આજના આધુનિક યુગમાં જ્યાં પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ વધી રહ્યો છે, ત્યારે ‘જય જનની વાત્સલ્ય હોસ્ટેલ’ દ્વારા નવી પેઢીને ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસાથી પરિચિત કરાવવા માટે એક પ્રશંસનીય અને અનોખી પહેલ કરવામાં આવી છે. હોસ્ટેલ ખાતે સાચી અને વૈદિક ગુરુકુળ પરંપરાઓની શરૂઆત કરવામાં આવી છે, જેથી બાળકો ભણતરની સાથે-સાથે ઉચ્ચ જીવન મૂલ્યો પણ શીખી શકે.
ગુરુકુળ પદ્ધતિના ભાગરૂપે હોસ્ટેલમાં રહેતા તમામ બાળકો દૈનિક દિનચર્યાની શરૂઆત પવિત્ર અને ઉર્જાવાન વાતાવરણમાં કરે છે. અહીં બાળકો દ્વારા નિયમિતપણે ‘સૂર્ય અર્ધ્ય’ અને તુલસી અર્ધ્ય’ અર્પણ કરવામાં આવે છે. સવારે ઉગતા સૂર્ય નારાયણને જળ ચડાવીને (સૂર્ય અર્ધ્ય આપીને) મંત્રોચ્ચાર સાથે પૂજન અર્ચન કરવામાં આવે છે, જે બાળકોમાં તેજ, એકાગ્રતા અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. આ સાથે જ પવિત્ર તુલસીજીને અર્ધ્ય આપી પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું શીખવવામાં આવે છે.
સંસ્થાના સંચાલકશ્રીએ જણાવ્યું હતું કે: “અમારો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર પુસ્તકીય જ્ઞાન આપવાનો નથી, પરંતુ બાળકોમાં ભારતીય સંસ્કૃતિના મૂળભૂત મૂલ્યો, સંસ્કાર, અને નૈતિકતાનું સિંચન કરવાનો છે. સાચી ગુરુકુળ પરંપરા જ શ્રેષ્ઠ નાગરિકોનું નિર્માણ કરી શકે છે.”
‘જય જનની વાત્સલ્ય હોસ્ટેલ’નું આ દિવ્ય વાતાવરણ અને સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓ જોઈને વાલીઓ પણ અત્યંત હર્ષ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. આ ભગીરથ કાર્ય બદલ સમગ્ર પંથકમાં હોસ્ટેલ મેનેજમેન્ટ અને સંસ્કાર આપનાર આચાર્યોની સરાહના થઈ રહી છે.
















Recent Comments