જરાતમાં દરેક નિવેશને વિકાસનું માધ્યમ-ઉદ્યોગોને રોજગારનો આધાર-ઈનોવેશનને ભારતની શક્તિ બનાવી વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં સહભાગી થવા ઈન્વેસ્ટર્સ-બિઝનેસ લિડર્સને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું આહવાન
વાયબ્રન્ટ ગુજરાત સમિટ ગ્લોબલ ઈન્વેસ્ટર્સના ગુજરાત પરના વિશ્વાસનું પ્રતિક અને નોલેજ શેરિંગ પ્લેટફોર્મ બની છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
::મુખ્યમંત્રીશ્રી::
શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત સમિટે વિશ્વને સંદેશો આપ્યો છે, નીતિમાં સ્થિરતા, નિયમોમાં પારદર્શિતા, વ્યવસ્થામાં ગતિ હોય ત્યાં નિવેશ આપોઆપ આકર્ષાય છે.
ઇન્વેસ્ટર્સને પોલિસી સ્ટેબિલિટી, ટ્રાન્સપરન્સી, સ્કિલ્ડ મેનપાવર-વિશ્વાસ અને સુરક્ષા બધુ એક સાથે મળી રહે તેવી ઈકોસિસ્ટમ ગુજરાતે ડેવલપ કરી છે.
ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝમાં સ્ટ્રેન્થ પુરવાર કરી છે હવે ભવિષ્યના ઉદ્યોગમાં લીડ લેવા કમર કસી છે.
વડાપ્રધાનશ્રીએ સપ્તધારાનો આપેલો સંકલ્પ સાકાર કરવા ગુજરાત મજબૂતીથી પોતાની ભૂમિકા નિભાવશે. વાયબ્રન્ટ સમિટ 2027 સપ્તધારાના દરેક સંકલ્પને નવી ગતિ આપશે.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી
વિઝન અને એક્ઝિક્યુશનનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે ગુજરાત :
ગુજરાતમાં રોકાણ કરેલો એક-એક રૂપિયો સુરક્ષિત અને યોગ્ય રિટર્નની ગેરંટી છે.
સેમિકન્ડક્ટરથી પોર્ટ્સ સુધી “ગુજરાત” રોકાણકારોની પહેલી પસંદ બન્યું છે, જે 25 વર્ષનો અતૂટ વિશ્વાસ દર્શાવે છે.
ગુજરાતે સ્થિર સરકાર, સતત પ્રગતિ અને ઉદ્યોગલક્ષી નીતિઓના માધ્યમથી રોકાણ માટે વિશ્વસનીય વાતાવરણ ઊભું કર્યું છે : કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગવી સોચથી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે વિશ્વને સંદેશ આપ્યો છે કે નીતિમાં સ્થિરતાં, નિર્ણયમાં પારદર્શિતા અને વ્યવસ્થામાં ગતિ હોય ત્યાં નિવેષકો આપોઆપ આકર્ષિત થાય છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027’ નવી દિલ્હીમાં યોજાયેલા કર્ટેન રેઈઝર એવેન્ટમાં આ મત વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ઇન્વેસ્ટર્સ અને બિઝનેસ લીડર્સને ગુજરાતમાં રોકાણોથી વિકાસયાત્રામાં સહભાગી બનવા નિમંત્રણ પાઠવતાં રાજ્યમાં હરેક નિવેશને વિકાસનું માધ્યમ, ઉદ્યોગને રોજગારનો આધાર, ઇનોવેશનને ભારતની શક્તિ બનાવીને વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાત 2047ના નિર્માણમાં ભાગીદાર બનવા આ ઇવેન્ટમાં આહવાન કર્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2003માં એક નવતર વિચાર સાથે વિશ્વના રોકાણકારોને ગુજરાત સાથે જોડવા વાઇબ્રન્ટ સમિટ શરૂ કરાવી હતી. આ સમિટ આજે દુનિયાના ઉદ્યોગ-રોકાણકારોના ગુજરાત પરના વિશ્વાસનું પ્રતીક અને નોલેજ શેરિંગ પ્લેટફોર્મ બની ગઈ છે તેમ તેમણે ગૌરવ સહ ઉમેર્યું હતું.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખ માંડવીયા, રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા તથા મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર શ્રી ડૉ. હસમુખ અઢિયા સહિત મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ અને કેન્દ્ર-રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.
