ભાવનગર મનપાની ટીમે ૩૦ થી વધુ નાના ગેરકાયદે દબાણ હટાવ્યાં
છેલ્લા લાંબા સમયથી ભાવનગર શહેરમાં મહાપાલિકા દ્વારા નાના ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે સોમવારે ૩૦થી વધુ ગેરકાયદે લારી-ગલ્લાના દબાણ મનપાની ટીમે હટાવ્યા હતા અને કેટલોક સામાન જપ્ત કર્યો હતો. મહાપાલિકાની ટીમે દબાણ હટાવવાની કાર્યવાહી કરતા દબાણકર્તાઓમાં રોષ ભભુકી ઉઠયો હતો. મહાપાલિકાના એસ્ટેટ વિભાગની દબાણ હટાવ સેલની ટીમે આજે સોમવારે શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ૩૦થી વધુ નાના ગેરકાયદે દબાણ દૂર કર્યા હતા અને કેટલોક સામાન જપ્ત કર્યો હતો,
જેમાં ભાવનગર શહેર ક્રેર્સંટ સર્કલ વિસ્તારમાં ગાંધી સ્મૃતિની દીવાલ અને સરદાર સ્મૃતિની દીવાલ પાસેથી અસ્થાયી દબાણ દુર કરવામાં આવ્યા હતા અને કેટલોક સામાન જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં ૫૦ ખુરશી, ૨ સ્ટીલ ટેબલ, ૧ ગેસ ચુલો, ૧૦ નાના પ્લાસ્ટિકના ટેબલ, ૦૧ ફ્રીજ તેમજ અન્ય સામાનનો સમાવેશ થાય છે, ત્યારબાદ નવાપરા વિસ્તારમાંથી અસ્થાયી પ્રકારના દબાણ દૂર કરવામાં આવ્યા હતા અને સમાન જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં ૧ લારી, ૧ ટેબલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પાનવાડી વિસ્તારમાંથી અસ્થાયી દબાણ દુર કરી સામાન જપ્ત કરાયો હતો, જેમાં ૦૬ ખુરશી, ૦૭ કેરેટ, ૦૧ કાંટાનો સમાવેશ થાય છે. રૂપમ ચોક પાસેથી અસ્થાયી દબાણ દૂર કરી સામાન જપ્ત કરાયો હતો. ર ઓટલા હટાવવામાં આવ્યા હતા તેમજ ૦૩ લારી, ૦૧ ચશ્માની ફ્રેમ સ્ટેન્ડ વગેરેનો સમાવેશ થાય છે. મહાપાલિકાની ટીમે લારી-ગલ્લા સહિતના દબાણ દૂર કરતા દબાણકર્તાઓમાં દોડધામ મચી જવા પામી હતી અને કેટલાક દબાણકર્તાઓ રોષ ઠાલવતા નજરે પડયા હતાં. આગામી દિવસોમાં પણ દબાણ દૂર કરવાની કામગીરી યથાવત રહેશે તેમ મનપાના સુત્રોએ જણાવેલ છે.
Recent Comments