ગુજરાત લોકભવન ખાતે આયોજિત ઐતિહાસિક શ્રીરામકથાના બીજા દિવસે સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે શ્રીરામના જન્મોત્સવ, બાળપણ અને સંસ્કારોની મહિમાનું અત્યંત ભાવવાહી વર્ણન કર્યું હતું.
આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે, રાજા દશરથ દ્વારા કરવામાં આવેલ પુત્રેષ્ઠિ યજ્ઞ ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞ પરંપરાના મહત્વને દર્શાવે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, જન્મથી તો દરેક મનુષ્ય માત્ર જીવ છે, પરંતુ સંસ્કારો દ્વારા જ તે દ્વિજ બને છે. શ્રીરામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નને મળેલ સંસ્કારોમાંથી આપણે શીખવું જોઈએ કે સંતાનોના જીવનમાં સંસ્કારોનું સિંચન કરવું એ માતા-પિતાની પ્રાથમિક જવાબદારી છે. સંસ્કારોનું સિંચન જ માનવને સાચો મનુષ્ય અને સમાજનો આધાર બનાવે છે.
કથા દરમિયાન તેમણે શ્રીરામ અને મુનિ વિશ્વામિત્રના પ્રસંગ દ્વારા સનાતન સંસ્કૃતિના રક્ષણની વાત કરી હતી. તેમણે કહ્યું કે, શ્રીકૃષ્ણ, ચાણક્ય, ગુરુ ગોવિંદસિંહ અને મહર્ષિ દયાનંદ સરસ્વતી જેવા સંતોએ સનાતન સંસ્કૃતિની રક્ષા માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કર્યું છે.
કથાના અંતે, આચાર્યશ્રીના પરિવારજનો દ્વારા પ્રસ્તુત કરાયેલા દેશભક્તિના ગીતો અને ભક્તિમય ભજનોથી સમગ્ર લોકભવન ગુંજી ઉઠ્યું હતું.
આ કાર્યક્રમની શરૂઆતમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ધર્મપત્ની શ્રીમતી હેતલબેન પટેલ તથા ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ દીપ પ્રાગટય તથા આચાર્ય શ્રી કુલદીપજી મહારાજનું ફુલહાર દ્વારા સન્માન કર્યું હતું.
આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને મોટી સંખ્યામાં પધારેલા નગરજનોએ શ્રીરામકથાનું રસપાન કર્યું હતું.















Recent Comments