નવી દિલ્હીના ભારત મંડપમાં સૌપ્રથમવાર યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ની આ પ્રમોશનલ ઇવેન્ટમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકો, નિવેષકો વિશાળ સંખ્યામાં જોડાયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાતની 25 વર્ષની અવિરત વિકાસયાત્રાની સફળતા અને નવા ગુજરાતની નવી આકાંક્ષાઓનો ઉદઘોષના અવસર છે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 21મી સદીના ભારતના જ નહીં પરંતુ દુનિયાના પ્રમુખ દૂરદર્શી નેતાઓમાં સૌથી આગળ છે સૌને આજે વિશ્વાસ છે કે મોદી હે તો મુમકિન હૈ.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ અસંભવ લાગતા કામોને સંભવ કરી બતાવ્યા છે. એટલું જ નહીં, એક સમયે માત્ર સપનું હતું તે આજે ભારતની વિકાસયાત્રાનો સંકલ્પ બની ગયો છે.
તેમણે ઉમેર્યું કે, ગુજરાતે આ પરિવર્તનને બહુ નજીકથી જોયું છે અને ‘જે કહેવું તે કરવું’ના વડાપ્રધાનશ્રીના મંત્રને વાઇબ્રન્ટ સમિટથી ધરતી પર ઉતાર્યો છે.
મુખ્યમંત્રીશ્રી એમ પણ જણાવ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને નિવેશ આકર્ષિત કરનારા રાજ્ય તરીકે જ નહીં દેશના વિકાસના ગ્રોથ એન્જિન બનાવવાની નેમ સાથે વાઇબ્રન્ટ સમિટનો વિચાર આપેલો.
ગુજરાત આજે ડેવલોપમેન્ટના રોલ મોડલ તરીકે ડેવલપમેન્ટ વિથ ડિલિવરીના મૂળ મંત્ર સાથે આગળ વધ્યું છે તેની વિશદ ભૂમિકા આપતા શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, માત્ર રોડ, રસ્તા, વીજળી, પાણી કે ઉદ્યોગ એટલે ગુજરાત મોડેલ એવી સીમિત વ્યાખ્યા નથી રાખી.
ગુજરાતે એક એવી ઇકોસિસ્ટમ નિર્માણ કરી છે જ્યાં ઇન્વેસ્ટર્સને જમીન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરાંત પોલીસી સ્ટેબિલિટી, સ્પીડ ટ્રાન્સપેરન્સી, સ્કિલ્ડ મેનપાવર અને વિશ્વાસ તથા સુરક્ષા બધું જ એક સાથે મળી રહે છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આ બધાના પરિણામે ગુજરાત દેશમાં FDI મેળવવામાં અગ્રેસર છે. ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાની સ્ટ્રેન્થ પુરવાર કરીને હવે ગુજરાતે ભવિષ્યના ઉદ્યોગોમાં લીડ લેવા કમર કસી છે.
“વિકસિત ગુજરાત-શેપિંગ ગ્લોબલ ફ્યુચર”ની થીમ સાથે યોજાનારી વાઇબ્રન્ટ સમિટ 2027 ગુજરાતને સોફ્ટ પાવર, સેમિકન્ડક્ટર, ફીન્ટેક, ગ્રીન હાઈડ્રોજન, એ.આઈ. જેવા ઉભરતાં સેક્ટર્સ અને ગ્રીન ગ્રોથ પર વિશેષ ફોકસ કરનારી રહેશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષના સ્વતંત્રતા દિવસે સપ્ત ધારાનું જે વિકાસ આહવાન કર્યું છે તેને ગુજરાત ઝિલી લેવા સંપૂર્ણ સજ્જ છે.
મેન્યુફેક્ચરિંગ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતની કેપેસિટી, એગ્રીકલ્ચરમાં પ્રોડક્ટિવિટી, ટેકનોલોજીમાં ઇનોવેશન, ગતિશક્તિમાં કનેક્ટિવિટી, ડિફેન્સમાં મેન્યુફેક્ચરિંગ, ગ્રીન અને બ્લુ ઇકોનોમીમાં નેચરલ સ્ટ્રેન્થ અને સોફ્ટ પાવરમાં સંસ્કૃતિ આ બધાને સાથે જોડીને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2027થી વડાપ્રધાનશ્રીના સપ્ત ધારા સંકલ્પને ગતિ આપવાનો નિર્ધાર તેમણે વ્યક્ત કર્યો હતો.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દેશ-વિદેશના રોકાણકારો અને ઉદ્યોગસાહસિકોને ગુજરાતમાં રોકાણ કરવા આમંત્રણ પાઠવતાં જણાવ્યું કે, “એક્ઝિક્યુશન વિનાનું વિઝન માત્ર ભાષણ બની રહે છે અને વિઝન વિનાનું એક્ઝિક્યુશન માત્ર ભાગદોડ છે. ગુજરાતે સચોટ વિઝન અને ઝડપી અમલનું ઉત્કૃષ્ટ ઉદાહરણ સમગ્ર દેશ સમક્ષ પૂરું પાડ્યું છે.”
