ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખાપટ ગામની પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થી પાસે દારૂ મંગાવવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવતા શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈ સંબંધિત શિક્ષકને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાનો આદેશ આપતાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ બાબતે ખાપટ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા શિક્ષક સામે કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા આજે ઉના પોલીસ દ્વારા તેની ધરપકડ પણ કરવામાં આવી છે.
શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ આ બાબતે કડક વલણ અપનાવતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના ભવિષ્ય અને ચારિત્ર્યના ઘડતર માટે જેમના શિરે જવાબદારી છે, તેવા શિક્ષક તરફથી આ પ્રકારનું શરમજનક ગેરવર્તન કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. રાજ્ય સરકાર વિદ્યાર્થીઓના હિત અને શૈક્ષણિક સંસ્થાઓની શિસ્ત સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કે બેદરકારી સહન નહીં કરે. ધોરણ ૬ થી ૮માં ફરજ બજાવતા શિક્ષક હરેશગીરી ગુલાબગીરી ગોસ્વામી સામે તપાસ માટે ગીરસોમનાથના નાયબ જિલ્લા વિકાસ અધિકારી, વેરાવળના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ગીરગઢડાના તાલુકા વિકાસ અધિકારીશ્રીની સંયુક્ત તપાસ ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરાયા બાદ આગળની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.
શિક્ષણ મંત્રી ડૉ. વાજાએ આ બાબતે ગીર સોમનાથ જિલ્લા પોલીસવડા સાથે સીધી વાત કરીને સમગ્ર ઘટનામાં પોલીસ તંત્રને કડક કાયદેસરની કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી છે.














Recent Comments