ગુજરાત

રાજ્ય સરકારના સંવેદનશીલ અભિગમથી સાગબારા- ઉમરપાડામાં જમીન ખેડાણ વિવાદનું હકારાત્મક નિવારણ

માહિતી બ્યુરો-સુરત, સોમવાર: રાજ્ય સરકારના સકારાત્મક અને સંવેદનશીલ અભિગમથી સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના અને નર્મદા જિલ્લાના સાગબારાના આદિવાસી ખેડૂતો વચ્ચે જંગલ જમીનના ખેડાણ અને હક-અધિકારો અંગેના વિવાદનો ઉમરપાડા તાલુકાના હરિપુરા ખાતે જળ સંપત્તિ પાણી, પુરવઠા મંત્રી અને નર્મદા જિલ્લા પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને વન, પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી, સાંસદ મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં સુખદ અને શાંતિપૂર્ણ નિરાકરણ આવ્યું હતું.
રાજ્ય સરકારની આ સકારાત્મક ખાતરી બાદ ધરણા પર બેઠેલા તમામ આંદોલનકારી ખેડૂતોએ મહાનુભાવોના હસ્તે પારણાં કરીને ધરણા પૂર્ણ કર્યા હતા.
સમાજના છેવાડાના અને સાચા હકદાર નાગરિકને યોગ્ય ન્યાય મળે તે માટે રાજ્ય સરકારનો હંમેશાં સકારાત્મક દ્રષ્ટિકોણ રહ્યો છે એમ જણાવી વન મંત્રીશ્રી પ્રવિણભાઈ માળીએ કહ્યું કે, ખેડૂતોની આ રજૂઆતો અને સ્થાનિક સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને રાજ્ય સરકારે ત્વરિત પગલાં લીધાં છે. નાયબ મુખ્યમંત્રીશ્રી તેમજ સાંસદશ્રી અને સ્થાનિક ધારાસભ્યો- લોકપ્રતિનિધિઓ સાથે ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ખેડૂતોના પ્રશ્નોનો કાયદાકીય અને ન્યાયી ઉકેલ લાવવા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે.
વધુમાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આવનારા સમયમાં વન વિભાગ દ્વારા આદિવાસી સમાજના ભાઈ-બહેનોને સ્થાનિક કક્ષાએ વધુને વધુ રોજગારી મળી રહે તે માટે સુચારુ આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત, ‘કુસુમ યોજના’ હેઠળ જરૂરી તમામ પ્રકારની સવલતો અને વ્યવસ્થા પૂરી પાડવા માટે રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. સમાજના અંતિમ હરોળ પર બેઠેલો માનવી પણ વિકાસની અગ્રિમ હરોળમાં આવે તે માટે સરકારે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે.
સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, જંગલ વિસ્તારમાં વસવાટ કરતા આપણા આદિવાસી નાગરિકોના સર્વાંગી વિકાસ અને સમૃદ્ધિ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. વનવાસી ભાઈ-બહેનોને વિકાસની મુખ્ય ધારામાં લાવવા માટે સરકારે અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓથી લાભાન્વિત કર્યા છે. વર્ષોથી જંગલની જમીન ખેડીને પોતાનું ગુજરાન ચલાવતા આદિવાસી નાગરિકોને તેમનો વાસ્તવિક ન્યાય મળે તે માટે રાજ્ય સરકારનો અભિગમ હંમેશા સકારાત્મક અને સંવેદનશીલ રહ્યો છે.
વધુમાં સાંસદે કહ્યું હતું કે, ભૂતકાળમાં જે આદિવાસી ભાઈઓને જંગલ જમીનના અધિકાર પત્રો મળેલા છે, તે તમામ સનદો અને અધિકારો મુજબ આગામી સમયમાં યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત, જિલ્લા સમિતિ હેઠળ હાલ જે દાવાઓ પેન્ડિંગ છે, તે તમામ દાવાઓની જરૂરી આધાર-પુરાવાની ચકાસણી કરીને આગામી દિવસોમાં જંગલ જમીન અધિકાર અધિનિયમ (FRA કાયદા) હેઠળ પાત્રતા ધરાવતા તમામ અરજદારોને અધિકાર પત્રો એનાયત કરવામાં આવશે એમ તેમણે જણાવ્યુ હતું.
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવા, ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવા, પૂર્વ વન મંત્રી મોતીભાઈ વસાવા, પોલીસ તેમજ વન વિભાગના અધિકારીઓ સહિત વિવિધ ગામના સરપંચો, સામાજિક અગ્રણીઓ, ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા.

Related Posts