સાવરકુંડલાના પવિત્ર ધામ એવા કબીર ટેકરી આશ્રમ ખાતે પરમ પૂજ્ય સદગુરુ તપસ્વી રામપ્રતાપ સાહેબની ૪૫મી પુણ્યતિથિ નિમિત્તે સાહિત્ય, વિજ્ઞાન અને ધર્મના અનોખા ત્રિવેણી સંગમ સમાન એક ગરિમાપૂર્ણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના નામાંકિત લેખકો દ્વારા આશ્રમની માનવતાવાદી અને સેવાકીય પ્રવૃત્તિઓને વાચા આપતું વિશેષ પુસ્તક ‘કબીર ટેકરી માનવતાની મહેક’ નું વિમોચન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીએ આશ્રમની સેવાકીય યાત્રા અને તેની આસપાસની ‘અલપઝલપ’ વાતો રજૂ કરતાં ‘એક પત્રકારની અભિવ્યક્તિ’ વિષય પર સંવેદનશીલ અને ભાવસભર વક્તવ્ય આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “કબીર ટેકરી માત્ર એક ધાર્મિક આશ્રમ નથી, પરંતુ દીન-દુઃખિયાં અને જરૂરિયાતમંદો માટે માનવતાનું જીવંત કેન્દ્ર છે. પત્રકારત્વની નજરે જ્યારે પણ આ સ્થાનની સેવા પ્રવૃત્તિઓને જોઈએ છીએ, ત્યારે અહીં શબ્દો કરતાં કાર્યની સુવાસ વધુ અનુભવાય છે.”
આ પ્રસંગે ઉપસ્થિત સાહિત્યકારો, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ધરાવતા મહાનુભાવો અને ધર્મપ્રેમી જનમેદનીએ પૂજ્ય સદગુરુ રામપ્રતાપ સાહેબના મૂલ્યો અને આશ્રમની માનવસેવાની પ્રવૃત્તિઓને હૃદયપૂર્વક બિરદાવી હતી. સાંપ્રત સમયમાં આ કબીર ટેકરી આશ્રમના મહંત શ્રી નારાયણદાસ સાહેબની સેવાકીય પ્રવૃત્તિઓનો વ્યાપ પણ આ પૂણ્યભૂમિનો પ્રસાદ છે સમગ્ર વાતાવરણ ભક્તિ, સાહિત્યિક ચેતના અને માનવતાના ભાવથી ગૂંજી ઊઠ્યું હતું.

















Recent Comments