આજરોજ અમરેલી સ્થિત બી.એ.પી.એસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે જિલ્લા માહિતી કચેરી, અમરેલીના કર્મયોગી શ્રી ભૂપતભાઈ પાથર અને શ્રી મનસુખભાઈ રાઠોડના વયનિવૃત્તિ સમારોહ નિમિત્તે કાયદો અને ન્યાય, ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં લાગણીસભર વિદાયમાન સમારોહ યોજાયો હતો. પાથર પરિવાર અને રાઠોડ પરિવાર દ્વારા આયોજિત આ સમારોહમાં બી.એ.પી.એસ શ્રી સ્વામિનારાયણ મંદિર,મહુવાના પૂજારી પૂ. સંતશ્રી ગુણાતીત જીવન સ્વામીજી, અમરેલી બી.એ.પી.એસ શ્રી સ્વામિનારાયણ મંદિર કોઠારી સંતશ્રી સાધુચરિતદાસ સ્વામીજી અને સાંસદશ્રી ભરતભાઈ સુતરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, માહિતી ખાતામાં વિવિધ જિલ્લાઓ ખાતે શ્રી ભૂપતભાઈ પાથરે ફિલ્મ ઓપરેટર તરીકે સતત ૩૪ વર્ષ સુધી પોતાની સેવાઓ આપી હતી, જ્યારે શ્રી મનસુખભાઈ રાઠોડે સેવક તરીકે ૩૩ વર્ષ સુધી નિષ્ઠા અને પ્રામાણિકતા સાથે પોતાની ફરજો નિભાવી હતી. બંને કર્મયોગીઓની ઉજ્જવળ સેવાયાત્રાને બિરદાવતા સૌએ તેમના કાર્ય પ્રત્યેના સમર્પણને યાદ કર્યું હતું.
આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, માહિતી વિભાગના કર્મચારીઓને મેં ખૂબ નજીકથી કામગીરી કરતાં જોયા છે, છેલ્લા ૪ વર્ષથી હું પણ તેનો સાક્ષી રહ્યો છુ. વહેલી સવાર હોય કે મોડી રાત્રિ, કોઈપણ સરકારી કાર્યક્રમમાં માહિતી વિભાગની ટીમ પોતાની ફરજ ક્યારેય ચૂકતી નથી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરકારી કર્મચારીઓ માટે ‘કર્મયોગી’ જેવો ગૌરવપૂર્ણ શબ્દપ્રયોગ કર્યો છે. શ્રી ભૂપતભાઈ પાથર તથા શ્રી મનસુખભાઈ રાઠોડે પોતાની નિષ્ઠા, પ્રામાણિકતા અને સમર્પિત સેવાથી આ શબ્દની ગરિમા જાળવી રાખી છે. તેમણે જણાવ્યું કે, “નિવૃત્તિ કાર્યનો અંત નહીં, પરંતુ જીવનની નવી અને સુંદર શરૂઆત છે.” મંત્રીશ્રીએ બંને કર્મયોગીઓને ઉજ્જવળ, સ્વસ્થ અને સુખમય નિવૃત્ત જીવન માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયાએ જણાવ્યું હતું કે, માહિતી વિભાગ સરકાર અને જનતા વચ્ચે સેતુરૂપે કાર્ય કરે છે. આપત્તિની પરિસ્થિતિ હોય કે સરકારની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોની માહિતી જનજન સુધી પહોંચાડવાની જવાબદારી હોય, માહિતી ખાતું સતત કાર્યરત રહે છે. તેમણે બંને કર્મયોગીઓની દીર્ઘ અને સમર્પિત સેવાઓને બિરદાવી વયનિવૃત્તિ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.
