીર ટેકરીના ઉત્સાહી સ્વયંસેવકોએ હાજર રહી સરાહનીય સેવાઓ આપી હતી.
ઉલ્લેખનીય છે કે, સાવરકુંડલા કબીર ટેકરી ખાતે દર મહિનાના ચોથા ગુરુવારે છેલ્લા ૧૯ વર્ષથી અવિરતપણે આ નિશુલ્ક નેત્ર યજ્ઞ યોજવામાં આવે છે, જેનો આસપાસના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના અનેક જરૂરિયાતમંદ દર્દીઓ લાભ લઈ રહ્યા છે.