સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન (GUDC) દ્વારા ચાલતી ભૂગર્ભ ગટર યોજનામાં ગંભીર વિસંગતતા અને બેદરકારી સામે આવી છે. વોર્ડ નં. ૮ ના નગરપાલિકા સભ્ય શ્રીમતી મેઘાબેન હેમાંગભાઈ ગઢિયાએ સ્થળ તપાસ દરમિયાન પર્દાફાશ કર્યો છે કે, કોન્ટ્રાક્ટર દ્વારા શહેરની પીવાના પાણીની મુખ્ય DI (ડક્ટાઈલ આયર્ન) લાઈનને જ ગટરની લાઈન વચ્ચે મિશ્રિત કરી દેવામાં આવી છે.
ટેકનિકલ નિયમો મુજબ પીવાના પાણી અને ગટરની લાઈન વચ્ચે ૧.૫ થી ૨ મીટરનું સુરક્ષિત અંતર જાળવવું ફરજિયાત છે. જોકે, વર્તમાન પરિસ્થિતિમાં ભવિષ્યમાં ગટર લીકેજ થવાના કિસ્સામાં દૂષિત પાણી પીવાના પાણીમાં ભળી જવાની અને શહેરમાં રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ અંગે ચીફ ઓફિસરશ્રીને પાઠવેલા લેખિત પત્રમાં મેઘાબેન ગઢિયાએ નીચે મુજબની માંગણીઓ રજૂ કરી છે: GUDC અને સંબંધિત કોન્ટ્રાક્ટર એજન્સીનું પેમેન્ટ તાત્કાલિક અસરથી રોકી દેવામાં આવે. કાળજી વગર કામગીરી મંજૂર કરનાર અને સ્થળ તપાસ ન કરનાર જવાબદાર એન્જિનિયર સામે સસ્પેન્શન સહિતના શિક્ષાત્મક પગલાં લેવાય. ૭ દિવસની મર્યાદામાં પાણીની લાઈનને ગટરની લાઈનથી અલગ કરી ટેકનિકલ માપદંડો મુજબ નવેસરથી નાખવામાં આવે.
આગામી ૭ દિવસમાં યોગ્ય ઉકેલ ન લાવવામાં આવે તો સમગ્ર મામલે અમરેલી જિલ્લા કલેક્ટર અને ગાંધીનગર GUDC બોર્ડ સમક્ષ ઉચ્ચ સ્તરીય રજૂઆત કરવાની ચીમકી આપવામાં આવી છે.

















Recent Comments