રાજકોટ અને જૂનાગઢ પ્રાદેશિક કચેરીના સંયુક્ત માહિતી નિયામક શ્રી મિતેષ મોડાસિયાએ બંને કર્મયોગીઓની કામગીરીને બિરદાવતાં જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમો દરમિયાન માહિતી વિભાગ અત્યંત જવાબદારીપૂર્વક કામગીરી કરે છે. મોટા કાર્યક્રમોમાં શ્રી ભૂપતભાઈ પાથરને જ્યારે પણ જવાબદારી સોંપવામાં આવતી ત્યારે તેઓ ઉત્સાહપૂર્વક કામગીરી સંભાળી લેતા અને કોઈપણ પડકારજનક પરિસ્થિતિમાં પોતાના અનુભવના આધારે યોગ્ય માર્ગ કાઢીને સફળતાપૂર્વક કામગીરી પૂર્ણ કરતા. તેમણે બંને કર્મયોગીઓને વયનિવૃત્તિ બદલ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
વિદાય સમારોહ દરમિયાન પૂર્વ સંયુક્ત માહિતી નિયામક શ્રી નટુભાઈ પરમાર, રાજકોટ માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક શ્રી પ્રશાંત ત્રિવેદી, પૂર્વ નાયબ માહિતી નિયામક શ્રી નિરાલા જોષી તથા પૂર્વ સહાયક માહિતી નિયામક શ્રી જગદીશભાઈ સત્યદેવે પણ શ્રી ભૂપતભાઈ પાથર સાથેની કામગીરીના સંસ્મરણો વાગોળ્યાં હતા. તેમણે બંને કર્મયોગીઓની નિષ્ઠા, સમયપાલન, કાર્યકુશળતા અને સહકારની ભાવનાને બિરદાવી નિવૃત્ત જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે લાંબા સમય સુધી નિષ્ઠા, પ્રામાણિકતા અને સમર્પણના ભાવથી સરકારી સેવા આપનાર બંને કર્મયોગીઓને મહાનુભાવો, સહકર્મીઓ,પત્રકારશ્રીઓ તથા સ્વજનો દ્વારા શાલ અર્પણ કરીને તેમનું બહુમાન કરવામાં આવ્યું હતુ, સાથે વયનિવૃત્તિની શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી.
આ વિદાયમાન કાર્યક્રમમાં પ્રાસંગિક શાબ્દિક સ્વાગત-ઉદ્ભોધન જિલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશ શ્રી જય મિશ્રાએ કર્યું હતુ. માહિતી મદદનીશ શ્રી ધર્મેશ વાળાએ વયનિવૃત્ત થતાં કર્મયોગીશ્રી ભૂપતભાઈ પાથર અને શ્રી મનસુખભાઈ રાઠોડ સાથેની સહકર્મી તરીકેની કામગીરીના અનુભવો જણાવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અમરેલી જિલ્લા માહિતી કચેરીના પૂર્વ કર્મયોગીશ્રી મુકેશભાઈ ભટ્ટે કર્યું હતુ. જ્યારે અમરેલી જિલ્લા માહિતી કચેરીના સિનિયર સબ એડિટરશ્રી રોહિતભાઈ ઉસદડે આભારવિધિ કરી હતી.
સરકારી સેવામાંથી વયનિવૃત્તિ-વિદાયમાન સમારોહમાં સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ તથા અમરેલી તાલુકા પંચાયતના વર્તમાન સભ્ય શ્રી સુરેશભાઈ પાથર, જાળીયા ગામના અગ્રણી શ્રી પ્રાગજીભાઈ હિરપરા, નગરપાલિકાના સભ્યશ્રી અજાણી, રાજકોટ અને જૂનાગઢ પ્રાદેશિક કચેરીના સંયુક્ત માહિતી નિયામક શ્રી મિતેષ મોડાસિયા, પૂર્વ સંયુક્ત માહિતી નિયામક શ્રી નટુભાઈ પરમાર, રાજકોટ માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક શ્રી પ્રશાંત ત્રિવેદી, પૂર્વ નાયબ માહિતી નિયામક શ્રી નિરાલા જોષી, પૂર્વ સહાયક માહિતી નિયામક શ્રી જગદીશભાઈ સત્યદેવ, ‘અવધ ટાઇમ્સ’ અમરેલીના તંત્રી શ્રી ભરતભાઈ ચૌહાણ, અમરેલી જિલ્લાના ઇલેક્ટ્રોનિક તથા પ્રિન્ટ મીડિયાના પત્રકારમિત્રો, બંને વયનિવૃત્ત થતાં કર્મયોગીઓના (પાથર પરિવાર, રાઠોડ પરિવાર) સ્નેહીજનો, માહિતી વિભાગના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ તથા શુભેચ્છકગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન બંને કર્મયોગીઓની સેવાઓ પ્રત્યે સૌએ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી અને લાગણીસભર વાતાવરણ વચ્ચે તેમને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.

















Recent Comments