મુંબઈના નેસ્કો (NESCO) ખાતે ભારત સરકારના કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ વિભાગ તથા FICCIના સંયુક્ત ઉપક્રમે ૧૪મી ‘ઇન્ડિયા કેમ-૨૦૨૬’ આંતરરાષ્ટ્રીય એક્ઝિબિશન અને કોન્ફરન્સનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. "એડવાન્ટેજ ભારત: અન ઇમર્જિંગ ગ્લોબલ કેમિકલ્સ હબ" થીમ હેઠળ આયોજિત આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કેન્દ્રીય કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ તથા આરોગ્ય મંત્રી શ્રી જે. પી. નડ્ડા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ, ઓડિશાના મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝી તથા ગુજરાત વતી આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા ઉપસ્થિત રહ્યા હતા.
આ મહત્ત્વપૂર્ણ મંચ પરથી સંબોધન કરતા રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત એ ભારતના રાસાયણિક ઉદ્યોગનું ગ્રોથ એન્જિન અને કેમિકલ તથા પેટ્રોકેમિકલ ક્ષેત્રની કરોડરજ્જુ છે. ગુજરાતના ઔદ્યોગિક પ્રદાનના આંકડા રજૂ કરતા તેમણે જણાવ્યું કે, ગુજરાત દેશના કુલ રાસાયણિક ઉત્પાદનમાં આશરે ૫૩ ટકા, પેટ્રોકેમિકલ ઉત્પાદનમાં ૬૨ ટકા અને કેમિકલ નિકાસમાં ૪૦ ટકા કરતાં પણ વધુ યોગદાન આપે છે. આ ઐતિહાસિક સિદ્ધિ એ રાજ્યની મજબૂત ઔદ્યોગિક ઇકોસિસ્ટમ, રોકાણ-અનુકૂળ નીતિઓ અને દાયકાઓથી ચાલી આવતા સતત ઔદ્યોગિક વિકાસનું પરિણામ છે.
ગુજરાતમાં દહેજ (PCPIR), ગોલ્ડન કોરિડોર, હજીરા અને જામનગર જેવા દેશના અતિ મહત્ત્વપૂર્ણ રાસાયણિક ક્લસ્ટરો આવેલા છે, જે અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગોને સાંકળતી ઇન્ટીગ્રેટેડ વેલ્યુ ચેઇનનું નિર્માણ કરે છે. આશરે ૪૬૫ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું દહેજ PCPIR ભારતનું સૌથી સફળ PCPIR ગણાય છે, જ્યાં રૂ. ૧.૨ લાખ કરોડથી વધુનું ભવ્ય રોકાણ આકર્ષિત થયું છે. આ સફળતા ગુજરાતની વિશ્વસ્તરીય ઔદ્યોગિક હબ વિકસાવવાની અદ્ભુત ક્ષમતા દર્શાવે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતે કેમિકલ અને પેટ્રોકેમિકલ સેક્ટર માટે જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કર્યું છે, તેની સાથે પર્યાવરણની કાળજી લેવા માટે પણ ખાસ મંત્ર આપવામાં આવ્યો છે. ગુજરાતે માત્ર ઉત્પાદન કે નિકાસ જ નહીં, પરંતુ વેસ્ટ પ્રોડક્ટ્સના યોગ્ય અને ગંભીરતાપૂર્વક નિકાલ માટે દેશમાં શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસ્થા ઊભી કરી છે. ગુજરાત પર્યાવરણના જતન સાથે વૈશ્વિક સ્તરે કેમિકલ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા માટે પૂરી રીતે તત્પર છે, તેમ મંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું.