શ્રી નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત શ્રી જે.વી. હાઈસ્કૂલ ખાતે શાળાના સંગીત શિક્ષક શ્રી સંજયભાઈ મહેતાનો ભાવભીનો અને યાદગાર વિદાય સમારંભ અત્યંત ઉત્સાહપૂર્વક અને લાગણીસભર વાતાવરણમાં યોજાઈ ગયો.
કાર્યક્રમની શરૂઆત શાળાના સંગીત વિદ્યાર્થી વૃંદ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી સુંદર સમૂહ પ્રાર્થનાથી થઈ હતી. ત્યારબાદ શાળાના આચાર્યશ્રી જીતુભાઈ ભટ્ટ દ્વારા ઉપસ્થિત તમામ આમંત્રિત મહેમાનોનું શબ્દો અને પુષ્પગુચ્છ વડે હૃદયપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રી નૂતન કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી કનુભાઈ ગેડીયા તથા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મુકુંદભાઈ નાગ્રેચા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થા દ્વારા શ્રી સંજયભાઈ મહેતાનું શ્રીફળ, સાકરનો પડો, શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરીને ભાવભર્યું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત:
નૂતન કેળવણી મંડળ વતી હાજર ટ્રસ્ટીશ્રીઓએ શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.
આશ્રમશાળાના આચાર્ય શ્રી અશોકભાઈએ શાલ ઓઢાડીને બહુમાન કર્યું હતું.
શ્રી કનુભાઈ ગેડીયા સાહેબે શાલ અને સુંદર ગિફ્ટ આપીને સંજયભાઈનું સન્માન કર્યું હતું.
સંજયભાઈના મોટાભાઈ 'ભોલેનાથ' તેમજ તેમના મિત્રવર્તુળ દ્વારા પણ યથોચિત બહુમાન કરવામાં આવ્યું હતું.
સમગ્ર શાળા પરિવારે શ્રી સંજયભાઈ મહેતાને સન્માન પત્ર અને મોમેન્ટો (યાદગાર ભેટ) આપીને બિરદાવ્યા હતા.
શાળાના સંગીત વિદ્યાર્થી વૃંદ દ્વારા સંજયભાઈની ભાવ વંદના કરતું હૃદયસ્પર્શી વિદાય ગીત રજૂ કરવામાં આવ્યું હતું, જેણે સૌને ભાવુક કરી દીધા હતા. શાળાના વિદ્યાર્થીઓ મકવાણા પ્રિન્સ અને પરમાર પૃથ્વીરાજે પોતાના મનોભાવો રજૂ કર્યા હતા, જ્યારે સમગ્ર વિદ્યાર્થી ગણ વતી શાળાના જી.એસ. વૈભવભાઈએ સંજયભાઈ સાહેબના વિદાય પ્રસંગે પોતાનું વક્તવ્ય રજૂ કરી શ્રદ્ધા અને શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમ દરમિયાન આમંત્રિત મહેમાનોમાંથી શ્રી પાંધીસાહેબ, શ્રી નંદલાલભાઈ સાદીયા તેમજ ગર્લ્સ હાઇસ્કુલના આચાર્યશ્રી ઉષાબેન તેરૈયાએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. કે. કે. હાઈસ્કૂલના આચાર્યશ્રી ચેતનભાઇ ગુજરીયાએ પુષ્પગુચ્છ આપી સંજયભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી.
મહિલા કોલેજ સંસ્થા વતી ઉપસ્થિત રહેલા પ્રતિમાબેન શુક્લાએ સંજયભાઈનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું અને પ્રસંગોચિત પ્રવચન આપ્યું હતું. શ્રી નૂતન કેળવણી મંડળના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મુકુંદભાઈ નાગ્રેચાએ સંજયભાઈની દીર્ઘ સેવાઓને બિરદાવતા જણાવ્યું હતું કે એક આદર્શ સંગીતકારમાં જે તમામ ગુણો હોવા જોઈએ તે તેમનામાં છે, અને તેમણે સંજયભાઈના નિવૃત્ત જીવન માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
અનિવાર્ય સંજોગોના કારણે રૂબરૂ હાજર ન રહી શકેલા નૂતન કેળવણી મંડળના પ્રમુખ શ્રી ચંદ્રિકાબેન ઘેલાણી, ટ્રસ્ટીશ્રી જયંતીભાઈ વાટલીયા, શ્રી વિનુભાઈ રાવલ, શ્રી જાબીરભાઈ ચૌહાણ તેમજ મહિલા કોલેજના આચાર્ય શ્રી ચાવડા સાહેબ અને વી. ડી. કાણકીયા કોલેજના આચાર્ય શ્રી રવિયા સાહેબે પોતાના શુભેચ્છા સંદેશાઓ પાઠવ્યા હતા.
કાર્યક્રમના અંત ભાગમાં શ્રી સંજયભાઈ મહેતાએ અત્યંત ભાવુક હૃદયે સંસ્થા સાથેના પોતાના વર્ષોના મધુર સંસ્મરણો વાગોળ્યા હતા અને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર પ્રસંગને સફળ બનાવવા શાળાના સમગ્ર શિક્ષકગણે ઉત્સાહપૂર્વક પોતાની ફરજ નિભાવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સફળ અને રસપ્રદ સંચાલન શાળાના શિક્ષક શ્રી કુણાલભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કાર્યક્રમના અંતે આભાર વિધિ શાળાના આચાર્યશ્રી જીતુભાઈ ભટ્ટે કરી હતી. વિદાય સમારંભના પૂર્ણાવહુતી રૂપે સંજયભાઈ તરફથી શાળાના તમામ વિદ્યાર્થીઓને બટેટા પૌવાનો પૌષ્ટિક નાસ્તો પીરસવામાં આવ્યો હતો.