ગુજરાતની અવિરત વિકાસયાત્રામાં સરકાર અને ઉદ્યોગજગત વચ્ચેનો પરસ્પર વિશ્વાસ સૌથી મોટો આધારસ્તંભ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર માત્ર શાસક જ નહીં, પરંતુ ‘ટીમ ગુજરાત’ બનીને ઉદ્યોગોના વિચારો તથા જરૂરિયાતોને સમજી નવી તકોનું સર્જન કરી રહી છે.
ગુજરાતની આર્થિક પ્રગતિના આંકડા રજૂ કરતાં તેમણે જણાવ્યું કે, વર્ષ 2002-03માં ગુજરાતનું અર્થતંત્ર આશરે રૂ. 1.42 લાખ કરોડ હતું, જે દીર્ઘદ્રષ્ટા નીતિઓ અને નાગરિકોના પરિશ્રમથી આજે આશરે રૂ. 27 લાખ કરોડે પહોંચ્યું છે. દેશની વસ્તીમાં 5% અને ભૂગોળમાં 6% હિસ્સો ધરાવતું ગુજરાત, દેશના કુલ GDPમાં 8.2% અને કુલ મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં અંદાજે 18% યોગદાન આપે છે. ગુજરાતે અત્યાર સુધીમાં 74.6 બિલિયન અમેરિકી ડૉલરનું સીધું વિદેશી રોકાણ આકર્ષ્યું છે, જ્યારે દેશના 40%થી વધુ કાર્ગોનું હેન્ડલિંગ ગુજરાતના બંદરો દ્વારા થાય છે.
રોકાણકારોને સંપૂર્ણ સુરક્ષાનો ભરોસો આપતાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, કોઈપણ ઉદ્યોગકાર પોતાના રોકાણની સુરક્ષા અને ઉત્તમ વળતર ઇચ્છે છે, અને ગુજરાત આ બંને બાબતો માટે પ્રતિબદ્ધ છે. છેલ્લા 25 વર્ષમાં સરકારે જે ઇન્સેન્ટિવ્સ આપવાનું વચન આપ્યું હોય, તે પૂર્ણ ન કર્યું હોય તેવો એક પણ કિસ્સો બન્યો નથી. વહીવટી પારદર્શિતા અને ઝડપ વધારવા માટે ઉદ્યોગ વિભાગમાં ઇન્સેન્ટિવ ફાઇલો ક્લિયર કરવાની ગતિ દૈનિક 160થી વધારીને 395 સુધી પહોંચાડવામાં આવી છે, તે ટૂંક સમયમાં દરરોજ 500 ફાઇલ કરવાનો લક્ષ્યાંક છે.
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027માં ભાગીદાર બનીને રાજ્યની પ્રગતિ સાથે જોડાવા તેમણે રોકાણકારોને હૃદયપૂર્વક આમંત્રણ આપ્યું હતું.
કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા
કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાએ આ પ્રસંગે રોકાણકારોને ગ્રીન હાઇડ્રોજન, હાઇડ્રોજન સ્ટોરેજ, ડેટા સેન્ટર અને સેમિકન્ડક્ટર જેવા ક્ષેત્રોમાં ઉપલબ્ધ તકોનો અભ્યાસ કરીને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027માં સક્રિય ભાગીદારી કરવા અને ગુજરાતમાં રોકાણ કરવા આહ્વાન કર્યું હતું.
