અમરેલી

ઉનાળાની ગરમીમાં સાવરકુંડલા મામલતદાર કચેરીની અનોખી પહેલ: હવે જનસેવા કેન્દ્ર સવારે 9 વાગ્યાથી શરૂ

સાવરકુંડલા તાલુકાના નાગરિકોને ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત મળે અને સરકારી સેવાઓ સરળતાથી મળી રહે તે હેતુથી સાવરકુંડલા મામલતદાર કચેરીએ એક નવતર પહેલ હાથ ધરી છે. સામાન્ય રીતે સરકારી કચેરીઓના સમય મુજબ કામગીરી થતી હોય છે, પરંતુ વધતી ગરમી અને ગ્રામ્ય વિસ્તારના અરજદારોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સાવરકુંડલા મામલતદાર કચેરીનું જનસેવા કેન્દ્ર હવે સવારે 9 વાગ્યાથી સાંજના 6:30 વાગ્યા સુધી કાર્યરત રાખવામાં આવ્યું છે.

સાવરકુંડલા તાલુકાના 79 જેટલા ગામોના લોકો વિવિધ સરકારી કામકાજ માટે મામલતદાર કચેરીની મુલાકાત લેતા હોય છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં બપોરના સમયે તાપમાન અસહ્ય સ્તરે પહોંચી જતું હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા અરજદારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મામલતદાર કચેરી દ્વારા સવારે 9 વાગ્યાથી જ જનસેવા કેન્દ્ર શરૂ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

જનસેવા કેન્દ્રમાં આવકના દાખલા, જાતિના દાખલા, નોન-ક્રિમિલિયર સર્ટિફિકેટ, સિનિયર સિટિઝન સર્ટિફિકેટ, જન્મ અને મૃત્યુ નોંધણી, જમીન સંબંધિત 7/12 ઉતારા, 8-અના દાખલા તેમજ ઈ-ધરા સહિતની વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. હવે આ તમામ સેવાઓનો લાભ લોકો વહેલી સવારથી મેળવી શકશે, જેના કારણે તેમને બળબળતા તડકામાં કચેરી સુધી આવવાની જરૂર નહીં રહે.

મામલતદાર કચેરી દ્વારા માત્ર સમય બદલવામાં જ નહીં પરંતુ અરજદારોને વધુ સુવિધા મળે તે માટે વિશેષ તકેદારી પણ રાખવામાં આવી છે. કચેરીમાં આવતા નાગરિકોને કોઈ અગવડતા ન પડે અને તેમની અરજીઓનું ઝડપી નિરાકરણ આવે તે માટે કર્મચારીઓને પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

સાવરકુંડલાના મામલતદાર એસ.બી. દેસાઈએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા મળતી વિવિધ સેવાઓનો લાભ લોકો સરળતાથી મેળવી શકે અને ઉનાળાની ગરમીમાં તકલીફ ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોની સુખાકારી અને સુવિધાને પ્રાથમિકતા આપીને સવારે 9 વાગ્યાથી જનસેવા કેન્દ્ર શરૂ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પહેલને સ્થાનિક નાગરિકો અને અરજદારો તરફથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકોનું કહેવું છે કે વહેલી સવારે કામ પૂર્ણ થઈ જતાં હવે તેમને બપોરના તડકામાં કચેરીના ધક્કા ખાવા પડતા નથી. પરિણામે સમયની સાથે આરોગ્યની દૃષ્ટિએ પણ તેમને રાહત મળી રહી છે.

સરકારી સેવાઓને વધુ જનકેન્દ્રિત અને સુલભ બનાવવાના પ્રયાસરૂપે સાવરકુંડલા મામલતદાર કચેરીની આ પહેલ અન્ય કચેરીઓ માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.

Related Posts