અમરેલી

સાવરકુંડલામાં તંત્રની ઘોર નિદ્રા: નાવલી પોલીસ ચોકીથી જૂના બસ સ્ટેશનનો નવો રોડ તૈયાર, છતાં જાહેરનામું પૂરું થવા છતાં રસ્તો કેમ બંધ?

​સરસ રસ્તો બનીને રાહ જોતો                          ઊભો છે અહિયાં,

છતાં તંત્ર જાગે ક્યાં, એ તો                      

ઊંઘે છે ઘસઘસાટ અહિયાં.

​મુદત પણ વહી ગઈ ને કામ પણ                  પૂર્ણ થયું તોયે,

જનતા હેરાન થાય ને બંધ                     

રાખ્યો છે માર્ગ અહિયાં.

​–“પાંધી સર”

સ્થાનિક વહીવટી તંત્રની બેદરકારી અને આળસનો ભોગ ફરી એકવાર સાવરકુંડલાની જનતા બની રહી છે. નાવલી પોલીસ ચોકીથી લઈને જૂના બસ સ્ટેશન અને રૂરલ બસ સ્ટેશન સુધીનો નવો રોડ બનાવવાનું કામ સંપૂર્ણપણે પૂરું થઈ ગયું છે. એટલું જ નહીં, આ રસ્તાના બાંધકામ માટે બહાર પાડવામાં આવેલા જાહેરનામાની મુદત પણ ક્યારનીય વીતી ચૂકી છે. આમ છતાં, આ નવો બનેલો રસ્તો હજુ સુધી સામાન્ય જનતાના વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો નથી.

​રસ્તો બંધ હોવાને કારણે આ મુખ્ય માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ, વાહનચાલકો અને આસપાસના સ્થાનિક વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ધંધા-રોજગાર પર માઠી અસર પડી રહી છે અને વૈકલ્પિક રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ વધ્યું છે.

નવો નકોર રોડ નજર સામે હોવા છતાં તેનો ઉપયોગ ન કરી શકવાને કારણે નગરજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકમુખે ચર્ચા છે કે તંત્ર કઈ બાબતની રાહ જોઈને બેઠું છે? જાહેરનામાની તારીખ વીતી ગઈ હોવા છતાં રસ્તો ન ખોલવો એ તંત્રની ઘોર નિદ્રા અને જનતા પ્રત્યેની ઉદાસીનતા દર્શાવે છે. સ્થાનિકોની માગ છે કે કોઈ પણ જાતના વિલંબ વગર આ રસ્તો તાત્કાલિક ખુલ્લો કરવામાં આવે.

Related Posts