અમરેલી

પોલીસ અધિક્ષક સંજય ખરાતના અધ્યક્ષસ્થાને કુંકાવાવ તાલુકામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો

 કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ અંતર્ગત અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના રામપર, તોરી તથા નાજાપુર ખાતે પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાતના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. પોલીસ અધિક્ષકશ્રીએ રામપર પ્રાથમિક શાળા, તોરી-પે સેન્ટર પ્રાથમિક શાળા તથા શ્રી આદર્શ માધ્યમિક શાળા-તોરી તેમજ નાજાપુર પ્રાથમિક શાળા અને શ્રીમતી એમ.ડી. મેઘાણી હાઈસ્કૂલ-નાજાપુર ખાતે આંગણવાડી, બાલવાટિકા તથા ધોરણ-૧ અને ધોરણ-૯ના વિદ્યાર્થીઓને શાળાપ્રવેશ અપાવી તેમની જ્ઞાનયાત્રાનો શુભ પ્રારંભ કરાવ્યો હતો.

રામપર પ્રાથમિક શાળામાં આંગણવાડી અને બાલવાટિકાના કુલ ૨૦ બાળકોને પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. તોરી પે સેન્ટર પ્રાથમિક શાળા તથા શ્રી આદર્શ માધ્યમિક શાળા-તોરી ખાતે આંગણવાડીના ૨૦, બાલવાટિકાના ૨૧, ધોરણ-૧ના ૦૨ તેમજ ધોરણ-૯ના ૪૯ વિદ્યાર્થીઓ સહિત કુલ ૯૨ વિદ્યાર્થીઓને શાળાપ્રવેશ અપાવવામાં આવ્યો હતો.

નાજાપુર પ્રાથમિક શાળા અને શ્રીમતી એમ.ડી.મેઘાણી હાઈસ્કૂલ-નાજાપુર ખાતે આંગણવાડીના ૦૫, બાલવાટિકાના ૦૫ તથા ધોરણ-૯ના ૨૪ વિદ્યાર્થીઓ સહિત કુલ ૩૪ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવી આવકારવામાં આવ્યા હતા. આમ, ત્રણેય સ્થળોએ કુલ ૧૪૬ વિદ્યાર્થીઓને શાળાપ્રવેશ અપાવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાતે નવપ્રવેશિત વિદ્યાર્થીઓને આવકારી જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જીવનમાં શિક્ષણનું મહત્ત્વ સમજાવી શિક્ષણના બદલાતા પ્રવાહો સાથે કદમ મિલાવી આગળ વધવા વિદ્યાર્થીઓને હાકલ કરી હતી.

પોલીસ અધિક્ષકશ્રીએ શિક્ષકોની સાથે વાલીઓ અને સમાજને પણ શિક્ષણ પ્રત્યે જાગૃત બનવા તેમજ બાળકોના શિક્ષણ પ્રત્યે સજાગ રહેવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, બાળકના સર્વાંગી વિકાસ માટે શાળા, પરિવાર અને સમાજનો સંયુક્ત સહયોગ આવશ્યક છે.

કાર્યક્રમ દરમિયાન દરેક શાળા ખાતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. ઉપરાંત, માર્ગ સલામતી અંતર્ગત વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ તથા ગ્રામજનોને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા જાગૃત કરવામાં આવ્યા હતા અને સૌએ માર્ગ સલામતીનો સંકલ્પ લીધો હતો.

Related Posts