આપણા ઘરો, શાળાઓ, હોસ્પિટલો, બજારો કે ફેક્ટરીઓને સાફ રાખવા માટે રોજબરોજના જીવનમાં સાવરણી અનિવાર્ય અંગ છે. દિવાળી જેવા મોટા પર્વોમાં જ્યારે ચારેય તરફ સાફ-સફાઈનો માહોલ હોય છે, ત્યારે સાવરણીની માંગ અને જરૂરિયાત વધી જાય છે. પરંતુ, જે પરિવારો દિવસ-રાત મહેનત કરીને આ સાવરણીઓ જાતે બનાવે છે અને તેને ઘરે-ઘરે કે બજારોમાં જઈને વેચે છે, તેમનું પોતાનું જીવન કેટલું સંઘર્ષમય હોય છે, તેની વાસ્તવિકતા ખૂબ જ ભાવુક કરી દે તેવી છે.
સાવરણી માત્ર કચરો સાફ કરવાનું સાધન નથી, પણ તે જીવનનું મોટું સત્ય શીખવે છે. એક-એક સૂકી સળી જ્યારે એકસાથે ભેગી થાય છે, ત્યારે એક મજબૂત સાવરણી બને છે. આ એકતા જ સાચી શક્તિ છે તેવો સંદેશ આપે છે. જેમ સળીઓ છૂટી પડે તો નકામી બની જાય અને તૂટી જાય, તેમ જ જીવનમાં પણ *"અગર બિખરેંગેં તો આપકા વજુદ ખતરેંમેં પડ સકતા હૈ"* એ શીખ આ સાવરણી આપણને આપે છે. મંદિરો હોય કે જાહેર સ્થળો, સ્વચ્છતાનો અનોખો સંદેશ ફેલાવનાર આ સાવરણી સમાજમાં એકતાનું પ્રતીક છે.
સાવરણી બનાવીને વેચતા શ્રમિક પરિવારોનો દિવસ સવારથી જ કઠિન પરિશ્રમ સાથે શરૂ થાય છે. કકડતી ઠંડી હોય કે કાળઝાળ ગરમી, આ કારીગરો કાચો માલ લાવીને એક-એક સળીને ખૂબ જ ઝીણવટપૂર્વક વ્યવસ્થિત ગોઠવે છે અને મજબૂત દોરી કે તારથી બાંધીને સાવરણીનું રૂપ આપે છે. આ કામ દરમિયાન હાથમાં કાંટા વાગવા, ધૂળ અને કચરા વચ્ચે બેસી રહેવું એ તેમની રોજીંદી દિનચર્યા છે.
સાવરણી તૈયાર થઈ ગયા બાદ આ પરિવારો તેને વેચવા માટે માથે ભારા ઉપાડીને કે લારી લઈને શેરીઓમાં ફરે છે અથવા બજારમાં બેસે છે. સાવરણી બનાવવાનો આ વ્યવસાય પેઢી દર પેઢી ચાલી રહ્યો છે. વિક્રમભાઈ નામના એક શ્રમિકે જણાવ્યું કે તેઓ છેલ્લા ૪૦-૫૦ વર્ષથી આ ધંધો કરે છે, પરંતુ આમાં કશું વધતું નથી; માંડ ખાવા-પીવાનું ગુજરાન પૂરું થાય છે. અમરેલી,મહુવા, રાજુલા, ખાંભા, ઢસા, કુંડલા, દેવભૂમિ દ્વારકા અને મીઠાપુર જેવા અનેક ગામો અને શહેરોમાં આ પરિવારો ભટકીને સાવરણી વેચે છે.
ઓરિસ્સા બાજુથી કે શેઠિયાઓ પાસેથી ૭,૦૦૦ રૂપિયા કે તેથી વધુ રકમમાં કાચો માલ (સળીઓ) લાવવામાં આવે છે. આ કાચો માલ ખરીદવા માટે પણ ઘણીવાર શેઠિયાઓ પાસેથી ઉધાર કે વ્યાજે નાણાં લેવા પડે છે. આખો દિવસ અથાક મહેનત કર્યા પછી જ્યારે સાવરણી વેચાય છે, ત્યારે માંડ ૪૦ થી ૫૦ રૂપિયા પ્રતિ સાવરણીનો ભાવ મળે છે. મોંઘવારીના આ સમયમાં આટલી કમાણીથી માત્ર બે ટંકની રોટી અને પરિવારનું ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ બને છે. બાળબચ્ચાઓ સાથે રોડ પર કે રસ્તાની બાજુમાં અસ્થાયી આશરો બનાવીને જીવતા આ શ્રમિકોને નફાનું ધોરણ ખૂબ જ નહિવત મળે છે.
સમાજ અને સરકાર પાસે અપેક્ષા
દિવાળી કે અન્ય તહેવારોમાં જ્યારે આપણે આપણાં ઘર ચમકાવીએ છીએ, ત્યારે આ સાવરણી બનાવનાર અને વેચનાર શ્રમિકોના જીવનમાં અંધકાર દૂર થાય અને ખુશીઓ આવે તેટલું વિચારવું પણ એટલું જ જરૂરી છે. સાવરણી વેચીને પોતાના પરિવારનું ભરણપોષણ કરતા આ શ્રમિકોની મહેનતને આપણું સાચું સન્માન મળવું જોઈએ. સરકાર અને સમાજે પણ આવા શ્રમિક પરિવારોની વેદના સમજીને તેમને આર્થિક સહાય, લોન કે યોગ્ય રોજગારીની તકો પૂરી પાડવી જોઈએ, જેથી આ પરિવારો પણ ગરિમાપૂર્ણ જીવન જીવી શકે.