અમરેલી

શ્રીમતી નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા ખાતે ભૂતપૂર્વ શિક્ષક શ્રી વિનુભાઈ કાકડિયાની સ્મૃતિમાં વૃક્ષારોપણ

દામનગર પી.એમ. શ્રી દામનગર શાળા નં. ૨( શ્રીમતી નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા )ખાતે ભૂતપૂર્વ શિક્ષક શ્રી વિનુભાઈ કાકડિયાની સ્મૃતિમાં વૃક્ષારોપણ પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ગુજરાતના સંકલ્પને સાકાર કરવા તેમજ શાળાના ભૂતપૂર્વ શિક્ષક સ્વ. શ્રી વિનુભાઈ કાકડિયાની પાવન સ્મૃતિને ચિરંજીવ રાખવાના ઉમદા હેતુથી પી.એમ. શ્રી દામનગર શાળા નં. ૨ના શિક્ષકગણ દ્વારા શાળા પરિસરમાં વિવિધ છાયાદાર વૃક્ષો તેમજ સુંદર ફૂલછોડનું વાવેતર કરવામાં આવ્યું. વિનુભાઈને વૃક્ષો અને ફૂલછોડ ઉગાડવામાં તેમજ તેમનું જતન કરવામાં ખૂબ રસ હતો, તેથી તેમના વૈચારિક વારસાને આગળ વધારવાના સંકલ્પ સાથે શિક્ષકોએ આ કાર્ય કર્યું.

આ પ્રસંગે શિક્ષકોએ જણાવ્યું હતું કે વૃક્ષો માત્ર પર્યાવરણનું જ રક્ષણ નથી કરતા, પરંતુ આવનારી પેઢીને સ્વચ્છ, હરિયાળું અને સ્વસ્થ જીવન પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સ્વ. વિનુભાઈ કાકડિયાના શિક્ષણક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કરીને તેમની સ્મૃતિમાં આ હરિત અંજલિ અર્પણ કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન શિક્ષકોએ વાવેલા વૃક્ષો અને છોડની નિયમિત સંભાળ રાખવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો. સમગ્ર કાર્યક્રમમાં શાળાના શિક્ષકગણ ઉત્સાહભેર જોડાયા હતા. આ વૃક્ષારોપણ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ જાગૃતિનો સુંદર સંદેશ સમાજ સુધી પહોંચ્યો હતો.

Related Posts