તેમણે જણાવ્યું કે, ગુજરાતનું કલ્ચર જ એન્ટરપ્રેન્યોરશિપ અને બિઝનેસનું છે. ગુજરાતની સકારાત્મક વિચારસરણી અને વેપાર કરવાની પરંપરા આજે રાજ્યને દેશના અગ્રણી રોકાણ કેન્દ્રોમાં સ્થાન અપાવે છે. સમય સાથે બદલાવ કરવાનો અભિગમ ગુજરાતે સદીઓથી અપનાવ્યો છે. લોથલકાળથી આજ સુધી ગુજરાત વેપાર, ઉદ્યોગસાહસિકતા અને આંતરરાષ્ટ્રીય વેપાર સાથે જોડાયેલું રહ્યું છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
તેમણે જણાવ્યું કે એક પછી એક વાયબ્રન્ટ સમિટ સાથે ગુજરાતમાં રોકાણની તકો અને રોકાણકારોનો વિશ્વાસ સતત વધ્યો છે. ગુજરાતની ઇન્ડસ્ટ્રીયલ સિસ્ટમે આજે માત્ર ભારતીય ઉદ્યોગસાહસિકો માટે જ નહીં પરંતુ મલ્ટીનેશનલ કંપનીઓ માટે પણ વિશાળ તક ઊભી કરી છે.
કેન્દ્રીય મંત્રીએ ભારતની વર્તમાન આર્થિક સ્થિતિનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે કોવિડ-19 બાદ રશિયા-યુક્રેન સંઘર્ષ અને પશ્ચિમ એશિયામાં સર્જાયેલી અસ્થિરતા જેવી વૈશ્વિક પરિસ્થિતિઓ વચ્ચે પણ ભારતની અર્થવ્યવસ્થા મજબૂત ગતિએ આગળ વધી રહી છે.
શ્રી મનસુખભાઈ માંડવિયાએ રોકાણકારોને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ને માત્ર એક સમિટ તરીકે નહીં પરંતુ ભવિષ્યની તકોને સમજવા અને ગુજરાતની વિકાસયાત્રામાં ભાગીદાર બનવાના મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે જોવા અપીલ કરી હતી.
મુખ્યસચિવ શ્રી એમ.કે. દાસે જણાવ્યું હતું કે ગુજરાતના વિકાસ મોડેલને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવામાં ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે.
મુખ્યસચિવશ્રીએ જણાવ્યું કે ગુજરાત સરકારની વિકાસલક્ષી નીતિઓ અને સતત આર્થિક વૃદ્ધિના પરિણામે છેલ્લા 20 વર્ષમાં રાજ્યનું GSDP રૂપિયા આધારિત મૂલ્યમાં આશરે 20 ગણું વધ્યું છે. ગુજરાતની આર્થિક વૃદ્ધિનો દર હાલમાં આશરે 10થી 11 ટકાની આસપાસ છે અને ચાલુ નાણાકીય વર્ષમાં વિકાસની ગતિ વધુ મજબૂત રહેવાની સંભાવના છે.
DPIITના સેક્ટ્રેટરી શ્રી અમરદીપ સિંઘ ભાટીયાએ ઈન્ડસ્ટ્રીયલ ગ્રોથમાં ગુજરાતની ભૂમિકા સાથે પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકેની ઈમેજ ઉત્તરોત્તર સંગીન બની છે તેમ જણાવ્યું હતું.
ASSOCHAMના પ્રમુખ શ્રી નિર્મલ મિંડાએ ગુજરાતની રોકાણ ક્ષમતાની પ્રશંસા કરતાં જણાવ્યું કે ગુજરાતે ઓક્ટોબર 2019થી માર્ચ 2026 દરમિયાન આશરે USD 51 બિલિયનનું વિદેશી રોકાણ આકર્ષ્યું છે.
ગુજરાતની નિકાસ જૂન 2026 સુધીમાં આશરે USD 55 બિલિયન પહોંચી છે, તે ભારતની રાજ્યવાર કુલ નિકાસમાં આશરે 27 ટકા હિસ્સો ધરાવે છે.
ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતિ મમતા વર્માએ ગુજરાતની વિકાસયાત્રા અને ગુજરાતમાં ઉદ્યોગો માટેની તકો અંગે પ્રેઝન્ટેશન રજૂ કરતાં જણાવ્યું હતું કે, પ્રાચીન સમયથી સમુદ્રી માર્ગો સાથે જોડાયેલું ગુજરાત આજે વૈશ્વિક સપ્લાય ચેઇનનો મહત્વપૂર્ણ હિસ્સો બન્યું છે.
આ કર્ટેન રેઈઝર ઈવેન્ટમાં અગ્રણી ઉદ્યોગ સાહસિકોએ એક્સપિરિયન્સ શેરિંગ પણ કર્યા હતા.

















Recent Comments