પ્રારંભે ભલે રહી નિરસતા,
પણ અંતે જુવાળ આવ્યો છે,
બંધ પેટીમાં હવે કોનો,
વિજયનો ગુલાલ આવ્યો છે?
કોઈનો ગઢ તૂટશે કાં વળી,
કોઈનો પરચમ લહેરાશે,
જનતાના એ ન્યાયનો આજે,
કેવો કમાલ આવ્યો છે!
–“પાંધી સર”
સાવરકુંડલા નગરપાલિકાની ૩૬ બેઠકો માટે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં શહેરની જનતાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દિવસના અંતે કુલ ૬૦.૫૩% મતદાન નોંધાયું હતું, જે રાજકીય વિશ્લેષકોના અંદાજ કરતાં પણ વધારે રહ્યું છે. સવારના પ્રથમ ચાર કલાકમાં મતદાન પ્રક્રિયા અત્યંત ધીમી રહી હતી. જોકે, બપોરે ૪ થી ૬
ના અંતિમ કલાકોમાં મતદારોની ભારે ભીડ જોવા મળી હતી.
ભાજપનો ગઢ ગણાતા વોર્ડ નંબર ૪ માં સૌથી ઓછું (૫૩.૮૩%) મતદાન થયું હતું, જ્યારે કોંગ્રેસનો ગઢ ગણાતા વોર્ડ નંબર ૭ માં સૌથી વધુ (૬૯.૪૪%) મતદાન નોંધાયું હતું. જો કે મેદાનમાં આમ આદમી પાર્ટી પણ હતી, પરંતુ મુખ્ય ટક્કર તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોવા મળી રહી છે. મારૂતિનગરમાં એક ૭૦ વર્ષીય વૃદ્ધાને સન સ્ટ્રોક લાગતા તેઓ ઢળી પડ્યા હતા, પરંતુ પોલીસ કર્મચારીની સમયસૂચકતા અને પ્રાથમિક સારવારથી તેઓ સ્વસ્થ થયા હતા.
બે બૂથ પર ટેકનિકલ ખામીને કારણે ઈવીએમ (EVM) બદલવામાં આવ્યા હતા. આવતીકાલે પાલિકા કચેરીના સેન્ટ્રલ હોલમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. એટલે આવતીકાલે દુધનું દૂધ અને પાણીનું પાણી.. કોણ હશે એ સદનસીબ જેનું કિસ્મત જાશે જાણી.
બાકી આ નાવલીની તાસીર એવી છે જે ભલ ભલાને જાય તાણી
કોના ગઢના કાંગરા ખરશે અને કોણ લીલા તોરણે પાછા ફરશે એ જાણવા માટે હવે આવતીકાલનો ઈંતેજાર કરો એટલે બધુ ચોખ્ખું ચટ અને સીધું સટ.


















Recent Comments