પાંચાળની પવિત્ર અને પુણ્યભૂમિ પર અનેક મહાન સંતો-મહંતો થઈ ગયા, જેમાં ‘પાંચાળના પીર’ તરીકે પૂજાતા સંત શિરોમણી પરમ પૂજ્ય હકાબાપાનું સ્થાન અદ્વિતીય છે. હાલ સાવરકુંડલાથી લગભગ ૩૫ કિલોમીટર દૂર ખાંભા-ઉના હાઇવે માર્ગ પર આવેલ બાપાના ડુંગરે પ્રકૃતિના સાનિધ્યમાં એક દિવ્ય ધામ આકાર લઈ રહ્યું છે. અહીં પ્રાકૃતિક કૃષિના સંવર્ધન સાથે ગૌશાળા, મૂંગા પશુ-પક્ષીઓ જેવા કે કબૂતર, મોર, ચકલા, સસલા, તેતર, હરણ અને ગાયોના જતન માટે અનેક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે. યુવા પેઢી કાઠિયાવાડી સંસ્કૃતિ, પરંપરા અને “ધર્મ સાથે કર્મ”નો મહિમા સમજે તેવા ઉદ્દેશ્યથી અહીં પ્રકૃતિ અને આધ્યાત્મિકતાનો સમન્વય સાધવામાં આવી રહ્યો છે.
હકાબાપાનો જન્મ વિક્રમ સંવત ૧૮૮૪ (ઇ.સ. ૧૮૨૮)ના રોજ પોષ વદ ૧૧ (ષટતિલા એકાદશી)ના દિવસે મોરબીના ટંકારા પાસે આવેલ ગામમાં વણિક કુટુંબમાં થયો હતો. નાની વયે માતા-પિતાનું છત્ર ગુમાવ્યા બાદ તેમણે મોલડી અને ઝીંઝુડા ગામમાં આશ્રય લીધો હતો. ઝીંઝુડામાં તેમણે સંભાળેલી નાની દુકાન આજે પણ ‘હકમલની હાટડી’ તરીકે શ્રદ્ધાળુઓમાં પૂજાય છે. ૧૭-૧૮ વર્ષની વયે ઠાંગનાથ મહાદેવનો સાક્ષાત્કાર થતાં તેમણે મહાદેવજી પાસેથી ગુરુ ઉપદેશ ધારણ કર્યો હતો.
પોતાનું સમગ્ર જીવન લોકસેવા અને શિવ આરાધનામાં સમર્પિત કરનારા હકાબાપાને ‘હકડાપીર’નું બિરુદ મળ્યું. તેમણે ગેબીનાથ બાપુ, વિસામણ બાપુ અને ભાણબાપુ જેવા અનેક સિદ્ધ સંતો સાથે સત્સંગ કર્યો હતો અને ભક્તો તેમને નરસિંહ અવતાર તરીકે પૂજે છે. વિક્રમ સંવત ૧૯૮૨ (ઇ.સ. ૧૯૨૬)માં તેમણે સમાધિ લીધી હતી. આ દિવ્ય ગુરુપરંપરામાં ખડવાવડીના બીજલબાપા, વિંછીયાના સંત શ્રી આત્માનંદ મહારાજ અને હાલ તેમના સુપુત્રી પૂજ્ય સરસ્વતી બેન દ્વારા ભક્તિ અને લોકકલ્યાણની આ ધારા નિરંતર વહી રહી છે. આપ પણ જો કાઠિયાવાડી સંસ્કૃતિ અને ધાર્મિક અસ્મિતાની સોડમ મેળવવા માંગતા હો તો દિવ ઉના કે સોમનાથ જતા વખતે વાયા ખાંભા થઈને આ બાપાના ડુંગરાની મુલાકાત લઈને પ્રકૃતિ સાથે અધ્યાત્મની મહેંક પ્રાપ્ત કરી શકો છો. ખાંભાથી સાત કિલોમીટર અને સાવરકુંડલાની અંદાજે પાંત્રીસ કિલોમીટર દૂર છે
આ મેટરની માહિતી મેળવવામાં સહયોગ આપનાર અમારા પરમ મિત્ર હિંમતભાઈ મહેતા પણ હાલ રાજકોટ ખાતે શિવમ સત્સંગ મંડળ ગૃપ ખૂબ ઉમંગ ઉત્સાહ અને સેવાકીય ભાવથી ચલાવી રહ્યા છે.
–અહેવાલ બિપીનભાઈ પાંધી સાવરકુંડલા















Recent Comments