અમરેલી

તાતણીયા ગીરના ‘જીવતા ગાંધી’ બાલુબાપા ગઢીયાનો પુસ્તક સેવા યજ્ઞ: સંસ્મરણોની પાંખે આદર્શ જીવનની ઝાંખી.

તાતણીયા ગીરના ‘જીવતા ગાંધી’ તરીકે ઓળખાતા પરમ આદરણીય બાલુબાપા ગઢીયાના આદર્શ જીવન અને તેમના પુસ્તક પ્રેમ વિશેના સંસ્મરણો આજે પણ સમાજ માટે એક પ્રેરણાસ્ત્રોત સમાન છે. મહાત્મા ગાંધીજીના આદર્શોને પોતાના જીવનમાં સાક્ષાત ઉતારનાર બાલુબાપાએ હંમેશાં સમાજના છેવાડાના માનવી સુધી સેવા પહોંચાડવાના *જોન રસ્કિનના ‘અન ટુ ધી લાસ્ટ’ (સર્વોદય) ના સિદ્ધાંતને ચરિતાર્થ કર્યો હતો.*

​જેમ કાલમાર્ક્સના *‘દાસ કેપિટલ’ પુસ્તકે દુનિયાને સામ્યવાદી વિચારધારા આપી અને મહાત્મા ગાંધીને પણ પુસ્તકના માધ્યમથી જ નવું દર્શન મળ્યું,* તેમ પુસ્તકોમાં સત્તા પલટાવવાની અને માનવ નિર્માણની અદ્ભુત તાકાત રહેલી છે. આજના ઇન્ટરનેટ અને મોબાઈલના ઝડપી યુગમાં માહિતી પળવારમાં મળી જાય છે, પરંતુ સાચી ‘સમજ’ તો માત્ર પુસ્તકો જ આપી શકે છે. પહેલાના સમયમાં ઘરોમાં રહેલી પુસ્તકોની આલમારી એ પરિવારની સાચી બૌદ્ધિક સંપત્તિ ગણાતી. બાલુબાપા માનતા કે, પુસ્તકો માત્ર જ્ઞાન નથી આપતા, પરંતુ વ્યક્તિત્વનું નિર્માણ, વિચારોનો વિકાસ અને સંવેદનાઓનો વિસ્તાર કરે છે.

​‘જ્ઞાન વહેંચવાથી વધે’ – લોકસેવાનો અનોખો પ્રધાનમંત્ર

બાલુબાપા ગઢીયાનું જીવન ‘સાદું જીવન અને ઉચ્ચ વિચારો’નું ઉત્કૃષ્ટ ઉદાહરણ હતું. વાંચનના ગજબના શોખીન એવા બાલુબાપા કહેતા કે, “જ્ઞાન વહેંચવાથી વધે, તમે જેટલું આપશો એટલી તમારા જ્ઞાનમાં વૃદ્ધિ થશે.” તેઓ લોકોને માત્ર વાંચવા પ્રેરિત નહોતા કરતા, પરંતુ જનકલ્યાણ અને ધાર્મિક સામયિકોના લવાજમ જાતે ભરાવતા. કોઈ પણ જાતની મોટાઈ રાખ્યા વિના, તેઓ જાતે ગ્રાહકોના ઘરે જઈને પુસ્તકો અને સામયિકો પહોંચાડતા હતા. આ પુસ્તક સેવા યજ્ઞમાં તેમના *”સુપુત્ર બટુકભાઈ પણ ખભેખભા મિલાવીને મદદ કરતા હતા. તેઓ દ્રઢપણે માનતા કે “પુસ્તકો વગરનું ઘર સ્મશાન સમાન છે” અને શરીર માટે જેમ પૌષ્ટિક આહાર જરૂરી છે, તેમ માનસિક સ્વાસ્થ્ય અને દિલ-દિમાગની એકાગ્રતા માટે વાંચન અનિવાર્ય છે.* 

બાલુબાપા સાથે વિહાર કરવાના સંસ્મરણો હજુ પણ તાજા છે  સાંજની સહેલગાહ દરમિયાન ચાલતા ચાલતા પુસ્તકો અને જીવનના આદર્શોની ગહન ચર્ચાઓ થતી. આ વિહારમાં તેમના સાથી મિત્ર વાલજીબાપા વાઢેર પણ સાથે જોડાતા. તાતણીયા-ઉમરીયા રોડ પાસે આવેલી માતાજીની દેરીએ બેસીને જામતી એ જ્ઞાનગોષ્ઠી યાદગાર બની રહેતી. બાલુબાપા ચાલવાનું મહત્વ સમજાવતા કહેતા કે, ચાલવું એ તમામ દર્દોની શ્રેષ્ઠ ઔષધિ છે અને તંદુરસ્તીની ચાવી છે.

​કોઈપણ પ્રસંગને અનુરૂપ દાખલા-દ્રષ્ટાંતો આપીને સમજાવવાની તેમની શૈલી અજોડ હતી. ચાલતા ચાલતા જ્યારે ‘જગા માધુની લાતી’ આવી પહોંચતી, ત્યારે ત્યાં જાણે એક મોટો દરબાર ભરાતો અને ચારેય તરફ આનંદનું વાતાવરણ છવાઈ જતું. આ બેઠકોમાં ક્યારેક *જિલ્લા પોલીસ અધિકારી આર. ડી. ઝાલા સાહેબનું સાનિધ્ય પણ સૌને પ્રાપ્ત થતું,* અને તેમને સાંભળવા એ એક લહાવો બની રહેતો.

શિયાળાની કડકડતી ઠંડીમાં તાપણાની આસપાસ ચા-પાણીની લિજ્જત માણતા માણતા બાલુબાપાનું સાનિધ્ય સૌને પ્રિય લાગતું. તેમનું વ્યક્તિત્વ પારસમણી જેવું હતું, જેના સ્પર્શ માત્રથી જેમ લોખંડ સોનું બની જાય તેમ બાલુબાપાના સંપર્કમાં આવનાર પ્રત્યેક વ્યક્તિ વિચારોથી નવપલ્લવિત અને ઉર્જાવાન બની જતી. ગીરના આ જીવતા ગાંધી આજે પણ સૌના હૃદયમાં પ્રેરણાના સ્ત્રોત તરીકે જીવંત છે. પુસ્તક પ્રેમીઓ આજે પણ તેમના આ સૂત્રને નમન કરે છે: “पुस्तक सदा सहायते।”

​અહેવાલના અંતે તેમના દોહિત્ર બિપીનભાઈ પાંધી ‘પાંધી સર’ પોતાની કલમથી બાલુબાપાના આ જ્ઞાન યજ્ઞને અંજલિ આપતા લખે છે કે:

​કર્યા ખેડાણ વાંચનના, 

કર્યા જનજન અહી સમૃદ્ધ,

હતી જે જ્ઞાનની પ્યાસ, 

એનાથી વટેમાર્ગુ થયા પ્રબુદ્ધ.

Related Posts