માનવસેવાના ઉત્કૃષ્ટ ઉદાહરણરૂપ કામગીરી કરતા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, સાવરકુંડલા તાલુકા બ્રાંચ દ્વારા માનવતાની એક અનોખી મિસાલ કાયમ કરવામાં આવી છે. સંસ્થાના પ્રતિનિધિ મેહુલભાઈ વ્યાસના અથાક અને એકનિષ્ઠ પ્રયાસોથી સાવરકુંડળા વિસ્તારમાં ૭૦૦મું નેત્રદાન સફળતાપૂર્વક સંપન્ન થયું છે.
હાલમાં જ સાવરકુંડળાના નિવાસી અને શ્રી એ. ડી. રૂપારેલના લઘુબંધુ શ્રી ગિરીશકુમાર ધીરજલાલ રૂપારેલના દિવંગત આત્માના શ્રેયાર્થે તેમના પરિવારજનો દ્વારા નેત્રદાન કરવાનો સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ચક્ષુદાન દ્વારા બે નિરાધાર દ્રષ્ટિહીન વ્યક્તિઓના જીવનમાં પુનઃ રોશનીનો ઉજાસ પથરાશે. રેડક્રોસ પરિવાર અને સમગ્ર સાવરકુંડલા સમુદાયે ચક્ષુદાતા શ્રી ગિરીશકુમાર રૂપારેલ અને તેમના પરિવારની આ ઉદાત્ત ભાવનાને વંદન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડળા શાખાના મેહુલભાઈ વ્યાસ દ્વારા સતત લોકસંપર્ક અને જાગૃતિ અભિયાન થકી એકલે હાથે ૭૦૦ જેટલાં નેત્રદાન કરાવીને અંધકારમય જીવન જીવતા અનેક લોકોને નવી દ્રષ્ટિ આપવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે.
સાવરકુંડલાના નગરજનો, વિવિધ સામાજિક સંસ્થાઓ અને અગ્રણીઓએ રેડક્રોસ સોસાયટીની આ માનવતાવાદી પ્રવૃત્તિને બિરદાવી છે તથા રૂપારેલ પરિવારની આ સેવાભાવનાની સરાહના કરી છે.















Recent Comments